મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Agadam bagdam: ચોખ્ખું પાણી ભૂલો, ઘરે ઘરે નળમાંથી ક્રુડ ઓઈલ આવશે એ યાદ રાખો

- અગડમ્ બગડમ્ - બાબા આદમ - નદીઓ રિવર ફ્રન્ટ બનાવી ઈવેન્ટો કરવા માટ

Agadam bagdam: ચોખ્ખું પાણી ભૂલો, ઘરે ઘરે નળમાંથી ક્રુડ ઓઈલ આવશે એ યાદ રાખો

- અગડમ્ બગડમ્

- બાબા આદમ

- નદીઓ રિવર ફ્રન્ટ બનાવી ઈવેન્ટો કરવા માટે છે, પાણી પૂરું પાડવા  માટે નથી

મંત્રીશ્રી આગળ સેક્રેટરીએ ફરિયાદ કરી, 'સર ,બધે પાણીની બબાલો ચાલી છે. ક્યાંક ૧૦-૧૨ છોકરાં ગંદુ પાણી પીવાથી મરી ગયાં, ક્યાંક ગંદા પાણીથી ઘેર ઘેર ટાઈફોઈડના કેસો થયા છે.'

મંત્રીશ્રી ઉશ્કેરાઈને કહે, 'આ બધી બબાલ પ્રજાની આળસના કારણે થઈ છે. દાયકાઓ પહેલાં પ્રજા પાણી બાબતે આત્મનિર્ભર  હતી. પાણીદાર પ્રજા જાતેજ નદીએ, કૂવા  પર કે તળાવ ખાતે જઈ નહાવા-ધોવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરી લેતી હતી. હવે  સરકારોએ નપાણિયા પ્રજાજનોને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કષ્ટ વેઠવું પડે છે.  જ્યારથી ઘરે ઘરે નળ આવ્યા ત્યારથી પ્રજા બેડોળ અને સ્થૂળ બની ગઈ છે. મારું ચાલે તો રાષ્ટ્રીય ફિટનેસના હિતમાં ફરીથી નદી, કૂવા કે તળાવ પર જઈને જ પાણી મેળવી લેવાનું ફરજિયાત બનાવી દઉં.' 

સેક્રેટરી ચોંકી ઉઠતાં કહે, 'પ્લીઝ, એવું ન કરતા.  હવે નદીઓ તો રુપાળાં રિવર ફ્રન્ટ બનાવીને ત્યાં ઈવેન્ટો કરવા માટે જ છે, પીવાના પાણીની વ્યવસ્થા માટે નહિ. ને પબ્લિકને તળાવ શોધવા મોકલીશું તો શહેરોમાં એ તળાવો પર જ બની ગયેલી આપણા જ બિલ્ડર મિત્રોની સ્કિમો તોડવી પડશે.'

મંત્રીશ્રી બહુ વિચારીને કહે, 'જુઓ , અમારાં વિઝનને ભૂલીને  ઘરે ઘરે નળની ચકલી ખોલો ને એમાં ક્રૂડ ઓઈલ નીકળે. પરંતુ, આ નમાલી  પ્રજાને તો નળ ખોલીને એમાંથી ચોખ્ખું પાણી જ જોઈએ છીએ. પ્રજા અમારાં વચનને ભૂલી ઠાલી માગણીઓ કરે છે. અમારાં વિઝન અને પ્રજાની તુચ્છ માંગો વચ્ચે કોઈ મેળ  જ નથી  પડતો.' આટલું  બોલતાં  બોલતાં તો મંત્રીશ્રીની આંખમાં પાણી આવી ગયું. 

સેક્રેટરી એકદમ ગળગળા થઈ ગયા. 'સર, આપ કહો તો અત્યારે જ  ચન્દ્ર પર પાણીના ભંડાર છે તે રોકેટો મારફતે ધરતી પર આપણા દેશમાં ઠાલવવાની યોજનાની સ્ટડી માટે દસ લાખ કરોડનાં ફંડની જાહેરાત કરી દઈએ. પ્રજાને પણ ખબર પડે કે આપણકેવા મેગા  સ્કેલ પર વિચારીએ છીએ, નળના લેવલે નહીં.'

મંત્રી એકદમ ગંભીર થઈને કહે, 'જુઓ, ચન્દ્ર  પર મારા  ફોટાવાળાં બેનર ગોઠવીશું તો અહીં કોઈને દેખાશે નહિ. એના કરતાં મને લાગે છે કે એમ કરીએ, વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી તરીકે આપણે ૮૦ કરોડ જનતાને વિનામૂલ્યે રાશન આપવાની સિદ્ધિ તો હાંસલ કરી જ લીધી છે. તો હવે ઘરે ઘરે મિનરલ વોટરની બોટલો પણ ફ્રીમાં પહોંચાડીએ. તમે મિનરલ વોટરની બોટલ પર  સેટ થાય તેવો મારો બે  હાથ જોડતો અને સરસ સ્માઈલ કરતો ફોટો શોધાવી રાખો.'

સેક્રેટરી જરા આસ્તેથી કહે, 'મંત્રીશ્રી,  અત્યારે જેમ ચાલે છે તેમ ચાલવા દો. ઘરે ઘરે મિનરલ વોટર આપવા રહીશું તો તમારા ભત્રીજાઓ, સાળાઓ અને બીજા નાના મોટા કેટલાય હિતેચ્છુઓ ગામેગામ ને શહેરેશહેરમાં પાણીની ટાંકીઓના કોન્ટ્રાક્ટમાં જ કમાય છે તે બધાએ વગર પાણીએ ન્હાઈ નાખવાનો વારો આવશે.'

મંત્રીશ્રીના ગળે ડૂમો બાઝી ગયો. તેઓ આગળ કશું બોલી ન શક્યા.

આદમનું અડપલું

નેતાઓનું કામ પ્રજાને વગર પાણીએ નવડાવવાનું છે, પાણી પીવડાવવાનું નહિ!

આ સમાચાર શેર કરો