Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A simple lifestyle is the true key to happiness, which also brings peace to the mind and brain.

Sahiyar: સાદગીભરી જીવનશૈલી એ જ ખુશીની ખરી ચાવી, જે મન અને મગજને પણ બક્ષે શાંતિ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: સાદગીભરી જીવનશૈલી એ જ ખુશીની ખરી ચાવી, જે મન અને મગજને પણ બક્ષે શાંતિ
સોર્સ : GSTV

- વૈશાલી ઠક્કર

App Store

થોડાસમય પહેલા ક્યાંક વાંચ્યું હતું કે એક વિદેશી આપણા ગુજરાતના એક ગામમાં ગયો હતો. તેને  ભાંગ્યુતૂટયું હિન્દી આવડતું હતું તેથી તેણે ગામની મહિલાઓને એક વડલા નીચે એકઠી કરી. વિદેશી મહેમાને હોવાને કારણે ગામની સ્ત્રીઓ તેને માન આપવા એકઠી થઈ. સંબંધિત  વિદેશી તો મોજમાં આવી જઈને પર્યાવરણ પર ભાષણ આપવા લાગ્યો. થોડીવાર સુધી બધી મહિલાઓ તેને ચૂપચાપ સાંભળતી રહી.  ત્યાર પછી કંટાળી ગયેલી એક યુવતીએ તેને જ જવાબ આપ્યો તે ઉચ્ચ શિક્ષિતોને  પણ શરમાવે એવો હતો. 

એ યુવતીએ  સંબંધિત  વિદેશીની બોલતી બંધ કરી દેતાં કહ્યું હતું કે અમારી જીવનશૈલી અત્યંત સાદગીભરી છે.  અમે ઘરમાં વધારાની એકેય વસ્તુ વસાવતા જ નથી કે તેની જાળવણી પાછળ સમય અને શક્તિનો ભોગ આપવો પડે.  અમારા  મોટા સંતાનોના વસ્ત્રો, જૂતાં, દફતર,  ચોપડીઓ તેના નાના ભાઈ-બહેનો ઉપયોગમાં લે. અને જ્યારે કપડાં સાવ ઘસાઈ કે ફાટી જાય ત્યારે અમે તેનો કાકડો બનાવીને સગડી  સળગાવવામાં વાપરી નાખીએ.  અમારે ત્યાં નકામો સામાન એકઠો જ ન થાય કે ન કચરાના ખડકલાં થાય. જો લોકો આટલી  નાની વાત  સમજે તોય પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં મોટી મદદ મળે. અમે તો છાપાઓમાં જોતા-વાંચતા હોઈએ છીએ કે મોટાં મોટાં શહેરોના લોકો પાસે કબાટમાં ઠાંસી ઠાંસીને ભરી શકાય એટલાં કપડાં હોય છે. તેના સિવાય પણ ઘર-ઓફિસની ઝાકમઝોળ પાછળ એ લોકો લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે.  હવે તમે જ કહો કે દિવસ-રાત એક કરીને કમાયેલા પૈસા આ બધી બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચી નાખે  અને ત્યાર પછી તેની જાળવણી માટે સમયનો ભોગ આપે, તો પછી તેમના જીવને શાંતિ ક્યાંથી મળે. એના કરતાં  અમે સાદગીભર્યું જીવન જીવીને  એય... ને લીલાલહેર  કરીએ.  સમય  મળતાં જ ભરતકામ કરતાં કરાતં ભગવાનનું નામ લઈએ... સંતાનોને અમારી પરંપરાથી ચાલી આવતી વાર્તાઓ સંભળાવીએ. ભરતકામના જે પૈસા મળે તે ઘર ખર્ચમાં કામ આવે અને તેની સાથે સાથે અમારા મંત્રો, પાઠ, વાર્તાઓ  આપોઆપ નવી પેઢીને વારસામાં મળતાં રહે. વળી આવી જીવનશૈલીને પગલે પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થાય તે છોગામાં.

ગામડાની એક યુવતીની આ ફિલોસોફીએ સંબંધિત વિદેશીની આંખો ઉઘાડી દીધી. તે જેમને અશિક્ષિત કે અર્ધશિક્ષિત માનતો હતો તેઓ  તો સવાઈશિક્ષિત નીકળી.  બસ, તેમની જીવનશૈલી એ વિદેશીને એવી સ્પર્શી ગઈ કે તેણે પોતાની લાઈફસ્ટાઈલ જ બદલી નાખી.  જો કે આ વાત કોઈ  એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહી. હવે લોકો મિનિમલિસ્ટ લાઈફસ્ટાઈલ,  એટલે કે સાદગીભરી જીવનશૈલી તરફ વળ્યાં છે.  યુવા પેઢીમાં આ  ટ્રેન્ડ  ઝપાટાભેર  ફેલાઈ રહ્યો છે.  તેમને સમજાવા લાગ્યું છે કે બિનજરૂરી કે ક્યારેક તો સાવ નકામી વસ્તુઓ પાછળ તેઓ પોતાના સમય-શક્તિ-નાણાં  વેડફી રહ્યાં છે તેથી  તેમની પાસે હળવાશ  માણવા  જેટલો વખત  બચતો જ નથી.  દુન્યવી  ઝાકઝમાળ તેમને માનસિક તાણ, ડિપ્રેશનમાં ધકેલી દીધાં છે. સારું છે કે તેઓ સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવીને શાંતિથી જીવે. સમય આવી ગયો છે કે લોકો પોતાના આ મૂળિયા તરફ પાછા ફરે. અને તેને માટે વધુ કંઈ કરવાની જરૂર નથી.  બસ આટલું  ધ્યાનમાં રાખો...

-  તમારી  જરૂરિયાતની વસ્તુઓની યાદી બનાવો અને તેને જ પ્રાથમિકતા આપો.

-  તમારું કબાટ ખોલીને જુઓ. જૂની થઈ ગયેલી વસ્તુઓ કાઢી નાખો. વધારાનો સામાન જરૂરિયાતમંદોને આપી દો. થોડા સમયમાં જ તમને સમજાશે કે કામની વસ્તુઓ શોધવા પાછળ વેડફાતો તમારો કેટલો સમય બચ્યો. 

- ઓનલાઈન આવતી ઓફરો કે સેલની લાલચમાં આવી જઈને,  બિનજરૂરી વસ્તુઓ ન ખરીદો. 'ક્યારેક ખપ લાગશે' એમ વિચારીને પણ ખરીદી ન કરો. જ્યારે જરૂર પડે ત્યારે જે તે વસ્તુઓ લઈ લો જેથી લાંબા સમય સુધી તેની જાળવણીની જંજાળમાંથી મુક્તિ મળે.

-  સાદગીને પગલે આવતી મનની શાંતિ માટે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ પણ ખપ પૂરતો કરો. તમારા મોબાઈલ તેમ જ અન્ય ઉપકરણોમાંથી નકામી એપ્સ ડિલિટ કરી નાખો.  'ન રહે વાંસ કે ન વાગે વાંસડી'  ઉક્તિને આ રીતે સકારાત્મક અર્થમાં લઈ શકાય.

- નકામી વસ્તુઓ પાછળ નાણાં  રોકવાને બદલે ફાજલ સમયમાં કુદરતના ખોળે સમય વિતાવો. તમને રિલેક્સ થવા માટે અન્ય કોઈ ઈલાજની  આવશ્યક્તા નહીં રહે.

આટલું કરશો તો ઘર-તન-મન સાફ-સુથરાં રહેશે. સમય અને શક્તિ બચવા સાથે મિત્રો તેમ જ પ્રિયજનો સાથે હળવાશ માણી શકશો.