Video: દિલ્હીમાં રોડ રેજની ભયાનક ઘટના: સરાઈ કાલે ખાન ફ્લાયઓવર નજીક બેઝબોલ બેટ અને હથોડી વડે જીવલેણ હુમલો, બે યુવકો ઈજાગ્રસ્ત થયા

સોર્સ: gstv

દિલ્હીમાં રસ્તા પર થતા ઝઘડા એટલે કે રોડ રેજની વધુ એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના સરાઈ કાલે ખાન ફ્લાયઓવર નજીક કાર અને મોટરસાઈકલ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણ બાદ કારમાં સવાર બે શખ્સોએ બાઇક સવારો પર બેઝબોલ બેટ અને હથોડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકો સફદરજંગ હોસ્પિટલના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે, જેમને ગંભીર હાલતમાં સારવાર માટે એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે

પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર બંને વ્યક્તિઓની ઓળખ ૩૯ વર્ષીય વિક્રમ અને ૨૨ વર્ષીય અરુણ તરીકે થઈ છે, જેઓ સફદરજંગ હોસ્પિટલમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવે છે. વિક્રમ ગાઝિયાબાદના શાસ્ત્રી નગરનો અને અરુણ ગોવિંદપુરમનો રહેવાસી છે. 25મી નવેમ્બરે સાંજે ચાર વાગ્યે બંને પોતાની ફરજ પૂરી કરીને મોટરસાઈકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સરાઈ કાલે ખાન ફ્લાયઓવર પાસે આ ઘટના બની હતી. દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી વિનીત કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, રસ્તામાં દિલ્હી રજિસ્ટ્રેશન નંબર ધરાવતી એક સફેદ હ્યુન્ડાઈ ક્રેટા કાર તેમની મોટરસાઈકલને અડી ગઈ હતી. ત્યારબાદ કારમાંથી બે વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા અને બાઇક સવારો સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ વિક્રમ તથા અરુણ પર બેઝબોલ બેટ અને હથોડી વડે હુમલો કરી દીધો હતો, જેમાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. . પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.

જાહેરાત

અંકિત માવી નામના એક જાગૃત રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર માટે એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડ્યા હતા. પીસીઆર કોલના આધારે સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશનમાં ડેઈલી ડાયરી એન્ટ્રી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯, ૩૦૯ અને ૩ હેઠળ હત્યાનો પ્રયાસ, લૂંટ અને સમાન ઈરાદાના આરોપસર સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રોડ રેજની આ ઘટના કેવી રીતે બની, દરેક આરોપીની શું ભૂમિકા હતી અને આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ઘટનાસ્થળની આસપાસના તેમજ આરોપીઓ જે માર્ગે ભાગ્યા હોઈ શકે તે રસ્તાઓના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા

રસ્તા પર વાહન અડી જવા જેવી સામાન્ય બાબતમાં હથોડી અને બેઝબોલ બેટ વડે જીવલેણ હુમલો કરવાની આ ઘટનાએ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા તેમજ લોકોની વધતી જતી અસહિષ્ણુતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ બંને ઈજાગ્રસ્ત કર્મચારીઓ સારવાર હેઠળ છે, ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજ અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે હુમલાખોરો સુધી ક્યારે પહોંચે છે અને તેમની સામે કેવી કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત