Sahiyar: સૌંદર્ય સમસ્યા/ "મને ખીલની સમસ્યા છે, મારે મારી ત્વચા માટે શું કરવું જોઈએ?"

- જયવિકા આશર
પ્રશ્ન:
હું 18 વરસની યુવતી છું. મારો વાન શામળો છે. તેથી મારે કેવા રંગના પોશાક પહેરવા તેમજ કેવાં પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી મારા શ્યામ રંગનું સૌંદર્ય ખીલી ઊઠે. મારો ઉપરનો હોઠ નીચેના હોઠ કરતાં વધુ કાળો છે. તેને ગુલાબી બનાવવાનો ઉપાય જણાવશો. કોલેજમાં મારું પ્રથમ વર્ષ હોવાથી હું બહુ દ્વિધામાં છું.
* તમે ઘેરા રંગ કરતાં આછા રંગના વસ્ત્રો પહેરો. બદામી, આસમાની, સફેદ, આછા પીળા, લીલાં, ગુલાબી જેવા રંગ પહેરી શકાય. ઘેરા રંગના પ્રસાધનો કરતાં હળવા શેડવાળાં મેકઅપના પ્રસાધનોનો ઉપયોગ વધુ કરો.
* હોઠની કાળાશ ઓછી કરવા માટે સૌ પ્રથમ હોઠ પર ટેલકમ પાઉડર અથવા ફાઉન્ડેશન લગાડો. ત્યાર બાદ લિપસ્ટિક લગાવો. લિપસ્ટિકનું ડબલ ક્વોટ તેના પર લગાવો. લિપગ્લોસ ઉપરના હોઠ પર ન લગાવતાં નીચેના હોઠ પર લગાવો. જેથી ઉપરના હોઠની કાળાશ છુપાઇ જશે. હોઠને દરરોજ કાચા દૂધથી સાફ કરશો. વેસેલિન અથવા ચેપસ્ટિક પણ હોઠ પર લગાવશો જેનાથી તમારા હોઠની આભા ગુલાબી બની રહેશે.
પ્રશ્ન:
મારી બહેનની આંખો નાની અને ચહેરો ગોળ છે. તેની આંખો ભૂરી પણ છે. તેને મોટી દેખાડવા ક્યા ઉપાય કરવા તે પણ જણાવશો.
* આંખ મોટી અને કાળી દેખાડવા માટે આઇલેશીશ પર મસ્કરાનો ડબલ કોટ કરવો. નીચેની આંખ પર હળવો કોટ લગાડવો.
પ્રશ્ન:
હું 28 વર્ષની નોકરિયાત મહિલા છું. વાળને કલર કરાવ્યા બાદ મારા વાળ રૂક્ષ થઇ ગયા છે. શું વાળને રંગવાથી વાળ પર કલરની વિપરિત અસર પડી હશે? મારી આ સમસ્યાના નિવારણ માટેનો ઉપચાર જણાવશો.
* વાળને રંગવા માટેનો રંગ જો ઊચ્ચગુણવત્તાયુક્ત ન હોય તો આડઅસર થઇ શકે છે. તેમજ હળવા રંગથી વાળ રંગવામા આવ્યા હોય તો વાળના પિગમેંટ્શ નાશ પામી શકે છે. વાળ કમજોર થઈ જાય છે. તેથી વાળ ઘેરા રંગથી રંગવા. તમે જ્યારે વાળમાં કાંસકો ફેરવો અથવા તો શેમ્પૂ કરો ત્યારે વાળ ખરવા લાગે છે. વાળને ધોવા માટે હંમેશા હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. હેરડાઇ માટે વિશેષ કંડિશનર આવે છે તે વાપરવું. સામાન્ય રીતે હેર ડાઇથી નુકશાન નથી થતું, પરંતુ હેરડાઇમાં રહેલા રસાયણોથી વાળને સુરક્ષિત રાખવા તેની કાળજી વધુ પ્રમાણમાં લેવી પડે છે. જો વાળની કાળજી નિયમિત રીતે લેશો તો વાળ રૂક્ષ નહીં થાય.
પ્રશ્ન:
હું 25 વરસની યુવતી છું. મને ખીલની સમસ્યા છે. તો મારે ક્યો ફેસપેક વાપરવો જોઇએ. તે જણાવશો.
* ખીલની તકલીફથી રાહત પામવા સંતરા, લીંબુ અને તરબૂચ ખાવા. તેમાં વિટામિન એ, સી, અને ઇ સમાયેલા છે. જેથી નવા ખીલ ફૂટવાનું પ્રમાણ ઓછું થાય. પેટ સાફ રહે છે. અધિક તૈલીય ત્વચા માટે સ્ટ્રોબેરી, અનાનાસ અથવા લીંબુ જેવા ખાટા ફળ અને ટમેટાયુક્ત કુદરતી ફેસિયલનો ઉપયોગ કરવો. જેથી ત્વચા સાફ રહેશે ખીલના ડાઘ આછા થશે અને ત્વચા ચમકીલી થશે.

