મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Shatdal : કે નાળ જ કપાઈ ગઈ હશે?

- ક્ષણ-ક્ષણાર્ધ - આપણું 'તત્વ', 'સત્વ' એમ ઝડપથી ઘસાતું ચાલ્યું છે. ગહન-ગંભીર બાબતોને અપ્રસ્તુત બનાવી દીધી છે. ઉપર ઉપરન

Shatdal : કે નાળ જ કપાઈ ગઈ હશે?

- ક્ષણ-ક્ષણાર્ધ

- આપણું 'તત્વ', 'સત્વ' એમ ઝડપથી ઘસાતું ચાલ્યું છે. ગહન-ગંભીર બાબતોને અપ્રસ્તુત બનાવી દીધી છે. ઉપર ઉપરનાં છબછબિયાંમાં જીવન શોધીએ છીએ

યુધિષ્ઠિરે 'મહાભારત'માં એવું કહ્યું હતું કે ધર્મતત્વ ઘણી સૂક્ષ્મ બાબત છે તેથી તે વિશે કશું કહેવું એ મુશ્કેલ બાબત છે. પણ હવે આજની સ્થિતિમાં કહેવું હોય તો એમ કહેવું પડે કે જીવનતત્વ કદાચ વધુમાં વધુ સંકુલ છે. એ વિશે કશું પણ કહેવું નર્યું અઘરું જ નહીં, હવે તો અશક્ય પણ છે. કારણ કે આજનો માણસ જેટલો બહારથી એટલો જ અંદરથી ઘેરાયેલો છે. તેની દરેક પળ રંગ બદલતી રહે છે, તેની રગ પણ બદલાતી રહે છે. તેથી એક જ વ્યક્તિ પડદા પાછળ જુદી છે, પડદાની આગળ પણ જુદી છે અને આગળ કહેવું હોય તો એમ પણ કહેવાય કે તે ચાલે છે ત્યારે અને સ્થિર હોય છે ત્યારે પણ સાચેસાચ ચાલતો કે સ્થિર હોતો નથી. અર્થાત્ તે પોતે છે તેનો સ્વીકાર કરવાને બદલે હરપળે પોતે કંઈક બીજો જ છે તેવું માનતો-મનાવતો થઈ ગયો છે. પરિણામે તેની કર્મશીલતા પણ એટલી જ ભ્રામક છે. તે જે કરે છે તે ખરેખર કરતો નથી અને જે ખરેખર તે કરવા ઇચ્છતો નથી એવું બતાવી રહ્યો છે તે જ એ કરવાનો છે એવું ગણિત વિનાના ગણિત સાથે જીવવાનું તેણે પસંદ કરી લીધું છે. આગાથા ક્રિસ્ટી એવો સંકેત આપી રહે છે.

આનું કારણ કે પોતાને, પોતાપણાને ભૂલીને જાતને બીજા કશામાં તે તબદીલ કરી રહ્યો છે એ છે. એના માટે એવાં બહિર્તત્વોનું આકર્ષણ-પ્રલોભન મુખ્ય છે. પરિણામે એક શિક્ષકને શિક્ષકવેડા કરીને વહેપાર પણ કરવો છે, જમીનના સોદામાંથી લખલૂટ ધન મેળવવું છે. તો એક કથાકાર કે સંતને તે જે છે તે ઉપરાંત કાંઈક જુદું, પ્રલોભન છે. તે ટોળું ઝંખે છે, વાહવાહી કરનારો વર્ગ ઊભો કરવા ભાતભાતના નુસ્ખા અજમાવે છે. તો એક તબીબને પણ તબીબવેડા કરીને સાહિત્યકાર કે સમાજસેવક થવાનો અભિલાષ પીડે છે. ઉદ્યોગપતિ પણ ઉદ્યોગની સાથે એનો એક હાથ રાજકારણીના હાથમાં ભેળવીને કંઈક વધુ ખાટી જવા તૈયાર થયો છે. કન્સ્ટ્રક્શન કે શૈક્ષણિક અથવા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ રાજકારણી સાથે જ પાકી સાંઠગાંઠ કરીને પોતાના ધંધાને ધમધોકાર રાખવો છે. આ યાદી હજી ઘણી લંબાવી શકાય તેવી છે. એનો અર્થ એ થયો કે આપણે પોતાને, પોતાના વ્યવસાયને પણ, વફાદાર રહેવાનું વિચારતા જ નથી. વ્યાપક રીતે સરકારી-ખાનગી સંસ્થાઓમાં નોકરી કરનાર વર્ગ પણ પોતાને જ પોતે બિનવફાદાર રહીને કશુંક રળી લેવાનું વિચારતો હોય છે. આ બધું હવે ઘણી મોટી માત્રામાં જોવા મળે છે. સાહિત્યકાર કે કોઈ સંત-કથાકાર કે ઈશ્વર બધું ઠીકઠાક કરી રહેશે એવી ભ્રમણામાં પણ હવે લગીરે રહેવાય તેમ નથી. હવે તમે કોઈ પણ તંત્રને અશ્રદ્ધા,અપ્રામાણિકની બુનિયાદ પર જ ઉભુ થયેલું જોઈ રહેશો. સાહિત્યકાર સંત-કથાકાર-ધાર્મિક-સામાજિક વ્યક્તિઓ પણ ખરીદ વેચાણ સંઘનો કારોબાર કરતા હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે.

