VIDEO : વિદ્યાર્થીઓ માટે સફળતાનો મંત્ર: ટ્યુશન વગર પણ ક્લાસમાં ફર્સ્ટ આવશે તમારું બાળક
આજકાલ નાની ઉંમરના બાળકો પણ ટ્યુશન જાય છે. આ બાબત સામાન્ય લાગે છે, પરંતુ શું ખરેખર નાના બાળકોને ભણવ


આજકાલ નાની ઉંમરના બાળકો પણ ટ્યુશન જાય છે. આ બાબત સામાન્ય લાગે છે, પરંતુ શું ખરેખર નાના બાળકોને ભણવામાં એટલી બધી મુશ્કેલી પડે છે કે તેમને ટ્યુશન મોકલવા પડે? કેટલાક વાલીઓ તર્ક આપે છે કે અમારું બાળક ઘરે ભણવા બેસતું જ નથી, એટલે ટ્યુશન મોકલવું પડે છે. પણ શું આ આદત યોગ્ય છે? બાળકને પોતાની જાતે ભણવાની આદત પાડવાને બદલે સીધા ટ્યુશન ક્લાસમાં મોકલી દેવાથી, તેનામાં 'સેલ્ફ સ્ટડી'ની આદત ક્યારેય વિકસતી નથી.
એક ઉંમર પછી બાળકને વધારાની મદદની જરૂર પડી શકે છે, જેના માટે ટ્યુશન મોકલવું યોગ્ય છે. પરંતુ નાની ઉંમરે તો એ જ સારું રહેશે કે તમે તેમને ઘરે જાતે ભણવા બેસવાની આદત પાડો. અહીં કેટલીક એવી ટિપ્સ આપી છે, જેનાથી તમારું બાળક ટ્યુશન વગર પણ સારા માર્ક્સ લાવી શકશે.
બાળકને ઘરે ભણાવવા માટેની ખાસ ટિપ્સ
ભણવાનો એક ચોક્કસ સમય નક્કી કરો
ટ્યુશનનો જેમ ચોક્કસ સમય હોય છે, તેમ ઘરે ભણવાનો પણ એક નિશ્ચિત સમય નક્કી કરો. જો તમે બાળકના મૂડ પર ભણવાનું છોડશો, તો તે આળસ કરશે. ઘરે ભણવા માટે એક શાંત જગ્યા અને સમય નક્કી કરવાથી બાળકમાં એક સારી આદત વિકસશે અને તે ભણવા માટે પ્રોત્સાહિત થશે.
સતત લાંબો સમય ભણાવવું કંટાળાજનક હોઈ શકે
નાના બાળકો લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી શકતા નથી. તેમનો 'અટેન્શન સ્પાન' ઓછો હોય છે. તેથી બાળકની ઉંમર મુજબ તેનું ટાઈમ ટેબલ બનાવો. સૌથી સારું એ રહેશે કે તમે ભણવાની વચ્ચે તેમને નાના-નાના બ્રેક (વિરામ) આપો, જેનાથી તેમનું મગજ રિફ્રેશ રહેશે.
બહારની રમતો (Outdoor Games) પણ જરૂરી છે
જો બાળક આખો દિવસ ઘરમાં જ રહે, ટીવી જોવે કે મોબાઈલ વાપરે તો તે ચીડિયું થઈ જાય છે. તેના શારીરિક અને માનસિક વિકાસ માટે બહાર રમવું ખૂબ જરૂરી છે. જો બાળક બહાર રમીને આવશે તો તેનું મૂડ સારું રહેશે અને તે વધુ એકાગ્રતા સાથે ભણી શકશે.
સ્કૂલમાં જે ભણાવ્યું હોય તેનું રિવિઝન કરાવો
બાળકને શાળામાં જે પણ ભણાવવામાં આવે, તેને તે જ દિવસે ઘરે આવીને એકવાર રિવાઈઝ જરૂર કરાવો. આ નાની આદત બાળકના અભ્યાસને ઘણો સુધારી શકે છે. આ ઉપરાંત, બાળકને લખીને વાંચવાની કે સમજવાની આદત પાડો, તેનાથી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રહેશે.
નિયમિત ટેસ્ટ લેતા રહો
માત્ર વાંચવું પૂરતું નથી, બાળકને કેટલું યાદ રહ્યું છે તે જાણવું પણ જરૂરી છે. આ માટે દર અઠવાડિયે (વીકેન્ડ પર) એક નાનો ટેસ્ટ લો. જે આખા અઠવાડિયા દરમિયાન ભણાવ્યું હોય તેમાંથી પ્રશ્નો પૂછો. આનાથી એક્ઝામ વખતે બાળક પર છેલ્લી ઘડીએ ભારણ નહીં વધે અને તેની સમજણ શક્તિ પણ વધશે.






