Ravipurti: જયંતી બુરુદાનું 'જંગલ રાની'

- આજકાલ
- 2023માં 'જંગલ રાની' નામનું સોશિયલ મીડિયા સમાચાર પ્લેટફૉર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના સમાચાર આપે છે
ઓડિશાના મલ્કાનગિરી જિલ્લામાં સેરપલ્લી ગામમાં જયંતી બુરુદાનો જન્મ થયો હતો. કોયા જનજાતિમાં જન્મેલી જયંતીનો અગિયાર ભાઈ-બહેનોમાં નવમો નંબર હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટના હેવાલ પ્રમાણે કોયા જનજાતિમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ અત્યંત ઓછું હતું. જયંતી પોતાની માતાને સેરપલ્લી ગામની આસપાસ જંગલમાં લાકડા વીણવામાં, ગાયોને ચરાવવામાં મદદ કરતી હતી. મલ્કાનગિરી જિલ્લાના આ ગામમાં એક જ સ્કૂલ હતી અને એમાં પ્રવેશ મેળવવા માટે જયંતી નસીબદાર બની. દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર વિદ્યાર્થિની હતી. નાનપણથી જંગલ સાથે એનો નાતો હતો અને વનવગડાનાં એકાંતમાં રહેતી. તેના સમવયસ્ક અન્ય મિત્રો ફોનમાં વ્યસ્ત રહેતા અથવા તો કોઈ રમત ખેલતા ત્યારે જયંતી કુદરતની ગોદમાં જઈને આનંદ મેળવતી.
૨૦૧૪માં તેણે પત્રકારત્વની ડિગ્રી મેળવી. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર અને પત્રકાર બિરેન દાસ સાથે ઈન્ટર્નશિપ કરી અને તેઓ તેના માર્ગદર્શક બન્યા.
જયંતી બુરુદા કહે છે કે તેના પિતા હંમેશાં ધોતી પહેરતા અને આદિવાસીઓના અધિકાર માટે સંઘર્ષ કરતા હતા, આમ છતાં ગામ છોડીને જયંતીને આગળ અભ્યાસ કરાવવા માટે અન્યત્ર મોકલવામાં ખચકાટ અનુભવતા, પરંતુ જયંતીએ મલ્કાનગિરી જઈને બી.એ.ની ડિગ્રી મેળવી. અહીં એણે ઝૂંપડપટ્ટીમાં રહેતાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવ્યો અને વાર્તાઓ કહીને તેમનું ઘડતર કર્યું. જયંતીની સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધી અને ભારતીય રેડ ક્રોસ સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ. અહીં એણે સત્તાસ્થાને બેઠેલા પુરુષો દ્વારા થતાં ભેદભાવનો અનુભવ કર્યો. તેણે જોયું કે આ સમાજમાં સત્તાસ્થાને બેઠેલા, હોદ્દેદારો કે પત્રકારની વાત સહુ કોઈ સાંભળે છે. એણે પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને પિતાને વાત કરી, પિતાને પોતાની પુત્રી પત્રકાર બને તે વાત પસંદ પડી નહીં. પિતાને સમજાવ્યું કે આપણી કોયા જાતિમાં ન કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર છે કે ન કોઈ પત્રકાર! જયંતી બુરુદાએ ગામથી દોઢસો કિમી. દૂર કોરાપુટમાં સેન્ટ્રલ યુનિવર્સિટી આફ ઓડિશામાં પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ મેળવ્યો અને કોયા જનજાતિની પ્રથમ મહિલા પત્રકાર બની. કોયી ભાષા જાણનાર બહુ જ જૂજ વ્યક્તિ છે તેમાંની એક જયંતી બુરુદા છે. પત્રકારત્વનો અભ્યાસ કરવો તેના માટે સહેલો નહોતો. અભ્યાસની અને હોસ્ટેલની ફી ભરવાની અને વળી એકાએક જુદા જ વાતાવરણનો અનુભવ કરવાનો હતો, પરંતુ સહુના સહયોગથી ૨૦૧૪માં તેણે પત્રકારત્વની ડિગ્રી મેળવી. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર અને પત્રકાર બિરેન દાસ સાથે ઈન્ટર્નશિપ કરી અને તેઓ તેના માર્ગદર્શક બન્યા.
