કેન્દ્ર સરકાર અને EC બંને ભરાયા? રાહુલના ઘરે મળેલી હાઈ-વોલ્ટેજ બેઠક બાદ વિપક્ષે ફેંક્યો મોટો પાસો!

લ્હીમાં વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) અને 'વોટ ચોરી'ના વિરોધમાં યોજાયેલા વિશાળ 'માર્ચ ફોર ડેમોક્રેસી' બાદ વિપક્ષી ગઠબંધને સરકાર સામે મોરચો વધુ આક્રમક બનાવ્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના સરકારી નિવાસે મંગળવારે INDIA બ્લોકના સાંસદો, નાગરિક સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓ માટે 'હાઈ ટી' બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આગળની લડત તેજ કરવાનો સંકલ્પ લેવાયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડી. રાજા, સુપ્રિયા સુલે અને સાગરિકા ઘોષ સહિતના દિગ્ગજ નેતાઓએ એકસૂરે બંધારણ અને લોકતંત્ર પરના સંકટ સામે લડાઈ જારી રાખવાની જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીના નિવાસે દિગ્ગજોની 'હાઈ ટી' બેઠક અને સંયુક્ત પત્રકાર પરિષદ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સરકારી નિવાસે મંગળવારે બપોરે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે મેં INDIA ગઠબંધનના નેતાઓ, વિપક્ષી સાંસદો, વિદ્યાર્થી સંગઠનો અને સિવિલ સોસાયટીના સાથીઓને મારા ઘરે ચા પર બોલાવ્યા છે. લોકતંત્રની રક્ષાના આ જનઆંદોલનમાં આપણે સૌ સાથે છીએ અને આ આંદોલન સતત ચાલુ રહેશે. ચા પછી આપણે સૌ સાથે મળીને મીડિયા સમક્ષ આપણી વાત રાખીશું.’ આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ અને તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 'હાઈ ટી' બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ સરકાર વિરુદ્ધ રણનીતિ જાહેર કરી હતી.
દેશમાં લોકશાહી ખતમ, ચૂંટણી વ્યવસ્થા નષ્ટ : રાહુલ ગાંધી
બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘આ વિરોધ પ્રદર્શનનું એક જ લક્ષ્ય છે: ભારતમાં લોકશાહીની પુનઃસ્થાપના. આ દેશમાં લોકશાહી ખતમ થઈ ચૂકી છે. ચૂંટણી વ્યવસ્થા નષ્ટ કરી દેવામાં આવી છે. બંધારણને ફાડીને ફેંકી દેવામાં આવ્યું છે. અમે બધા સાથે મળીને આ દેશમાં લોકતાંત્રિક શાસન, વાસ્તવિક લોકતાંત્રિક શાસનને પુનઃસ્થાપિત કરવા માટે લડી રહ્યા છીએ.’
અમારી ટીમ અટકવાની નથી, લક્ષ્ય સુધી પહોંચીને જ રહેશે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં મેં કહ્યું હતું કે અમારી આ ટીમ કોઈ પણ ભોગે અટકવાની નથી. ભલે કાલે થાય, 3 મહિના પછી થાય કે 1-2 વર્ષ લાગે, પણ અમે લક્ષ્ય સુધી પહોંચીને જ રહીશું. અમે ત્યાં કેવી રીતે પહોંચીશું તેની ચોક્કસ વ્યૂહરચના હું અત્યારે જાહેર નહીં કરું, કારણ કે અમે દેશ માટે આ સરપ્રાઈઝ જાળવી રાખવા માંગીએ છીએ. પણ એટલી ખાતરી ચોક્કસ આપું છું કે જે ઉત્સાહ, ઊર્જા અને એકતા સાથે અમે એકઠા થયા છીએ, તે જ લડાયક મિજાજ સાથે લડત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશ (CJI) અને ન્યાયતંત્ર પ્રત્યે અમને પૂરો આદર છે અને તેઓ પોતાની ભૂમિકા ચોક્કસ ભજવશે તેવી અમને આશા છે. જોકે, અમે રાજકીય લોકો છીએ; કોઈ સંસ્થા પોતાની ભૂમિકા ભજવે કે ન ભજવે, જનતાનો અને અમારો આ રાજકીય વિરોધ જારી રહેશે અને અંતે સત્યનો જ વિજય થશે.’
