કર્ણાટકના સકલેશપુરમાં જોવા મળશે કુદરતનો સુંદર નજારો, ત્યાંથી પાછા આવવાનું મન નહીં થાય
કર્ણાટકના સકલેશપુરમાં તમને એવો નજારો જોવા મળશે જ્યાંથી તમને પાછા આવવાનું મન નહીં થાય. સકલેશપુર, પ્રકૃતિના અદ્ભુ

કર્ણાટકના સકલેશપુરમાં તમને એવો નજારો જોવા મળશે જ્યાંથી તમને પાછા આવવાનું મન નહીં થાય. સકલેશપુર, પ્રકૃતિના અદ્ભુત નજારા અને કોફી અને મસાલાના વાવેતર માટે જાણીતું છે, તે બેંગલુરુના લોકો માટે પણ ખાસ છે, તે બેંગલુરુથી 220 કિલોમીટર દૂર આવેલું છે.
ટ્રેકિંગ પ્રેમીઓને અહીં ઘણી સુંદર પહાડીઓ પણ જોવા મળશે. સકલેશપુરના પ્રવાસન સ્થળોમાં કેટલાક અદભૂત ધોધ, તળાવો, ચર્ચ અને ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે. ચાલો તમને જણાવીએ કે તમે સકલેશપુરમાં કઈ જગ્યાઓની મુલાકત લઈ શકો છો.
મંજરાબાદ કિલ્લો
સકલેશપુરનું મુખ્ય આકર્ષણ મંજરાબાદ કિલ્લો છે. તે દેશના અનોખા કિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લો ટીપુ સુલતાન દ્વારા બનાવવામાં આવ્યો હતો.
અષ્ટકોણ ડિઝાઇનવાળા આ કિલ્લાને જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે. વરસાદની મોસમમાં કિલ્લાનું વાતાવરણ વધુ સુંદર બની જાય છે.
સમય- સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી
હડલુ ધોધ
જો તમે સુંદર ધોધની મજા લેવા માંગતા હોવ તો તમે અહીં જઈ શકો છો. આ સકલેશપુરમાં ફરવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે. હડલુ ધોધ એક પ્રખ્યાત ટ્રેકિંગ સ્થળ પણ છે. અહીં સુધી પહોંચવા માટે તમારે ચઢાણ કરવું પડશે, પરંતુ તમને સખત મહેનત પછી જે દૃશ્ય જોવા મળશે, તે તમે ક્યારેય ભૂલી શકશો નહીં.
હડલુ ધોધ સિવાય તમે મંજેહલ્લી ધોધની પણ મુલાકાત લઈ શકો છો. તેને અબ્બી ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સકલેશપુરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે.
બિસલ વ્યુ પોઈન્ટ
સકલેશપુર ફરવા જનારા લોકોએ એકવાર બિસલ વ્યુ પોઈન્ટની મુલાકાત લેવી જ જોઈએ. અહીંથી તમને પશ્ચિમ ઘાટનો એવો મનમોહક નજારો જોવા મળશે, જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. બિસ્લે ઘાટની નજીક આવેલું આ સ્થાન ત્રણ પર્વતમાળાઓનો સુંદર નજારો આપે છે. અહીં તમે યેનીકલ્લુ બેટ્ટા, દોદ્દાબેટ્ટા અને પુષ્પગિરી અને કુમાર પર્વત જોઈ શકો છો.
સકલેશ્વર મંદિર
સકલેશપુર ફરવા જાવ તો પ્રાચીન સકલેશ્વર મંદિરની મુલાકાત લેવી જ જોઈએ. આ સકલેશપુરનું સૌથી વિશેષ આકર્ષણ છે. આ મંદિર હોયસલા સ્થાપત્યની ઉત્કૃષ્ટ કારીગરીનો પુરાવો છે. મંદિરની આસપાસ હરિયાળી છે. અહીં સકલેશ્વર નામના મહાદેવના દર્શન થાય છે. આ મંદિરની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.








