મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નાલંદા યુનિ.માં 90 લાખથી વધુ પુસ્તકોને ખિલજીએ કેમ સળગાવી નાંખ્યા? જાણો પ્રાચીન યુનિવર્સિટીની રોચક વાત 

દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી. ઓક્સફોર્ડ યુનિ.ની સ્થાપનાથી પણ 500 વર્ષ પહેલા જેનું અસ્તિ

નાલંદા યુનિ.માં 90 લાખથી વધુ પુસ્તકોને ખિલજીએ કેમ સળગાવી નાંખ્યા? જાણો પ્રાચીન યુનિવર્સિટીની રોચક વાત 

દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી. ઓક્સફોર્ડ યુનિ.ની સ્થાપનાથી પણ 500 વર્ષ પહેલા જેનું અસ્તિત્વ હતું. દુનિયા જેને જ્ઞાનનું કેન્દ્ર માનતી હતી. અને 90 લાખથી વધુ પુસ્તકોનું ઘર મનાતી લાઈબ્રેરી ધરાવતી નાલંદા વિશ્વ વિદ્યાલયનો ઈતિહાસ 7 શતાબ્દિથી પણ લાંબો રહ્યો છે. 

નાલંદા વિશ્વની પ્રથમ આવાસીય યુનિવર્સિટી હતી. અહીં 300થી વધુ મોટા રૂમો, 7 મોટા હોલ અને 9 માળની લાયબ્રેરી હતી. જેનું નામ ધર્મગુંજ હતું. નાલંદા પુસ્તકાલયમાં 90 લાખથી વધુ હસ્તલિખિત, તાડપત્ર પાંડુલિપીઓમાં લખાયેલા પુસ્તકો હતા. 3 લાખથી વધુ પુસ્તકો હાજર હતા. જે બૌધિ જ્ઞાનનો દુનિયાનો સૌથી સમૃદ્ધ ભંડાર હતો. તુર્કીના મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીએ નાલંદા યુનિવર્સિટીમાં આગ લગાવી દીધી હતી. આ પરિસર એટલું મોટું હતું કે, હુમલાખોરો દ્વારા લગાડેલી આગ 3 મહિના સુધી ચાલુ રહી. હિન્દુ અને બૌદ્ધિ જ્ઞાનનો પ્રચાર અટકે તે માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ખોદકામ દરમિયાન 23 હેક્ટરમાં ફેલાયેલો હિસ્સો આજે પણ જોવા મળે છે. 

ચીની પ્રવાસી યુઆન શુઆંગના જણાવવા મુજબ રાજા શક્રાદિત્યે (કુમારગુપ્ત પહેલો) એક મઠ બાંધીને નાલંદાનો પાયો નાખ્યો. એના પુત્ર બુદ્ધગુપ્તરાજે (સ્કંદગુપ્ત) એમાં ઉમેરો કર્યો અને પૌત્ર તથા ગુપ્તરાજે (પરાગુપ્તે) તે કાર્ય આગળ વધાર્યું. ગુપ્તરાજના પુત્ર બાલાદિત્યરાજે (નરસિંહગુપ્ત, 468-472) અને તેના પુત્ર વજ્રે (કુમારગુપ્ત બીજો) વિહારનું બાંધકામ વિસ્તારી પૂર્ણ કર્યું. પાંચમી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા.  

નાલંદા વિદ્યાપીઠ 1.6 કિમી. લાંબા અને 0.80 કિમી. પહોળા વિસ્તારમાં ફેલાયેલી હતી. તેના મધ્યસ્થ મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો અને ત્રણસો નાના ખંડો હતા. વિહારનાં મકાનો અને સ્તૂપો આયોજનપૂર્વક બંધાયેલાં હતાં. મકાનો ભવ્ય અને બહુમાળી હતાં. આ યુનિવર્સિટીને તક્ષશિલા પછી વિશ્વની બીજી સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે. અહીં એક સાથે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 1,500થી વધુ શિક્ષકો તેમને ભણાવતા હતા. નાલંદા યુનિવર્સિટી વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી હોવાનું કહેવાય છે. તે 800 વર્ષ સુધી અસ્તિત્વમાં રહી હતી.

નિષ્ણાતોના મતે, 12મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓનો નાશ કરવામાં આવ્યો હતો. હવે 815 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ તે ફરીથી તેના જૂના સ્વરૂપમાં પાછી આવી રહી છે.

સમગ્ર એશિયામાંથી લોકો અહીં મેડિકલ, તર્કશાસ્ત્ર, ગણિત અને સૌથી અગત્યનું, બૌદ્ધ સિદ્ધાંતોનો અભ્યાસ કરવા આવતા હતા. એ સમયના સૌથી વિખ્યાત વિદ્વાનો દ્વારા આપવામાં આવ્યું હતું. દલાઈ લામાએ એક વખત કહ્યું હતું કે, 'નાલંદા અમને પ્રાપ્ત થયેલા તમામ બૌદ્ધ જ્ઞાનનો સ્ત્રોત છે'.

એવું માનવામાં આવે છે કે છઠ્ઠી સદીમાં, ભારતીય ગણિતના પિતા તરીકે ઓળખાતા આર્યભટ્ટે આ યુનિવર્સિટીનું નેતૃત્વ કર્યું હતું. બૌદ્ધ ઉપદેશો અને ફિલસૂફીનો પ્રચાર કરવા માટે યુનિવર્સિટી નિયમિતપણે તેના શ્રેષ્ઠ વિદ્વાનો અને પ્રોફેસરોને ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં મોકલતી હતી.

આ સમાચાર શેર કરો