CEC, મોદી અને શાહ સામે લડત ચાલુ રહેશે : સંજય રાઉત
રાહુલ ગાંધીના નિવાસે મળેલી હાઈ ટી બેઠક બાદ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, ‘રાહુલજીએ આ બેઠક બોલાવી હતી અને તમામને આમંત્રણ આપ્યું હતું-હાઈ ટી માટે નેતાઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા અને તે ખૂબ જ સારી બેઠક રહી હતી. આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ભવિષ્યની દિશા તેમજ દરેકના પોતપોતાના મંતવ્યો અને સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા; જોકે, CEC જ્ઞાનેશ કુમાર, મોદીજી અને શાહજી સામેનો આ ચાલુ સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે, રાષ્ટ્રીય રાજધાનીમાં તેમજ અન્ય સ્થળોએ પણ…’
ખડગેએ 'વોટ ચોરી'ના આક્ષેપ સાથે PM મોદી પર કર્યા પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘છેલ્લા 4 દિવસમાં INDIA ગઠબંધન દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમોની જબરદસ્ત સફળતા તમે બધાએ જોઈ છે. રાહુલ ગાંધીજી અને અન્ય નેતાઓએ લોકોના પ્રશ્નોને અત્યંત ગંભીરતાથી ઉઠાવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો બહુ ઓછા પ્રસંગોએ સામે આવે છે. દિલ્હીમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે યુવાનો અને સામાન્ય નાગરિકો પોતાની પહેલ પર આટલી મોટી સંખ્યામાં એકજૂટ થયા છે. આ બધું તમે પોતે જોયું છે, તેથી હું તેના પર વધુ વિગતવાર વાત કરવા માંગતો નથી. હવે દરેક વ્યક્તિ વડાપ્રધાન મોદીની વોટ ચોરીની યોજનાનો સંપૂર્ણ પર્દાફાશ કરવા તૈયાર છે.’
વિરોધ પ્રદર્શનો તો થશે જ, તમે તેને કચડી ન શકો : ડી. રાજા
બેઠકમાંથી બહાર આવ્યા બાદ CPIના મહાસચિવ ડી. રાજાએ જણાવ્યું કે, ‘અમે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે કે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે અભિયાનને કેવી રીતે આગળ ધપાવવું. આ સમયગાળા દરમિયાન આખો દેશ આંદોલિત છે, દેશભરના લોકો ગુસ્સામાં છે અને વિરોધ કરી રહ્યા છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, આ આપણું શહેર છે, પરંતુ દરેક જગ્યાએ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનો તો થશે જ, તમે તેને કચડી ન શકો. હવે જંતર-મંતરને ડીનોટિફાઇ કરવામાં આવ્યું છે, જેની અમે નિંદા કરીએ છીએ. તે વિરોધ પ્રદર્શનનું સ્થળ જ રહેવું જોઈએ… તેઓ લોકોને ક્યાં જવા દેવા માંગે છે? જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે પાછું મેળવવા અમે લડીશું… લોકોને અસહમતિ વ્યક્ત કરવાનો અધિકાર છે.’
અમારી લડત સતત ચાલુ રહેશે : સુપ્રિયા સુલે
NCP (SP)ના સાંસદ સુપ્રિયા સુલેએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘અમે INDIA બ્લોક સાથે મક્કમતાથી ઊભા છીએ. આજે દેશમાં બંધારણને નબળું પાડવામાં આવી રહ્યું છે અને તે જોખમમાં છે. તેથી જ અમારી આ લડત સતત ચાલુ રહેશે.’
સાગરિકા ઘોષે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
TMC સાંસદ સાગરિકા ઘોષે ચૂંટણી પંચની ભૂમિકા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘દિવસેને દિવસે એ વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળનું ચૂંટણી પંચ ભારતમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. જ્યાં સુધી જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળનું ચૂંટણી પંચ રહેશે, ત્યાં સુધી ભારતમાં કોઈ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી નહીં થઈ શકે…’
રાજસ્થાનમાં મોટું વિરોધ પ્રદર્શન કરવાની CJPની જાહેરાત
આ રાજકીય ગરમાવા વચ્ચે, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સૌરવ દાસ પોતાના કેટલાક મિત્રો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા, જ્યાંથી દિલ્હી પોલીસે તેમની અને સહ-સંયોજક આશુતોષ રાંકાની અટકાયત કરી હતી. CJPએ સોમવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેઓ આગામી 10 દિવસમાં રાજસ્થાનમાં એક મોટું વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ પ્રદર્શન પોલીસ દ્વારા વિદ્યાર્થી કાર્યકરો અને સામાજિક કાર્યકરોની કથિત અટકાયત, નજરકેદ અને મારપીટ સામે કરવામાં આવશે.








