પંજાબમાં ફરી ભગવંત માનની સરકાર કે કોંગ્રેસની વાપસી? ચૂંટણી પહેલાંના સર્વેમાં જાણો જનતાનો મિજાજ

પંજાબમાં ફરી ભગવંત માનની સરકાર કે કોંગ્રેસની વાપસી? ચૂંટણી પહેલાંના સર્વેમાં જાણો જનતાનો મિજાજ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વર્ષ 2027ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ફરી સરકાર બનાવવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ત્રીજા મોરચા તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણિ અકાલી દળ (SAD) વચ્ચે ગઠબંધન થવાની અટકળો પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે એક સર્વેના પરિણામો સામે આવ્યા છે, જેમાં પંજાબની જનતાનો ચૂંટણીમિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજ્યની 117 વિધાનસભા બેઠકો પર મતદારોનો મિજાજ જાણવા માટે વોટ વાઇબ (Vote Vibe) દ્વારા તાજેતરનો ઓપિનિયન પોલ 'સ્ટેટ વાઇબ – ટ્રેકર 2' જાહેર કરવામાં આવ્યો છે. 12 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલા આ સર્વેના આંકડા સૂચવે છે કે પંજાબની ચૂંટણી જંગ અત્યંત રસપ્રદ બનવાની છે. સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) હજુ પણ આગળ છે, જ્યારે કોંગ્રેસ તેને જોરદાર ટક્કર આપી રહી છે. આ ઉપરાંત ભાજપ (BJP), શિરોમણિ અકાલી દળ (SAD) અને 'વારિસ પંજાબ દે'ની હાજરીને કારણે રાજ્યમાં મુકાબલો બહુ-પાંખિયો અને રસપ્રદ બની શકે છે.

જાહેરાત

વોટ શેરમાં AAP સૌથી આગળ, કોંગ્રેસ બીજા ક્રમે

સર્વે અનુસાર, જો અત્યારે ચૂંટણી યોજાય તો આમ આદમી પાર્ટીને 33.5 ટકા વોટ શેર સાથે સૌથી વધુ સમર્થન મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 27.6 ટકા વોટ સાથે બીજા ક્રમે રહેવાનો અંદાજ છે. બંને મુખ્ય પક્ષો વચ્ચે માત્ર 5.9 ટકાનું અંતર જોવા મળી રહ્યું છે.

બીજી તરફ, ભાજપને 14.7 ટકા અને શિરોમણિ અકાલી દળ (SAD)ને 12.5 ટકા મત મળવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આ બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જો આવું થાય તો ચૂંટણીનાં સમીકરણો બદલાઈ શકે છે. આ ઉપરાંત અમૃતપાલ સિંહના નેતૃત્વ હેઠળના અકાલી દળ (વારિસ પંજાબ દે)ને 8.1 ટકા મત મળવાની સંભાવના છે. જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ખાતામાં 1.7 ટકા મત જઈ શકે છે.

પંજાબમાં કોની સરકાર બનશે? જનતાએ આપ્યો આ જવાબ

સર્વેમાં પંજાબની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કયો પક્ષ જીતશે? તેના જવાબમાં 33.7 ટકા લોકોએ આમ આદમી પાર્ટી, 23.1 ટકાએ કોંગ્રેસ અને 16.3 ટકાએ ભાજપનું નામ લીધું હતું.

ખાસ વાત એ છે કે કોંગ્રેસને મળેલા વોટ શેરની સરખામણીમાં તેની જીતની આશા રાખનારા લોકોની સંખ્યા આશરે 4.5 ટકા ઓછી છે. આ દર્શાવે છે કે કોંગ્રેસના કેટલાક સમર્થકો પણ પાર્ટીની જીતને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત નથી.

મુખ્યમંત્રી તરીકે ભગવંત માન પહેલી પસંદ

પંજાબના આગામી મુખ્યમંત્રી તરીકે વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન સૌથી આગળ જોવા મળી રહ્યા છે. સર્વેમાં સામેલ 35.9 ટકા લોકોએ ભગવંત માનને મુખ્યમંત્રી તરીકે પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. આ આંકડો આમ આદમી પાર્ટીના કુલ વોટ શેર (33.5 ટકા) કરતાં પણ વધારે છે.

બીજી તરફ, કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીને 19 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પસંદ કરી રહ્યા છે. શિરોમણિ અકાલી દળના સુખબીર સિંહ બાદલ 14.6 ટકા લોકોની પસંદગી સાથે ત્રીજા ક્રમે છે. ભાજપના નેતા કેવલ સિંહ ઢિલ્લોંને 10.1 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. જ્યારે 7.9 ટકા લોકોએ 'વારિસ પંજાબ દે'ના અમૃતપાલ સિંહને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

નશીલા પદાર્થો અને બેરોજગારી સૌથી મોટા ચૂંટણી મુદ્દા

પંજાબના રાજકારણમાં આ વખતે પણ નશીલા પદાર્થોનો મુદ્દો સૌથી મોટો ચૂંટણી મુદ્દો બનીને સામે આવ્યો છે. સર્વેમાં 31.1 ટકા મતદારોએ નશાની સમસ્યાને સૌથી મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો વધીને 36.1 ટકા થયો છે. જ્યારે 25થી 34 વર્ષની વયજૂથના યુવાનોમાં 42.2 ટકા લોકોએ નશાને સૌથી મોટી સમસ્યા ગણાવી છે.

નશા બાદ બેરોજગારી અને સ્થળાંતરનો મુદ્દો 23 ટકા સાથે બીજા ક્રમે છે. જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો 17.3 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. શહેરી વિસ્તારોમાં 27.5 ટકા લોકો બેરોજગારીને મહત્ત્વનો ચૂંટણી મુદ્દો માને છે.

સરકાર કરતાં વર્તમાન ધારાસભ્યો સામે વધુ નારાજગી

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારના કામકાજ અંગે પણ સર્વેમાં લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાં 39.5 ટકા લોકોએ સરકારના કામકાજ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પૈકી 30.2 ટકા લોકો સંપૂર્ણપણે સંતુષ્ટ છે, જ્યારે 9.3 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, 42.9 ટકા લોકોએ સરકારના કામકાજ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. જેમાં 18.5 ટકા લોકો અસંતુષ્ટ અને 24.4 ટકા લોકો સંપૂર્ણપણે અસંતુષ્ટ છે. જ્યારે 14.8 ટકા લોકોએ ભગવંત માન સરકારના કામકાજને સરેરાશ ગણાવ્યું છે.

ખાસ વાત એ છે કે રાજ્ય સરકારની સરખામણીમાં સ્થાનિક ધારાસભ્યો સામે લોકોની નારાજગી 9.5 ટકા વધુ જોવા મળી છે. કુલ 52.4 ટકા લોકોએ પોતાના વર્તમાન ધારાસભ્યના કામકાજ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે માત્ર 30.6 ટકા લોકો જ તેમના કામકાજથી સંતુષ્ટ છે. ગ્રામીણ વિસ્તારોમાં ધારાસભ્યો સામે સંપૂર્ણ અસંતોષનો આંકડો 34.6 ટકા નોંધાયો છે.

4,273 લોકોના અભિપ્રાયના આધારે સર્વે

ઉલ્લેખનીય છે કે આ સર્વે 'AT Vote Vibe LLP' દ્વારા ટેલિફોનિક માધ્યમથી કરવામાં આવ્યો છે. સર્વેમાં સમગ્ર પંજાબમાંથી કુલ 4,273 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત