World Health Day 2024 / શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ? જાણો તેનું મહત્ત્વ અને આ વર્ષની થીમ
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય

વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે. આ દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સ્થાપના દિવસ પર ઉજવવામાં આવે છે. આ દિવસ વિવિધ દેશોને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સહયોગ કરવા અને એકબીજા પાસેથી શીખવા પ્રોત્સાહિત કરે છે.
વિશ્વ આરોગ્ય દિવસનો ઈતિહાસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સ્થાપનાની 7 એપ્રિલ, 1948માં થઈ હતી. તેના 2 વર્ષ પછી એટલે કે 1950માં પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ WHOની સ્થાપનાના દિવસે જ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 7 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય દેશો દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આરોગ્ય જાગૃતિ શિબિર, આરોગ્ય મેળા અને આરોગ્ય શિક્ષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ દિવસ મેલેરિયા, HIV/AIDS, કેન્સર અને માનસિક સ્વાસ્થ્ય જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવે છે. આ દિવસ લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપે છે, જેમાં નિયમિત કસરત કરવા, સ્વસ્થ આહાર લેવા અને તમાકુ અને આલ્કોહોલ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય દિવસનું મહત્ત્વ
વિશ્વ આરોગ્ય દિવસનું મહત્ત્વ સ્વાસ્થ્યને માનવ જીવનનો આધાર ગણવામાં આવેલું છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સારું સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું છે. આ દિવસ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાની એક મહત્ત્વપૂર્ણ તક પૂરી પાડે છે. આ દિવસ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે.
વિશ્વ આરોગ્ય દિવસ થીમ
દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ એક વિશેષ થીમ પર આધારિત હોય છે. 2024ની થીમ ‘માય હેલ્થ, માય રાઈટ્સ’ છે. આ થીમ તમામ લોકો માટે આરોગ્ય સેવાઓની સમાન પહોંચ અને અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દિવસનો હેતુ લોકોને સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો અને તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે.








