Video: શરદ પવારની પાર્ટી સિમાંકન બિલનું સમર્થન કરશે? વિપક્ષ ભડક્યું!

કેન્દ્રની મોદી સરકાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાની વિચારણા કરી રહી છે. સરકાર તરફથી તમામ કેબિનેટ મંત્રીઓને 15 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસ કે અન્ય કોઈ કાર્યક્રમ ન ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. સરકારની આ એડવાઈઝરી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર આ સત્રમાં સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ રજૂ કરી શકે છે. આ અટકળો વચ્ચે મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સીમાંકન બિલને લઈને મોટા મતભેદો સામે આવ્યા છે. NCP શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેના એક નિવેદનથી વિપક્ષી ગઠબંધનમાં તણાવ ઊભો થયો છે.
સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, પહેલા આખું બિલ અમારા હાથમાં આવવા દો. એકવાર બિલ અમારી પાસે આવી જશે, ત્યારબાદ અમે તેના પર ચર્ચા કરી શકીશું અને એવું પણ બની શકે કે તે એક સારું બિલ સાબિત થાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે વિપક્ષ અને શાસક પક્ષે રાષ્ટ્રહિતમાં કાયદા પસાર કરવા માટે સાથે મળીને કામ કર્યું છે. આ મુદ્દે વિપક્ષની રણનીતિ શું રહેશે તે અંગે સ્પષ્ટતા કરતા સુલેએ કહ્યું કે, આ વિષય પર હજુ સુધી કોઈએ તેમની સાથે વાત કરી નથી. તેમને ન તો કોઈનો ફોન આવ્યો છે કે ન તો સીમાંકન પ્રક્રિયા અંગે કોઈ માહિતી આપવામાં આવી છે. માત્ર કપિલ સિબ્બલનો જ ફોન આવ્યો હતો, તે સિવાય અન્ય કોઈનો સંપર્ક થયો નથી.
સુપ્રિયા સુલેના આ નિવેદનને સીમાંકન બિલના સમર્થનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ સીમાંકન બિલનું સમર્થન કરતું હોય, તો તેણે ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ.
સંજય રાઉતના આ નિવેદનને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી હુસૈન દલવાઈએ જણાવ્યું હતું કે સંજય રાઉત બિલકુલ સાચું કહી રહ્યા છે. સીમાંકન બિલ પર સુપ્રિયા સુલેએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જો કોઈ આ બિલને સમર્થન આપવા માંગતું હોય, તો તેણે ઈન્ડિયા બ્લોક છોડી દેવું જોઈએ. બીજી તરફ, શરદ પવારની પાર્ટીએ કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથની આ ટિપ્પણીઓ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત શિંદેએ કહ્યું કે, ગઠબંધનમાં રહીને સહયોગી પક્ષો વિરુદ્ધ આ પ્રકારની નિવેદનબાજી કરવી યોગ્ય નથી.