આવી પ્રજાને કોણ દોરી શકે? કોણ એનું નેતૃત્વ કરી શકે? અને ધારો કે કોઈ નેતૃત્વ કરતું જણાય તો પણ એ નેતૃત્વ, એવી વ્યક્તિ-કેવાં હશે? એ કોઈ આકાશમાંથી ટપકી પડેલ પરમ આત્મા તો હશે જ નહીં. એ પણ આપણા વિસ્તરતા જતા, પોતાપણું ગુમાવી રહેનાર ટોળામાંનો જ એક હશે. એ પણ સત્તાના નશામાં ડૂબોડૂબ હશે, એ પણ કર્મશીલતા નહીં, કરામતશીલતાને જ વરેલો હશે. એનું પણ દરેક પગલું સત્તાના સિંહાસન તરફ જતું જ જણાશે, વૈભવી જીવનશૈલીમાં આળોટતા રહેવાનું જ એ શમણું લઈને બેઠેલો હશે. આવા કરામતવીરો મદારીના ખેલોથી પણ વધુ ખેલો જાણતો હોય છે. તે સામેની વ્યક્તિને ભૂલાવામાં નાખી દેતો હોય છે. તેવાઓની દૂઝતી નસને તે પકડી લે છે. તેમને રાજી પણ રાખે. મરઘીને થોડાક દાણા વેરતો રહે અને મરઘી એની પાછળ પછી ચાલતી જ રહે એવું કંઈક !

સાહિત્ય-શિક્ષણ-ધર્મ જેવી બુનિયાદી બાબતોની અશ્રદ્ધેયતા વધતી ચાલી છે એટલે તેવાં તત્વો પાસે રખાતી અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી. કહો કે પોતાપણાને જ જે વ્યક્તિ-સમાજ ભૂંસી નાખવા તૈયાર થયાં હોય ત્યાં પછી સત્યાધૃત સમાજ-માનવની અપેક્ષા જ ક્યાં રાખવાની? સત્યની વાત કરનારને ય આપણે હવે ખતમ કરવા માંગીએ છીએ. તથ્યોને પણ હવે અવળસવળ કરવાની વૃત્તિ પ્રબળ બનતી જાય છે. હાથચાલાકી, જીભચાલાકી કે આંખ ચાલાકી હવે મેદાન મારી જતી જણાય છે. આપણું 'તત્વ', 'સત્વ' એમ ઝડપથી ઘસાતું ચાલ્યું છે. ગહન-ગંભીર બાબતોને અપ્રસ્તુત બનાવી દીધી છે. ઉપર ઉપરનાં છબછબિયાંમાં જીવન શોધીએ છીએ. આપણું જ પ્રતિબિંબ જળમાં નિહાળીને આપણે જ તેના પ્રેમમાં પડી જઈએ - એવા દિવસો હવે ચાલી ગયા છે. આપણે વધુ વિકરાળ, વધુ બિહામણા, વધુ વિકૃત વિશ્વનું શિલ્પ સહિયારા પ્રયત્નોથી કંડારી રહ્યા છીએ. આપણે જ ડૂબવા ઇચ્છીએ છીએ તો પછી બચાવી પણ કોણ શકે?

હવે ઇતિહાસ બદલો, જૂઠ્ઠાણાં ફેલાવો, પોતાના ટૂંકા ગજથી બીજાને માપતા થાવ, આંકડાની ઇન્દ્રજાળ રચો, સમૂહમાધ્યમોને ખરીદી લો, સ્ક્રીનને મનઘડંત કથાથી, દ્રશ્યોથી ભરી દો, સ્થૂળ મનોરંજન માટેની ભરમાર ઊભી કરો. નિઃસત્વતા અને નિષ્કૃષ્ટ મનોરંજન બંનેની દોસ્તી યુગોથી ચાલી આવે છે. રાજકારણ તો ખરું જ હવે ધર્મકારણ, સાહિત્યકારણ પણ સસ્તા મનોરંજનની સરહદોમાં પ્રવેશ કરીને અડિંગો જમાવી રહ્યાં છે. 'સંત'- 'સર્જક' જેવા શબ્દો પણ તેથી એનો મહિમા ગૂમાવી બેઠા છે. એમાંય એ સંત-સર્જક જ પાછો પોતે જ તે માટે જવાબદાર હોય! કેવી પ્રતાડિત-મૂળ-મૂલ્યવિહીન દિશા તરફ વિશ્વ ધસી રહ્યું છે! સોલ્ઝેનિત્સિન જેવો સર્જક આજે દંતકથા જેવો લાગે. સ્ટાલીનને પડકારનાર, રશિયા આખાને ધૂ્રજાવી રહેનાર, - '‘One word of truth - એક શબ્દ સત્યનો...' છે કોઈ એવું તેના જેવું કહેનાર હવે ક્યાંય? શબ્દને શીર્ષાસન કરાવી એને રંગલો બનાવી મૂકનારને આવતીકાલનું વિશ્વ માફ કરશે? કે પછી વિચારશીલતાની નાળ જ કપાઈ ગઈ હશે?

 - પ્રવીણ દરજી

આ સમાચાર શેર કરો