VIDEO: જયપુરની સફરનું આયોજન કરી રહ્યા છો? તો પિંક સિટીની આ 5 ઐતિહાસિક જગ્યાઓ જરૂર એક્સપ્લોર કરો
પિંક સિટી તરીકે ઓળખાતું જયપુર તેના શાહી વારસા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છ
પિંક સિટી તરીકે ઓળખાતું જયપુર તેના શાહી વારસા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વભરના પ્રવાસીઓ દર વર્ષે આ શહેરની મુલાકાત લે છે. જો તમે જયપુરની સફરનું આયોજન કરી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે આ 5 જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ. ચાલો તેમના વિશે તમને જણાવીએ.
આમેર કિલ્લો
અરવલ્લીની ટેકરીઓમાં સ્થિત આ કિલ્લો જયપુરની સૌથી ભવ્ય ઓળખ છે. લાલ રેતીના પથ્થર અને આરસપહાણથી બનેલો આ કિલ્લો રાજપૂતાના સ્થાપત્યનું એક અનોખું ઉદાહરણ છે. અહીંનો શીશ મહેલ વિશ્વભરમાં પ્રખ્યાત છે, અહીં નાના નાના અરીસાઓની કોતરણી એવી રીતે કરવામાં આવી છે કે એક જ મીણબત્તી કરવાથી આખો મહેલ પ્રકાશિત થઈ જાય છે. અહીં સાંજના યોજાતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ન ચૂકશો.
હવા મહેલ
પાયા વિના બનેલી આ પાંચ માળની ઈમારત જયપુરનું લેન્ડમાર્ક છે. તે 1799માં મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં 953 ખૂબ જ સુંદર બારીઓ છે. આ બારીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે રાજવી પરિવારની મહિલાઓ શહેરના ઉત્સવોને કોઈના ધ્યાનમાં આવ્યા વગર નિહાળી શકે અને મહેલમાં સતત ઠંડી હવા વહેતી રહે. અહીં સુંદર અને એસ્થેટિક ફોટો પણ લઈ શકાય છે.
સિટી પેલેસ
શહેરના મધ્યમાં સ્થિત સિટી પેલેસ જયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારનું નિવાસસ્થાન છે. આ મહેલ મુઘલ અને રાજસ્થાની સ્થાપત્યનું અનોખું મિશ્રણ છે. અહીં પ્રીતમ નિવાસ ચોક એક મુખ્ય આકર્ષણ છે. તેના ચાર દરવાજા સુંદર કલાકૃતિઓથી શણગારેલા છે. આ સિવાય સંગ્રહાલયમાં રાજાઓના શસ્ત્રો પણ છે.
જંતર મંતર
ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. અહીં સ્થિત સમ્રાટ યંત્ર વિશ્વની સૌથી મોટી પથ્થરની સનડિયલ છે, જે હજુ પણ સ્થાનિક સમયને સચોટ રીતે દર્શાવે છે.
નાહરગઢ કિલ્લો
જો તમે આખા જયપુર શહેરનો બર્ડ્સ આઈ વ્યુ જોવા માંગતા હોવ, તો ચોક્કસપણે નાહરગઢની મુલાકાત લો. આ કિલ્લો શહેરનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. અહીંથી સૂર્યાસ્તનો નજારો મનમોહક હોય છે. કિલ્લાની અંદર આવેલું માધવેન્દ્ર ભવન તેની ભુલભુલામણી જેવી રચના માટે જાણીતું છે.
આ ઉપરાંત, જયપુરની સ્થાનિક બજારોમાં ખરીદી કરવાનું ન ભૂલશો, જ્યાં તમને સુંદર વસ્તુઓ મળશે.




