જનકપુર ધામથી અયોધ્યા વચ્ચે દોડશે સાપ્તાહિક ટ્રેન, 604 કિમીનું અંતર કાપશે

ભારત અને નેપાળ વચ્ચે રેલવે કનેક્ટિવિટી (Rail Connectivity) વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ નેપાળના જનકપુર ધામ અને ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. આશરે 604 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રેનથી બંને દેશોના શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સરહદી વિસ્તારોના નાગરિકોને સીધી રેલ સુવિધા મળશે. આ ટ્રેન માતા જાનકીની જન્મભૂમિ જનકપુર ધામને ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા સાથે જોડશે. ખાસ કરીને ધાર્મિક પ્રવાસન અને રામાયણ સર્કિટ (Ramayana Circuit)ને વેગ આપવા માટે આ સેવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બિહાર અને ઉત્તર પ્રદેશના 10 સ્ટેશનો પર સ્ટોપેજ
નવી ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક મહત્વપૂર્ણ શહેરોમાંથી પસાર થશે. બંને છેડા પરનાં ટર્મિનલ સ્ટેશન ઉપરાંત કુલ 10 સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. બિહારમાં જયનગર, મધુબની, શિશો, સીતામઢી, રક્સૌલ અને નરકટિયાગંજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી, મનકાપુર અને અયોધ્યા ધામ ખાતે ટ્રેન રોકાશે. આ સ્ટોપેજના કારણે રૂટ પરના વિવિધ શહેરો અને સરહદી વિસ્તારોના લોકોને પણ નવી રેલ સેવા મારફતે મુસાફરી કરવાની સુવિધા મળશે.
અઠવાડિયામાં એક દિવસ થશે સંચાલન
આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં એક વખત કરવામાં આવશે. નિર્ધારિત સમયપત્રક મુજબ જનકપુર ધામથી ટ્રેન દર શનિવારે ઉપડશે, જ્યારે અયોધ્યા કેન્ટથી દર સોમવારે પરત ફરશે. આ વ્યવસ્થાથી બંને દેશો વચ્ચે ધાર્મિક યાત્રા અને અન્ય કામકાજ માટે મુસાફરી કરતા લોકોને સીધો પરિવહન વિકલ્પ ઉપલબ્ધ થશે.
પ્રવાસન અને વેપારને મળશે વેગ
જનકપુર ધામ અને અયોધ્યા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ થવાથી ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળવાની આશા છે. ખાસ કરીને રામાયણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સરળ બનશે. આ ઉપરાંત શિક્ષણ, વેપાર અને પારિવારિક કારણોસર ભારત-નેપાળ વચ્ચે અવરજવર કરતા લોકોને પણ ફાયદો થશે. બિહાર અને નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે સામાજિક અને આર્થિક સંબંધો મજબૂત બનવાની શક્યતા છે. ટ્રેનના રૂટ પર પ્રવાસન, હોટેલ-હોસ્પિટાલિટી, સ્થાનિક વેપાર અને પરંપરાગત કારીગરી સાથે જોડાયેલા વ્યવસાયોને પણ લાભ થઈ શકે છે. આ નવી સેવા ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક તથા ધાર્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું બની શકે છે.






