મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

બટાટા શાકભાજીનો રાજા કે બીમારીઓનું ઘર? બટાટા ખાતા પહેલાં આ જરૂર વાંચજો

અહીં એક એવી વાતો કહેવાની છે જે સાંભળીને કે વાંચીને તમે એકલા જ નહિ બીજા અનેક જ

બટાટા શાકભાજીનો રાજા કે બીમારીઓનું ઘર? બટાટા ખાતા પહેલાં આ જરૂર વાંચજો
આ સમાચાર સાંભળો

અહીં એક એવી વાતો કહેવાની છે જે સાંભળીને કે વાંચીને તમે એકલા જ નહિ બીજા અનેક જણ નવાઈ પામી જશે. વાત એ છે કે બટાટા ખાવાથી આપણું વજન વધતું નથી મતલબ કે, બટાટા વજન વધારનાર ચીજ નથી. વધારે સ્પષ્ટતા માટે ચાલો, બટાટાની અંદર રહેલાં ઘટકતત્ત્વો વિશે જાણી લઈએ.

૧૦૦ ગ્રામ બટાટામાં કેલેરી, ૯૭ પ્રોટીન- ૧ .૬ ગ્રામ, ચરબી તત્ત્વ- ૦.૧ ગ્રામ, અને કાર્બોહાઈડ્રેટ્સ (શર્કરા) ૨૨.૬ ગ્રામ હોય છે. હવે બોલો, આ બટાટા જે સો ગ્રામમાં માત્ર એક દશાંશ ગ્રામ જ ચરબી તત્ત્વ ધરાવે છે તે કોઈનું યે વજન વધારી શકે ખરા?

બટાટામાં ઉપરોક્ત પાયાના પોષક તત્ત્વો ઉપરાંત કેરોટીન (જે પચ્યા પછી વિટામીન એ બને છે) અને વિટામીન સી પણ હાજર હોય છે.

બટાટા પોતે તો એક નિરુપદ્રવી ચીજ છે ફક્ત જ્યારે તેને ઉપદ્રવી પધ્ધતિથી રાંધવામાં આવે ત્યારે જ તેના છૂટકે ઉપદ્રવ કરે છે. આપણે ત્યાં બટાટાની મોટાભાગની બનાવટો તેલમાં કે ઘીમાં તળીને બનાવવામાં આવે છે. જુઓને, કોફતા, કટલેટ, પોટેટો ચિપ્સ, વેફર્સ અને એવી અનેક વાનગીઓ બીજુ શું છે? વળી બટાટાનું શાક પણ તેલથી ખાસ્સું તરબતર નથી બનતું? વળી આપણે મોટે ભાગે તો સીધી છાલ ઉતારીને શાક બનાવતાં હોઈએ છીએ. આ બંધ કરવું જોઈએ. બટાટાની છાલ ઉતારી નાંખવાથી છાલની તરત જ નીચે રહેલાં વિટામીન્સ પણ કાઢી નાંખતા હોઈએ છીએ.

માટે બટાટાને પહેલાં છાલ સહિત બાફી લેવા અને પછી છાલ કાઢી નાંખવી એ વધારે સારી રીત છે. તેથી પેલાં વિટામીન્સ છાલની સાથે નીકળી ન જતાં બટાટામાં જ રહે છે.

જોે બટાટાની વાનગી સાચી રીતે બનાવેલી હોય તો, બટાટા છૂટથી ખાઈ શકાય છે. શાક તરીકે બટાટાનો એક લાભ એ છે કે તેને લાંબા સમય સુધી રાખી શકાય છે. બીજો લાભ એ છે કે તેને અનેક જુદાં જુદા પ્રકારે રાંધી શકાય છે અને અનેક વાનગીઓ બનાવી શકાય છે. ધ્યાનમાં ફક્ત એટલું જ રાખવાનું કે જો બટાટા લીલા રંગના થવા માંડયા હોય અને તેમાંથી ફણગા ફૂટવા માંડયા હોય તો તે બટાટા અચૂક ફેંકી દેવા. એવા ફણગાવેલા, લીલા થવા લાગેલા બટાટામાં સોલેમાઈન નામનું એક હાનિકારક તત્ત્વ પેદા થયેલું હોય છે. તે તત્ત્વ ઊબકા, ઊલટી પેઢૂનો દુખાવો વગેરે તકલીફો કરી શકે છે.

બટાટાના તમે ચાહક હો તો બેધડક બટાટા ખાવ. ફક્ત તેને ઘી - તેલની ઝાઝી સોબતે ન ચડાવશો. પછી બટાટા તમારું વજન નહિ વધારે. ડાયેટિશ્યનો બટાટા ખાવા પર પ્રતિબંધ મૂકે છે. કારણ કે મેદસ્વી વ્યક્તિ મોટે ભાગે બટાટાની બનેલી વાનગીઓ વધુ આરોગે છે તેથી તેમના પેટમાં ઠલવાતી ચરબીનું પ્રમાણ વધી જાય છે. બાકી બટાટાને બાફીને તેની પર માત્ર થોડું મરી મીઠું ભભરાવીને ખાવાથી કોઈ નુકસાન નથી થતું.

દુનિયાભરમાં શાક તરીકે બટાટાનો જેટલો ઉપયોગ થતો હશે તેટલો ભાગ્યે જ કોઈપણ શાકનો થતો હશે આથી તે શાકનો રાજા ગણાય છે. આપણા દેશમાં પરદેશથી પણ બટાટાની આયાત થાય છે. પણ દેશી બટાટા વધુ સારા ગણાય છે. મહાબળેશ્વર બાજુના બટાટા મોટા અને બહુ પૌષ્ટિક ગણાય છે. કાંદા બટાટાનું કે રીંગણ બટાટાનું મિશ્ર શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. બટાટાને શેકીને કે બાફીને ખવાય છે. બટાટાની કાતરી, વૈફર, ભજિયા, વડા, ખીર-પુરી શીરો વગેરે અનેક વાનગીઓ બને છે. બટાટાને બાફી તેની છાલ કાઢી નાખી તેનું શાક બનાવવાની રીત હાલમાં વધુ પ્રચલિત છે. પરંતુ બટાટાની છાલ કાઢી નાંખવાથી તેની સાથે કેટલાંક પોષક તત્ત્વો ચાલ્યાં જાય છે. બટાટાને બાફતાં વધેલાં પાણીમાં વિટામીન તત્ત્વો હય છે તેથી એ પાણી ફેંકી ન દેતા શાકમાં દાળમાં મેળવી લેવું જોઈએ. સઘળી જાતના બટાટા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, ભારે મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર, રૂક્ષ, માંડ પચે તેવા અને રક્તપિત્તને મટાડનાર છે. એ કફ તથા વાયુ કરનાર, બળ આપનાર, વીર્ય વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નિને વધારનાર છે. બટાટાનું શાક સ્વાદિષ્ટ અને રૂચિકર થાય છે પરંત પૂરતો મસાલો ન હોય તો એ વાયુ કરે છે. વૈજ્ઞાાનિકોના મત પ્રમાણે બટાટામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફોસ્ફરસ, પોટેશ્યિમ ગંધક, તાંબુ અને લોહ ઓછાવત્તા પ્રમાણમાં છે. તેમાં વિટામીન 'એ' અને 'સી' પણ થોડા પ્રમાણમાં છે. મેદાગ્નિવાળાએ ગેસના કે મધુ પ્રમેહના દરદીએ તેમ જ માંદા માણસોએ બટાટા ખાવા હિતાવહ નથી.

આ સમાચાર શેર કરો