Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 'Bottle Garden' enhances the beauty of the drawing room

Sahiyar : ડ્રોઇંગરૂમની બ્યુટી વધારતા'બોટલ ગાર્ડન'

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : ડ્રોઇંગરૂમની બ્યુટી વધારતા'બોટલ ગાર્ડન'
સોર્સ : GSTV

લંડનના સર નેથેનિયલ વોર્ડ નામના એક ભૌતિક વૈજ્ઞાાનિકે કાચની બોટલો, પહોળા મોંવાળી બરણીઓ તથા કાચનાં વાસણોમાં છોડ વાવવાની શોધ આજથી ૧૦૦ વર્ષ પહેલાં કરી હતી. વોર્ડ કાચનાં આવાં વાસણો કે બોટલોમાં ફર્ન, માસ અને તાડ (પામ)ના છોડ રોપતાં હતાં. તેમનું માનવું હતું કે કાચની આવી બંધ બોટલોમાં માટીમાંથી ઝરતા પાણીનું બાષ્પીકરણ થાય ત્યારે તે પાંદડા દ્વારા કાચની દીવાલ પર ભેજનાં ટીપાં રૂપે બાઝે છે. આ પ્રક્રિયાથી બંધ બોટલ અને બરણીમાં રોપેલા છોડ ધીમે ધીમે ભેજ મેળવી આપમેળે વધે છે, કેમ કે તેમને વધારે પ્રકાશ અને પાણીની જરૂર નથી પડતી.

App Store

આમ તમે તમારી થોડી કલ્પનાશક્તિના ઉપયોગથી કાચની બોટલોમાં વિવિધ પ્રકારના છોડ રોપી તમારી કલાત્મક સમજદારી દર્શાવી શકો છો. બોટલ ગાર્ડનનું સુંદર લીલોતરીભર્યું દ્રશ્ય ઉત્પન્ન કરવા માટે મોટા ભાગે તેમાં ખાસ પ્રકારના છોડ રોપી શકાય છે. જેવા કે, ફર્ન કેક્ટ્સ, સ્ટોક કેક્ટસ, પાતળાં પાનવાળા મેમલેરિયા, યૂરેનીવર્સ, ક્રોટન, ચાયના ઓરેન્જ, સોંગ ઓફ ઈન્ડિયા, ફાઈક્સ, વેરીગેટેડ ફાઈક્સ અને ઝીરો ફેડિંગ એટલે કે ઓછા પાણી અને તડકામાં પણ કઠણ જમીનમાં ઊગતા છોડ.

જોકે કાચની બોટલોમાં છોડ રોપવાનું કામ ધારીએ એટલું સરળ નથી, કેમ કે તેમાં જરા સરખી બેદરકારીથી નુકસાન થઈ શકે છે. સૌપ્રથમ બોટલ, કાચના બીકર કે બરણી, જેમાં છોડ રોપવાનો હોય, તે પાત્રને ખૂબ સારી રીતે ધોઈને કોરું કરી દેવાય છે અને કપડાથી લૂછી નાખવામાં આવે છે. બોટલનો આકારના કદ અને પ્રકૃતિ પ્રમાણેનો રાખવાનો હોવાથી પાત્રની પસંદગી છોડને અનુરૂપ હોવી જોઈએ.

માટીનું મિશ્રણ : કાચના પાત્રોમાં છોડ રોપવા માટેના માટીના મિશ્રણમાં એક ભાગ પાંદડાનું  અને એક ભાગ છાણિયું ખાતર હોવું જોઈએ.

રોપવાની રીત :  કાગળના નાળચા કે પ્લાસ્ટિકની કુપ્પીથી સૌપ્રથમ બોટલમાં રેતી નાખો. તેના પર કાચા કોલસાનો ભૂકો નાખો કે બોટલના તળિયે બેથી ત્રણ સે.મી. જેટલી સપાટી થઈ જાય હવે તેના પર રેતી અને ખાતરવાળી માટી નાખો. આ મિશ્રણ નાખતી વખતે કાચની બોટલ પર ધૂળ ન લાગે, તેનો ખ્યાલ રાખવો.

હવે બોટલની બરાબર વચમાં વાંસની પાતળી ચીપના છેડે બાંધેલા કાંટાની મદદથી સૌથી નાનો છોડ રોપો. આ રીતે ફર્ન, પામ, ક્રોટન, કેક્ટસ અને પૂફોર્બિયા જેવા કોઈપણ છોડ સહેલાઈથી રોપી શકાય છે. પાંદડાવાળા છોડ રોપતી વખતે છોડ પર માટી લાગી જાય, તો તેને પ્રેયર દ્વારા ધોઈ નાખી શકાય છે. થોડું પાણી પણ છાંટો અને જો ઈચ્છા હોય તો ઉપરથી બૂચ પણ લગાવી શકો છો.

ગોળાકાર, લાંબી, અંડાકાર એમ જુદા જુદા ઘાટની કાચની બોટલોમાં આવા છોડથી મનમોહક દ્રશ્ય ઊભું કરી શકાય છે.

આ છોડવાળી બોટલો (બોટલ ગાર્ડન) પર  કલાત્મક શૈલીના લેમ્પશેડ ગોઠવી ડ્રોઈંગરૂમ કે બેડરૂમની નવી શૈલીથી સજાવટ કરી શકાય છે. રૂમની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ ટેબલ લેમ્પ સુંદરતાની સાથોસાથ બોટલમાંના નાનાં પાંદડાં એ જુદા જુદા છોડને પ્રકાશ અને ગરમી પણ આપતા રહેશે.

અલબત્ત, આ સદાબહાર આકર્ષક 'બોટલ ગાર્ડન' માટે કેટલીક સાવચેતીઓ રાખવી પણ જરૂરી છે :

* સૌપ્રથમ તો છોડને અનુરૂપ  જ નાની મોટી, ગોળ, ચોરસ અથવા પહોળા મોંવાળી બોટલની જ પસંદગી કરો.

* 'બોટલ ગાર્ડન'ને તીવ્ર તડકો આવતો હોય, ત્યાં ન રાખો.

* તેમાં સડેલા કે કરમાયેલા છોડ ન રોપવા.

* રોગગ્રસ્ત છોડ રોપવાથી બીજા સ્વસ્થ છોડને તેનો રોપ લાગવાની શક્યતા રહે છે.

* ખૂબ જ ઝડપથી વધતા હોય, એવા છોડ ન રોપવા.

* આ બોટલો કે કાચનાં વાસણોમાં સ્વસ્થ છોડ કેટલાંય વર્ષો સુધી લીલાછમ રહી શકે છે.

* છોડને સડતા બચાવવા માટે સફેદ રંગની નાની નાની ચિપ્સ પાત્રમાં નાખી દો. તે નવી કૂંપળોને પણ બચાવશે.

* કાચના વાસણના ૧/૩ ભાગને મિશ્રણથી ભરો.

* ઝાંખા પ્રકાશમાં પણ વિકસી શકે એવા છોડ રોપો.

* 'બોટલ ગાર્ડન' સારો રહે તે માટે તેને અર્ધછાયાંવાળા ભાગમાં જ રાખો.

* આ વાસણોને બહારથી પણ લૂછતાં રહો.