મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં ‘હીટવેવ’થી બચવા આટલું કરો, આ રીતે આરોગ્યની કાળજી રાખશો તો રહેશો તંદુરસ્ત

ગુજરાતમાં ઉનાળાની આગઝરતી ગરમીમાં લૂ લાગવાની સંભાવના વધી જતી હોવાથી લોકોએ કારણ વિના બપોરના સમયે ઘરની બહાર નીકળવું નહીં.

ઉનાળામાં ‘હીટવેવ’થી બચવા આટલું કરો, આ રીતે આરોગ્યની કાળજી રાખશો તો રહેશો તંદુરસ્ત

ગુજરાતમાં ઉનાળાની આગઝરતી ગરમીમાં લૂ લાગવાની સંભાવના વધી જતી હોવાથી લોકોએ કારણ વિના બપોરના સમયે ઘરની બહાર નીકળવું નહીં. હીટવેવથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ભારે આહાર લેવાનું ટાળવું જોઈએ.

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની કાળજી લેવી જોઈએ. કાચી કેરી, ડુંગળી અને ધાણાજીરૂં નાંખેલું કચૂંબર લૂ લાગવાની શક્યતાને ઘટાડે છે.

જો કે વાઈ, હૃદય, કિડની કે યકૃત સંબંધી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય, તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ લેવી જોઇએ.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવી જરૂરી છે.

કામકાજના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું જોઈએ.

કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી કરતા વ્યક્તિને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય. સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઈપણ સદસ્યને જાણ કરો.

આ સમાચાર શેર કરો