ગુજરાતથી UP સુધી ભાજપ સામે કેમ ગુસ્સે છે ક્ષત્રિયો, ટિકિટ કપાવવા સિવાય બીજુ શું છે કારણ?
ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યમાં ભાજપની વધતી તાકાતનો આધાર ક્ષત્રિયોને પણ માનવામાં આવે છે.

ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યમાં ભાજપની વધતી તાકાતનો આધાર ક્ષત્રિયોને પણ માનવામાં આવે છે. ખાસ કરીને સવર્ણોનું સમર્થન ભાજપને મોટા પાયે મળી રહ્યું છે અને યોગી આદિત્યનાથ જેવા નેતા બાદ ક્ષત્રિયોના મત ભાજપમાં શિફ્ટ થયા છે. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી છે અને ક્ષત્રિય સમાજના જ રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી છે.
આ સિવાય ભાજપના અનેક મોટા નેતાઓ આ સમાજમાંથી આવે છે, તેમ છતા લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ યુપીના કેટલાક જિલ્લામાં ક્ષત્રિય સમાજની મહાપંચાયતો થઇ છે જેમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ ભાજપનો કેમ થઇ રહ્યો છે વિરોધ
ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા મહાપંચાયતો કરીને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પંચાયતોમાં પશ્ચિમ યુપી સિવાય હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પહોંચ્યા હતા. આ પંચાયતોમાં મેરઠ અને સહારનપુરમાં કોઇ ઠાકુર નેતાને લોકસભાની ટિકિટ આપવામાં ના આવતા આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. આ મીટિંગમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને અપીલ કરવામાં આવી કે ક્ષત્રિયોને નજરઅંદાજ ના કરો પરંતુ સત્તામાં હોવાને કારણે ભાજપ પ્રત્યે ગુસ્સો વધારે જોવા મળ્યો હતો. આ પંચાયતોને બોલાવવા પાછળ કેટલાક નેતાઓએ કહ્યું કે સહારનપુરથી લઇને નોઇડા સુધી કોઇ પણ રાજપૂત નેતાને ટિકિટ ના આપતા ખોટો મેસેજ ગયો છે. એવામાં આપણે ભાજપને પોતાની તાકાત બતાવવી જોઇએ.
ગાઝિયાબાદના વીકે સિંહ સાંસદ હતા પણ તેમની પણ ટિકિટ કાપવામાં આવતા વિરોધ વધારે જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં પણ ક્ષત્રિયો કરી રહ્યાં છે વિરોધ
ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે અને મોદી સરકારના મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને લઇને ટિપ્પણી કરી હતી જે બાદ તેમનો વિરોધ થઇ રહ્યો છે. જોકે, આ ઘટના અંગે રૂપાલાએ માફી પણ માંગી લીધી છે.








