મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: સેલોન, જીમ, સ્પા જેવી સુવિધાઓથી સજ્જ છે આ રોયલ ટ્રેન, જુઓ 'પેલેસ ઓન વ્હીલ્સ'ના Inside Photos

Palace on Wheels Train: રાજસ્થાનની પ્રખ્યાત લક્ઝરી ટ્રે

Palace on Wheels Train: રાજસ્થાનની પ્રખ્યાત લક્ઝરી ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ્સ' તેના 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મે મહિનામાં પણ ચાલી રહી છે. નોર્થ વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આ ટ્રેન સપ્ટેમ્બરથી એપ્રિલ વચ્ચે જ ચાલે છે. વાસ્તવમાં, રાજસ્થાનમાં ગરમીનો પારો વધારે હોવાને કારણે ઉનાળામાં આ ટ્રેનનું સંચાલન કરવામાં આવતું ન હતું, પરંતુ આ વખતે પ્રવાસીઓની સારી માંગને જોતાં 'પેલેસ ઓન વ્હીલ્સ' ટ્રેનને મે મહિનામાં પણ ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

રેલવેના જણાવ્યા મુજબ, 21 મેના રોજ દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી રવાના થયેલી પેલેસ ઓન વ્હીલ્સની આ શાહી યાત્રા 25 મે સુધી ચાલશે, જે 2,610 કિલોમીટરની મુસાફરી ખેડશે. આ શાહી ટ્રેન દિલ્હી અને આગ્રા ઉપરાંત રાજસ્થાનના સુંદર શહેરો જેવા કે સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, જેસલમેર, બીકાનેર અને ઘણા ઐતિહાસિક શહેરોમાંથી પસાર થશે. આ સફરમાં મુસાફરોને રાજસ્થાનની સંસ્કૃતિ, કિલ્લાઓ, મહેલો અને રણની સુંદરતાનો શાનદાર અનુભવ મળશે.

1982માં શરૂ થયેલી આ ટ્રેન મુસાફરોને રાજસ્થાનના રાજવી ઇતિહાસ અને સંસ્કૃતિના દર્શન કરાવે છે. પેલેસ ઓન વ્હીલ્સને ટ્રેન નહીં પરંતુ 'ચાલતો-ફરતો મહેલ' કહેવામાં આવે તો તે ખોટું નથી. પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનમાં રાજા-મહારાજાઓની જીવનશૈલી અને લક્ઝરી સફરનો અનુભવ મળે છે. ચાલો જાણીએ આ રોયલ ટ્રેનની ખાસિયતો...

શાહી કોચ અને સજાવટ: ટ્રેનમાં 14 ફૂલ એર કંડિશનર સેલૂન કોચ છે, જેના નામ રાજસ્થાનના ભૂતપૂર્વ રજવાડાઓ (અલવર, જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર વગેરે) પરથી રાખવામાં આવ્યા છે. દરેક કોચને રાજપૂતી કળા, મિનિએચર પેઇન્ટિંગ્સ, અરીસાના કામ, રેશમી કપડાં અને ખાસ ફર્નિચરથી શણગારવામાં આવ્યો છે.

ડીલક્સ કેબિન્સ: દરેક કોચમાં 4 ડીલક્સ કેબિન છે (કુલ 39 ડીલક્સ + 2 સુપર ડીલક્સ + પ્રેસિડેન્શિયલ સૂટ), જે કોઈ મોટી હોટેલના રૂમથી કમ નથી. જેમાં ટ્વીન/ડબલ બેડ, અટેચ્ડ બાથરૂમ (ગરમ-ઠંડુ પાણી, શાવર), વાઈ-ફાઈ, ટીવી, ચેનલ મ્યુઝિક અને પર્સનલાઈઝ્ડ સર્વિસ ઉપલબ્ધ છે.

લાઉન્જ બાર અને કલ્ચરલ પ્રોગ્રામ: આરામદાયક લાઉન્જ બારમાં સોફ્ટ ડ્રિંક્સ, કોકટેલ્સ અને સ્નેક્સ સાથે મુસાફરીની મજા માણી શકાય છે. આ ટ્રેનમાં સફર દરમિયાન સાંજે અવારનવાર કલ્ચરલ પ્રોગ્રામ, ફોક ડાન્સ (લોકનૃત્ય) અથવા લાઈવ મ્યુઝિકનું આયોજન પણ કરવામાં આવે છે.

સ્પા અને વેલનેસ: થાક ઉતારવા માટે સ્પા અને આયુર્વેદિક મસાજ, થેરાપી તેમજ સેલૂન સર્વિસ ઉપલબ્ધ છે. આનાથી મુસાફરો યાત્રા દરમિયાન રિલેક્સ અને રિચાર્જ અનુભવી શકે છે.

આધુનિક સુવિધાઓ: આ ઉપરાંત ટ્રેનમાં સરસ વોશરૂમ, લોન્ડ્રી, મેડિકલ આસિસ્ટન્સ, જીમ અને રેસ્ટોરન્ટ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ છે. આખી ટ્રેન Wi-Fi થી કનેક્ટેડ છે.

શાહી ભોજન: ટ્રેનમાં બનેલી 2 રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડિયન ફૂડ ઉપરાંત રાજસ્થાની, મુઘલાઈ, ચાઇનીઝ, થાઈ અને મેક્સિકન ફૂડની શ્રેણી ઉપલબ્ધ છે. કોચમાં પ્રવાસીઓને કોઈ રાજવી પરિવારના સભ્યની જેમ જ સુવિધાઓ આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો