Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : What is the Land Grabbing Act, and its provisions!

Business Plus: શું છે જમીન- મિલકત બિનઅધિકૃત રીતે પચાવી પાડવા વિરૂદ્ધનો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, અને તેની જોગવાઈઓ!

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: શું છે જમીન- મિલકત બિનઅધિકૃત રીતે પચાવી પાડવા વિરૂદ્ધનો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, અને તેની જોગવાઈઓ!
સોર્સ : GSTV

ગત લેખમાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રતિબંધ કાયદાનો મુખ્ય ઉદ્દેશ અને જમીન/ મિલકત પચાવી પાડવા માટે કયા પ્રકારના આચરણ થાય છે અને જમીન પચાવી પાડવી અને જમીન પચાવી પાડનાર અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવેલા પ્રવર્તમાન સમયમાં જે પ્રકારે દરેક ક્ષેત્રમાં નૈતિકતા/ નિતીમતાનો (Ethics) હાસ થતો જોવા મળે છે અને તેના ભાગરૂપે જમીન/ મિલકત આર્થિક વ્યવહારો માટેનું અગત્યનું સાધન હોવાથી ખોટા આચરણો અનુસરીને જમીન/ મિલકત પચાવી પાડવાના કિસ્સાઓ વધતા જાય છે અને વિદ્યમાન કાયદાઓને નિષ્ફળ બનાવવાના કિસ્સાઓનું અનુસરણ કરવામાં આવે છે. જેથી ખાસ કાયદાઓ (Specific) ઘડવામાં આવે છે. પરંતું તેના અમલીકરણનો મોટો પ્રશ્નાર્થ છે. આ કાયદા અંતર્ગત સરકારે નિયમો બનાવી કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવામાં આવી છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારી (પોલીસ કમિશનર વિસ્તારમાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) અને અધિક કલેક્ટર (RAC) સભ્ય સચિવ છે. આ કાયદા હેઠળ જેની મિલકત/ જમીન પચાવી પાડવાનો બનાવ બન્યો હોય તે વ્યક્તિએ નિયત નમુનામાં જીલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરવાની છે અને આ અરજીની તપાસ સબંધિત વિસ્તારના પ્રાંત અધિકારી મારફત સમય મર્યાદામાં કરવાની છે. આ અંગે વિશેષ તપાસની જરૂર જણાય તો સમિતિ કોઈપણ અધિકારી પોલીસ વિભાગ સહિતને તપાસ સુપ્રત કરી શકે છે. એક તબક્કે એવી પણ જોગવાઈ છે કે જીલ્લા કલેક્ટર કોઈપણ અરજી ઉપર ધ્યાન ન આપે તો પક્ષકાર સીધેસીધા સબંધિત સ્પેશ્યલ કોર્ટ સમક્ષ પણ રજુઆત કરી શકે છે અને કોર્ટ સમય મર્યાદામાં તે અંગે તપાસ કરાવી પગલાં લઈ શકે છે.

App Store

આ કાયદામાં જે ફરીયાદો થાય તેનો છ માસમાં નિકાલ કરવા માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે અને આ કોર્ટને જીલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ સત્તાઓ આપવામાં આવી છે અને એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ કક્ષાથી ઉતરતા ન્યાયાધીશની નિમણૂંક ન કરવાની જોગવાઈ છે અને સ્પેશ્યલ કોર્ટની રચના રાજ્યના મુખ્ય ન્યાયાધીશની સહમતીથી સબંધિત વિસ્તાર, કાર્યક્ષેત્ર નક્કી કરવાની જોગવાઈ છે. આજ રીતે સ્પેશ્યલ કોર્ટના ન્યાયાધીશની નિમણુંક ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સહમતીથી કરવામાં આવે છે. જો કોઈ કોર્ટના કાર્યક્ષેત્રનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે રાજ્યસરકારનો નિર્ણય આખરી ગણવાનો છે. સ્પેશ્યલ કોર્ટમાં નિમણુંક પામેલ ન્યાયધીશની મુદત ત્રણ વર્ષની મુદત માટે નિમણુંક કરવામાં આવે છે. આ કોર્ટોને સીવીલ પ્રોસીજર કોડ ૧૯૦૮ અને ફોજદારી કાર્યરીતી અધિનિયમ (હવે નવી ન્યાયસંહિતા) હેઠળની તમામ સત્તાઓ પ્રાપ્ત થાય છે અને વિશેષ કોર્ટનો નિર્ણય આખરી ગણવાનો રહેશે. આ કાયદાની જોગવાઈઓ હોવા છતાં પર્યાપ્ત સંખ્યામાં સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવેલ નથી. 

આ કાયદાની જે વિશિષ્ઠ જોગવાઈ છે તે પરત્વે સૌ વાંચકો અને હિતધરાવતા પક્ષકારોનું ધ્યાન દોરવાનું કે આ કાયદામાં પોલીસની સતાઓ નિયંત્રિત કરવામાં આવી છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમમાં કોઈપણ જોગવાઈ હોય તેમ છતાં આ કાયદા હેઠળ જમીન પચાવી પાડવા બાબતની કોઈપણ માહિતી અથવા ગુન્હો સરકાર દ્વારા જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિના સ્પષ્ટ આદેશો સિવાય અથવા પરામર્શ કર્યા સિવાય અને જીલ્લા કલેક્ટરની પુર્વ મંજુરી વગર પોલીસ અધિકારી દ્વારા ફરીયાદ નોંધી શકાશે નહિં. આમ પોલીસ અધિકારીને સ્વમેળે ફરીયાદ નોંધવાની સતા નથી. આ ઉપરાંત આ કાયદા હેઠળની ફરીયાદ અંગેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઉતરતા અધિકારી દ્વારા તપાસ હાથ ધરી શકાશે નહિ તે જ રીતે જ્યાં પોલીસ કમિશ્નરની હકુમત છે ત્યાં મદદનીશ પોલીસ અધિકારીથી ઉતરતા અધિકારી તપાસ હાથ ધરી શકતા નથી. ટુંકમાં જીલ્લા કલેક્ટરની પુર્વ મંજુરી સિવાય આ કાયદા હેઠળની તપાસ કે ફરીયાદ પોલીસ સીધેસીધા દાખલ કરી શકતા નથી. આમ આ મહત્વની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.