Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Panchaat that the rules of the PAN have changed!

Business Plus: પાનના નિયમો બદલાઈ ગયાની પંચાત!

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: પાનના નિયમો બદલાઈ ગયાની પંચાત!
સોર્સ : GSTV

પાનના ગલ્લે જામેલું ટોળું હજુ તો 'ધુરંધર ટુ'નો રિવ્યુ, ઈરાન યુદ્ધનું એનાલિસિસ અને બંગાળ ચૂંટણીમાં મતદાન પૂર્વે જ પરિણામ જાહેર કરી દે તે પહેલાં જ પકા પંચાતિયાએ એન્ટ્રી મારી. 'લ્યા, આ બધી પંચાત મૂકો પડતી. કોઈને ખબર છે કે સરકારે પાનના નિયમો બદલી નાખ્યા છે?'

App Store

'ઓ ત્તારી!' ચચ્ચુએ પાનમાં તમાકુને બદલે ચૂનો વધારે પડી ગયો હોય એવું મોઢું કરીને કહ્યું, 'એટલે આપણે હવે નિયમાનુસાર જ પાન ખાવાનું એમ?'

ગુલ્લુએ તો થૂંકવાનું માંડી વાળતાં જ કહ્યું, 'સરકારનો ભરોસો નહીં. પાન ખાધા બાદ થૂંકવાના પણ નિયમો પણ ભેગા બનાવ્યા જ હશે.'

પકો ખોંખારો ખાઈને કહે, 'એ જ ત્યારે. સરકારને ખબર છે કે આ દેશમાં પાન ખાનારાઓની સૌથી મોટી બહુમતી છે. એટલે આટલી મોટી બહુમતી ભડકી જઈ સરકારને હાલકડોલક કરી મૂકે  તેવા સમાચાર દબાવી રાખ્યા છે.' 

ચચ્ચુ કંટાળીને કહે, 'તું યાર, આખી વાતમાં કાથા-ચૂનાના બહુ લપેડા કર્યા વગર  સીધેસીધું બોલને.'

પકો પાકિસ્તાનથી જાણે કોઈ આતંકી કાવતરાંનો મેસેજ ભારતીય ઈન્ટેલિજન્સના બોસીસને આપવાનો હોય તેવા હાવભાવ સાથે કહે, 'પહેલી વાત તો એ કે કોઈ ભૂખ્યા પેટે પાન ખાતું નથી. આથી, સરકાર તપાસ કરવાની છે કે આ યુદ્ધના સંજોગોમાં ભોજન ઉપર પાછું એક આખું પાન પણ ખાઈ શકે તેટલું ભરપેટ જમનારાઓની આવક કેટલી છે, આ બધી આવક રીટર્નમાં બતાવી છે કે નહિ?'

ગુલ્લુ રડમસ અવાજે કહે, 'હું કાયમ અડધું પટ્ટી પાન જ ખાઉં છું. આજથી હું આ પાનવાળાને કહીશ મારો રેકોર્ડ રાખે.'

પકો બીજો બોમ્બ ફોડતો હોય એમ કહે, 'સરકારે જેમ બધી તમાકુ પ્રોડક્ટ્સ પર ભારે ભરખમ ટેક્સ નાખી દીધો તેમ પાન ખાનારાઓ પર પણ સફાઈ ટેક્સ નાખવાની છે.'

સોલુએ તરત જ વિરોધ નોંધાવ્યો. 'હોય કાંઈ? હું ક્યારેય કોઈ જાહેર જગ્યાએ થૂંકતો નથી. આ દુકાન પાસે ડબલામાં થૂંકીને જ જઈશ અને મારા ઘરે પણ મેં પાન થૂંકવા  ખાસ ડબલું વસાવ્યુું છે. હું આ ટેક્સ નહિ ભરું.'

ચચ્ચુ કહે, 'મારા જેવા તમાકુ વગરનું પાન ખાનારાએ પણ ટેક્સ ભરવો પડશે?'

પકો હસતાં હસતાં કહે, 'જુઓ ભાઈ, સરકારી કામકાજમાં તો એવું કે ટેક્સ પહેલાં ભરી દેવાનો અને પછી રિફંડ લેવાનું.'

સોલુ કાંઈક બોલવા જાય તે પહેલાં પકાએ નવી માહિતી જાહેર કરી. 'સરકાર એ પણ તપાસ કરવાની છે કે પાન ખાનારાઓ ભરપેટ જમીને આવે છે તે એમના ઘરે રસોઈ પાઈપ્ડ ગેસથી થાય છે કે ગેસ બોટલ પર? જો ગેસ બોટલ પર થતી હશે તો તે બોટલ ક્યાંથી લાવ્યા તેનો સ્રોત પણ જાહેર કરવો પડશે. આ સિવાય હજુ તો કોણે દિવસમાં કેટલાં પાન ખાવાં, પાનની દુકાને કેટલી મિનિટો સુધી ઊભા રહેવું, પાનવાળાને ત્યાં મહત્તમ કેટલા દિવસની અને કેટલી રકમની ઉધારી કરી શકાય તેના પણ નિયમો આવવાના છે.'

ચચ્ચુ પાનવાળાને જઈને કહે, 'યાર, હું તો રોજ રોકડા જ ચૂકવી દઉં છું.  તો શું મારે મિનિમમ અમુક દિવસની ઉધારી રાખવી જ પડશે એવો નિયમ આવશે?'

પાનવાળો હસતાં હસતાં કહે, 'આ પકો બધાને ચૂનો લગાડી રહ્યો છે. સરકારે પાન એટલે પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પાન કાર્ડના નિયમો બદલ્યા છે. આ પાનના નહીં. 

આખું ટોળું પાછળ પડે એ પહેલાં પકો આગળ ભાગી ગયો. 

સ્માઈલ ટિપ 

વારંવાર નિયમો બદલતા રહેવું એ પણ એક સરકારી વ્યસન છે.