પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા WHOએ જારી કરી ગાઇડલાઇન, કહ્યું-ફ્રાન્સ જનારા લોકોએ સાવચેત રહેવું
વિશ્વભરના રમતપ્રેમીઓ પેરિસ ઓલિમ્પિકની આતુરતાથી રાહ જોઈ રહ

વિશ્વભરના રમતપ્રેમીઓ પેરિસ ઓલિમ્પિકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ મહાકુંભમાં ભાગ લેવા લાખો લોકો ફ્રાન્સ જશે. પરંતુ આ ઉત્સાહમાં સ્વાસ્થ્યને અવગણશો નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO), ફ્રેન્ચ આરોગ્ય મંત્રાલય અને અન્ય આરોગ્ય એજન્સીઓએ ઓલિમ્પિકમાં ભાગ લેનારા દર્શકો માટે એક મહત્ત્વપૂર્ણ આરોગ્ય સલાહ જારી કરી છે.
ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ઓલિમ્પિક રમતો વિશ્વભરના લોકોને રમતના મૂલ્યો શેર કરવા અને સાથે મળીને ઉજવણી કરવા માટે લાવે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ સુરક્ષિત અને સ્વસ્થ રહે. WHO અને ECDC સાથે મળીને અમે કેટલાક સરળ નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. આ સલાહ વેક્સિનેશનથી લઈને મચ્છરજન્ય રોગો સુધીના ઘણા વિષયોને આવરી લે છે.
જરૂરી વેક્સિન લગાવો
સલાહ મુજબ, મુસાફરી કરતા પહેલા તમારી વેક્સિનેશનની સ્થિતિ તપાસો. ઓરીની વેક્સિન પર વિશેષ ધ્યાન આપો. યુરોપ સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઓરીના કેસો વધી રહ્યા છે. જો તમને ઓરી ન થઈ હોય અથવા સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી ન હોય, તો તમે મુસાફરી કરતા ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા MMR વેક્સિન લો.
શ્વાસ સંબંધી રોગોથી સાવધાન રહો
કોરોના પછી શ્વાસ સંબંધી રોગો સામાન્ય બની ગયા છે. મોટી ભીડમાં ચેપનું જોખમ વધે છે. જો તમને ઉધરસ, તાવ અથવા ગળામાં દુઃખાવો હોય તો ઘરે જ રહો. બહાર જતી વખતે માસ્ક પહેરો.
ગરમીમાં જવાનું ટાળો
ફ્રાન્સમાં અત્યારે ઉનાળાની ઋતુ છે. દિવસમાં 2-3 કલાક ઠંડી જગ્યાએ રહો. પૂરતું પાણી પીઓ અને તડકામાં જવાનું ટાળો.
ખાવા-પીવામાં સાવધાની
ફ્રાન્સમાં નળનું પાણી પીવાલાયક છે. ફળો અને શાકભાજી ધોઈને ખાઓ. ખોરાક સારી રીતે રાંધેલ હોવો જોઈએ.
મચ્છરોથી બચો
ફ્રાન્સમાં ટાઈગર મચ્છર જોવા મળે છે. તે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા જેવા રોગો ફેલાવે છે. તેથી લાંબા કપડાં પહેરો, મચ્છર ભગાડનાર લોશન લગાવો, એસી રૂમમાં સૂવો અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરો.








