બ્યુટી પાર્લર ગયા વગર પણ જળવાઈ રહેશે ચહેરા પરનો નેચરલ ગ્લો, રોજ કરો આ 5 કામ
લોકો પોતાની ત્વચાને ચમકદાર રાખવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે

લોકો પોતાની ત્વચાને ચમકદાર રાખવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તમારી ત્વચાને સ્વસ્થ બનાવવા માટે યોગ્ય રૂટીન ફોલો કરો. જો સ્કિન કેરનું રૂટીન અને લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો તેનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને અકાળે વૃદ્ધત્વ પણ શરૂ થઈ જાય છે. જો તમારું રૂટીન ખરાબ હોય તો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પણ સારા પરિણામ આપી શકતા નથી, તેથી ત્વચાની યોગ્ય કાળજી રાખવાની સાથે તમારી લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે, તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખીને તમે બ્યુટી પાર્લર ગયા વગર પર ચહેરા પરનો નેચરલ ગ્લો જાળવી શકો છો.
સવારે પલાળેલા નટ્સ ખાઓ
એકંદર આરોગ્ય જાળવવા સાથે, તંદુરસ્ત નખ, સ્વસ્થ ત્વચા અને સ્વસ્થ વાળ માટે ડાયટમાં પોષણયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો મહત્ત્વપૂર્ણ છે. ત્વચાને સ્વસ્થ રાખવા અને નેચરલ ગ્લો માટે રાત્રે બદામ, હેઝલ નટ્સ, બ્રાઝિલ નટ્સ વગેરેને પલાળી રાખો અને તમારી સવારની શરૂઆત આ નટ્સથી કરો. આ નટ્સમાં વિટામીન E અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારી ત્વચા, વાળ અને એકંદર આરોગ્યને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
પુષ્કળ પાણી પીવો
દરરોજ ઓછામાં ઓછું 7 અથવા 8 ગ્લાસ પાણી પીવું સારું માનવામાં આવે છે, પરંતુ મોટે ભાગે આ શક્ય નથી, તેથી તમારા રોજિંદા ડાયટમાં નાળિયેર પાણી, હર્બલ ટી, લીંબુ પાણી, છાશ વગેરે જેવા આરોગ્યપ્રદ પીણાંનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરને પોષક તત્વો મળશે, જેની સકારાત્મક અસર તમારી ત્વચા પર પણ જોવા મળશે.
દિવસમાં બે વાર ચહેરો સાફ કરો
ત્વચાની ઘણી સમસ્યાઓ પ્રદૂષણ, ધૂળ અને ગંદકીના કારણે થાય છે, તેથી ચહેરાને દિવસમાં ઓછામાં ઓછો બે વાર ધોવો જોઈએ. જો તમારી સ્કિન ઓઈલી હોય, વધુ પડતું સીબુમનું ઉત્પાદન થતું હોય અને વધુ પડતો પરસેવો વળતો હોય તો ચહેરો ત્રણ વાર ધોઈ શકાય છે, પરંતુ તેવા ફેસ વોશનો ઉપયોગ કરો જે ચહેરા પર કઠોર ન હોય.
સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં
યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે, જેના કારણે અકાળે વૃદ્ધત્વની સમસ્યા શરૂ થાય છે, તેથી જો તમે ચહેરા પર ગ્લો જાળવી રાખવા માંગતા હોવ, તો તમારા રૂટીનમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચહેરા પર સનસ્ક્રીન લગાવો. આ માટે, SPF 30 અથવા તેનાથી વધુ SPF ધરાવતી ક્રીમનો ઉપયોગ કરો.
નાઈટ સ્કિન કેર રૂટીનને ન અવગણો
હેલ્ધી સ્કિન માટે નાઈટ સ્કિન કેર રૂટીન પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ માટે સૂતા પહેલા ચહેરો ધોઈ લો અને ત્યાર બાદ ત્વચાને સારા ક્લીંઝરથી સાફ કરો અને પછી ટોનર લગાવો. થોડીવાર પછી મોઇશ્ચરાઇઝર લગાવો.








