‘ટ્રમ્પ સામે સરેન્ડર કોણે કર્યું?’ અભિજીત દીપકે PM મોદી પર કર્યા આકરા પ્રહાર

કોચ્ચિમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision-SIR)ના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. શનિવારે યોજાયેલા ‘જંતર-મંતર એટ કોચ્ચિ’ કાર્યક્રમમાં તેમણે ભારતની અમેરિકા સાથેની નીતિઓ, રશિયા પાસેથી તેલની ખરીદી અને SIRનો વિરોધ કરી રહેલા યુવાનોને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી.
‘ટ્રમ્પની માંગ સામે કોણ ઝૂક્યું?’
CJPને વિદેશી તાકાતો દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હોવાના આરોપોનો જવાબ આપતાં દીપકેએ વડાપ્રધાન મોદી પર જ દેશના હિતો સાથે સમાધાન કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, “ટ્રમ્પ સામે સરેન્ડર કોણે કર્યું? ટ્રમ્પના કહેવાથી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કોણ સંમત થયું?” દીપકેએ ભારત-અમેરિકા વેપાર સમજૂતી (Trade Agreement) અને ટેરિફ (Tariff)નો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે ભારતને 18 ટકા ટેરિફનો સામનો કરવો પડ્યો છે, જ્યારે અમેરિકન ઉત્પાદનો માટે શૂન્ય ટકા ટેરિફની વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે અમેરિકાના દબાણ સામે ઝૂકીને દેશના હિતો સાથે સમાધાન કર્યું છે.
ગાંધી, આંબેડકર અને નેહરુનો ઉલ્લેખ
દીપકેએ મહાત્મા ગાંધી, ડૉ. ભીમરાવ આંબેડકર અને પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરીને તેમને ભારતની આત્મા, કરોડરજ્જુ અને મગજ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી આ ત્રણેય મહાન નેતાઓના યોગદાનની બરાબરી કરી શકે તેમ નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે મોદી 120 વર્ષ સુધી સત્તામાં રહે તો પણ આ નેતાઓના યોગદાનથી મોટા બની શકે નહીં.
SIRનો વિરોધ કરતા યુવાનોને બદનામ કરવાનો આરોપ
SIR સામે પ્રદર્શન કરી રહેલા યુવાનોને ક્યારેક પાકિસ્તાન સમર્થક, તો ક્યારેક અમેરિકા સમર્થક અથવા અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવતા હોવાના આરોપો લગાવવામાં આવતા હોવાનો દીપકેએ દાવો કર્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. દીપકેએ કહ્યું હતું કે લોકશાહીમાં સરકાર બદલવાનો માર્ગ ચૂંટણી વ્યવસ્થા દ્વારા જ નક્કી થાય છે. યુવાનોના લોકતાંત્રિક વિરોધને આ રીતે નકારી કાઢવો યોગ્ય નથી.
વડાપ્રધાનના અંગત જીવન અંગે પણ ટિપ્પણી
પ્રદર્શન દરમિયાન દીપકેએ વડાપ્રધાનના અંગત જીવન અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનને દેશનાં બાળકો અને યુવાનોની સમસ્યાઓની પૂરતી ચિંતા નથી. CJP દ્વારા આયોજિત આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મતદાર યાદીની SIR પ્રક્રિયા રદ કરવાની માગણી કરવાનો હતો. દીપકે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની નીતિઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.