ભુવનેશ્વરના અજીરા ઓડિશા સ્ટુડિયોમાં એક મહિનો ઈન્ટર્નશિપ કરી અને બિરેન દાસના માર્ગદર્શનમાં કેમેરા ચલાવતા, ઈન્ટરવ્યૂ લેતા, વીડિયો ઉતારતા તથા એડિટિંગ કરતા શીખી. તે કલિંગા ટી.વી.માં જોડાઈ. અહીં જયંતી બુરુદાએ જોયું કે મલ્કાનગિરીના સમાચારમાં ખાસ કોઈને રસ પડતો નહોતો. માત્ર માઓવાદી સાથે અથડામણ થઈ હોય એવી ઘટનાના સમાચારને મહત્ત્વ આપવામાં આવતું. એ ઉપરાંત તેની સાથે કામ કરતાં પુરુષો તેને ગણકારતા નહીં. એની બનાવેલી સ્ટોરી પ્રસારિત થાય તોપણ તેનું નામ આપવામાં આવતું નહીં. એને કોઈ કામનું શ્રેય આપવામાં આવતું નહીં. તેણે નેટવર્ક ફૉર વિમેન ઈન મીડિયા-ઇન્ડિયામાં ફેલોશિપ માટે અરજી કરી અને ૨૦૧૭માં તેને આર્થિક સહાય ઉપરાંત લેપટોપ પણ મળ્યું. જયંતી બુરુદા પોતાના અત્યાર સુધીના અભ્યાસ અને કામના અનુભવથી ઘણું શીખી હતી. તે હાંસિયામાં ધકેલાયેલા માનવીઓ તથા આદિવાસી મહિલા અને બાળકોની સમસ્યાને વાચા આપવા માગતી હતી. સામાજિક અસમાનતા અને લિંગભેદનો તેને જાતઅનુભવ હતો. તે પોતાની જનજાતિના પ્રશ્નો પણ રજૂ કરવા માગતી હતી.
જયંતીએ મલ્કાનગિરીમાં કોઈ પણ મેડિકલ સગવડ વિના બાળકને જન્મ આપનાર સ્ત્રીઓની સમસ્યા વિશે ડોક્યુમેન્ટેશન કર્યું. તેમાં તેણે માળખાકીય સુવિધા વધારવી જોઈએ તેમ જણાવ્યું, કારણ કે પૂરની પરિસ્થિતિ સમયે એક પ્રસૂતા સ્ત્રીને ટ્રેક્ટર કે બળદ ગાડામાં લાવવી પડી, જ્યાં એણે થોડા જ સમયમાં સંતાનને જન્મ આપ્યો. શિક્ષણનો અભાવ, ઘરેલુ હિંસા, દારૂનું વ્યસન, છોકરીઓને સ્કૂલે ન મોકલવી વગેરે પ્રશ્નોને રજૂ કરીને એ લોકોમાં જાગૃતિ લાવે છે. ૨૦૧૮માં તેણે બડા દીદી યુનિયનની શરૂઆત કરી. જેમાં સ્ત્રીઓના આરોગ્ય વિશે અને સ્ત્રી-સુરક્ષા વિશે વાત કરી.
૨૦૨૩માં 'જંગલ રાની' નામનું સોશિયલ મીડિયા સમાચાર પ્લેટફાર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના એવા સમાચાર આપે છે
૨૦૨૩માં 'જંગલ રાની' નામનું સોશિયલ મીડિયા સમાચાર પ્લેટફાર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના એવા સમાચાર આપે છે, તેની ટેગલાઇન છે - અમારી વાત, અમારા દ્વારા અને અમારા માટે. દોઢસો રૂપિયા ભરીને તેમાં જોડાઈ શકાય છે. મહિલા પત્રકાર તરીકે કલાકો સુધી બહાર ફરવું અને સાંજ પહેલાં ઘરે પાછા ફરવું સલામતીની દ્રષ્ટિએ મુશ્કેલ હોય છે, તેથી તે માર્શલ આર્ટ શીખી છે. પાંત્રીસ વર્ષની જયંતીએ મલ્કાનગિરીમાં પચાસથી વધુ મહિલાઓને સ્ક્રીપ્ટ રાઈટિંગ, ફિલ્ડ રીપોર્ટ, વીડિયો શૂટિંગ અને એડિટિંગ શીખવ્યું છે અને તેના દ્વારા તે સમાજમાં પરિવર્તન લાવવા માગે છે.
- પ્રીતિ શાહ

