ચોમાસામાં સ્કિન કેરને અવગણવાથી વધી શકે છે સમસ્યાઓ, આ સરળ ઉપાયોથી ત્વચાને રાખો સ્વસ્થ
ચોમાસામાં ભેજ વધવાથી ત્વચા ઓઈલી થવા લાગે છે, જેના કારણે સ્કિન પોર્સ ભરાઈ જાય છે અને તેના કારણે ખીલ દેખાવા લાગે છે. બ

ચોમાસામાં ભેજ વધવાથી ત્વચા ઓઈલી થવા લાગે છે, જેના કારણે સ્કિન પોર્સ ભરાઈ જાય છે અને તેના કારણે ખીલ દેખાવા લાગે છે. બહારનો ભેજ અને ACમાંથી આવતી ઠંડી હવા આવા તાપમાનમાં ડિહાઇડ્રેશન અને શુષ્કતાનું કારણ બની શકે છે. આ ઉપરાંત ભેજયુક્ત વાતાવરણ ફંગલ ઇન્ફેકશનને પણ પ્રોત્સાહન આપે છે. ખીલ ઉપરાંત, ક્યારેક હાઈપરપીગ્મેન્ટેશન અને અસમાન સ્કિન ટોન જેવી સમસ્યાઓ પણ આવા હવામાનમાં વધી શકે છે. જો તમે આ બધી સમસ્યાઓનો શિકાર નથી બનવા માંગતા, તો ચોમાસામાં સ્કિન કેર સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લો.
યોગ્ય મોઇશ્ચરાઇઝર પસંદ કરો
ચોમાસા માટે યોગ્ય મોઇશ્ચરાઇઝર પસંદ કરવું જરૂરી છે. લાઈટ અને ઓઈલ ફ્રી મોઇશ્ચરાઇઝર્સનો ઉપયોગ કરો જે તમારા પોર્સને બંધ કર્યા વિના તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. જેલ આધારિત મોઇશ્ચરાઇઝર્સ આ સિઝન માટે શ્રેષ્ઠ છે. હાયલ્યુરોનિક એસિડ, કોજિક એસિડ, આર્બુટિન અને પેપ્ટાઇડ્સ ધરાવતી પ્રોડક્ટ્સ ખરીદો. જે ભેજ જાળવી રાખે છે અને ત્વચાને સોફ્ટ અને હાઇડ્રેટેડ રાખે છે.
સોફ્ટ ક્લીન્ઝિંગ
નિયમિત સફાઈ એ સ્કિન કેરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેથી ચોમાસા દરમિયાન પણ તેને છોડશો નહીં, લાઈટ અને હાઇડ્રેટિંગ ક્લીન્ઝરનો ઉપયોગ કરો જે તમારી ત્વચાના કુદરતી તેલને છીનવી લીધા વિના ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરી શકે. એ પણ જાણી લો કે વધુ પડતી સફાઈ કરવાથી ડ્રાયનેસ અને ઈરિટેશન જેવી સમસ્યા થઈ શકે છે, તેથી દિવસમાં બે કે ત્રણ વખતથી વધુ ચહેરો ન ધોવો.
નિયમિતપણે એક્સફોલિએટ કરો
એક્સ્ફોલિએશન ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે અને સેલ્સ રિન્યુઅલને પ્રોત્સાહન આપે છે, તમારી ત્વચાને સોફ્ટ અને હાઇડ્રેટેડ રાખે છે. જો કે, ઓવર-એક્સફોલિએટિંગ ત્વચાના બેરિયરને નુકસાન પહોંચાડે છે અને ડ્રાયનેસ તરફ દોરી જાય છે. તમારી ત્વચાને તાજી અને હાઇડ્રેટેડ રાખવા માટે અઠવાડિયામાં એક કે બે વાર સ્ક્રબનો ઉપયોગ કરો. સ્કિન તેક્ચ્રને સુધારવા માટે જોજોબા બીડ્સ અથવા આલ્ફા હાઇડ્રોક્સી એસિડ્સ (AHAs) જેવા કેમિકલ એક્સ્ફોલિયન્ટ્સ જેવા ઘટકો સાથેની પ્રોડક્ટ્સ પસંદ કરો.
હાઇડ્રેટિંગ સીરમનો ઉપયોગ કરો
નિયાસીનામાઇડ, સેરામાઇડ, ગ્લિસરીન અને વિટામિન ઈ જેવા હાઇડ્રેટિંગ ઘટકો સાથેના સીરમ ત્વચાને વધારાનું ભેજ પૂરી પાડે છે. કલીન્ઝિંગ કર્યા પછી, હાઇડ્રેશનને લોક કરવા અને તમારી ત્વચાને નરમ રાખવા માટે સીરમ અને પછી મોઇશ્ચરાઇઝર લગાવો.
તમારી ત્વચાને સુરક્ષિત કરો
એવું નથી કે માત્ર તીવ્ર સૂર્યપ્રકાશ જ ત્વચા માટે હાનિકારક છે, ચોમાસામાં વાદળછાયા વાતાવરણમાં પણ યુવી કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. તમારી ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવા માટે ઓછામાં ઓછા SPF 30 સાથેના સનસ્ક્રીનનો ઉપયોગ કરો. જે વોટર રેઝિસ્ટન્ટ અને નોન-કોમેડોજેનિક હોય, જેથી સ્કિન પોર્સ ભરાઈ ન જાય અને ખીલ ન થાય.
ગરમ પાણી અને હાર્શ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો
વરસાદની ઋતુમાં ગરમ પાણીથી નહાવું સારું લાગે છે, પરંતુ આનાથી ત્વચામાંથી કુદરતી તેલ પણ દૂર થઈ શકે છે, જે ત્વચાને શુષ્ક બનાવી શકે છે. તેના બદલે સામાન્ય અથવા હૂંફાળા પાણીથી સ્નાન કરો. આલ્કોહોલ, સ્ટ્રોંગ સ્મેલ અથવા એસ્ટ્રિન્જન્ટ્સ સાથેની સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને તેનું કુદરતી ભેજને છીનવી શકે છે.
સંતુલિત આહાર લો
વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક લેવાથી ત્વચાનું ભેજ જળવાઈ રહે છે. આ માટે, તમારા આહારમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક જેમ કે ફ્લેક્સસીડ અને અખરોટનો સમાવેશ કરો. તાજા ફળો અને શાકભાજી, ખાસ કરીને કાકડી, ટમેટા અને તરબૂચ જેવા પાણીયુક્ત શાકભાજી, ત્વચાને હાઇડ્રેટ રાખે છે. આ સિવાય આખા દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો.








