સ્ટ્રોંગ રૂમનું તાળું કોણ ખોલે છે? કેવી રીતે થાય છે મતગણતરી, કાઉન્ટિંગ બાદ EVMનું શું થશે?
લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે મતગણતરીના દિવસે શું 

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે મતગણતરીના દિવસે શું થાય છે? મતોની ગણતરી કેવી રીતે થાય છે અને કોણ કરે છે, મતગણતરી કેન્દ્રની અંદર કોણ જઈ શકે છે? મતગણતરી બાદ EVMનું શું થશે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.
સ્ટ્રોંગ રૂમનું તાળું કોણ ખોલે છે?
મતગણતરીના દિવસે સવારે 7 વાગ્યાની આસપાસ દરેક પક્ષના ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમના તાળા ખોલવામાં આવે છે. આ દરમિયાન ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર અને સ્પેશિયલ ઓબ્ઝર્વર પણ હાજર રહે છે. સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે છે. આ પછી EVMના કંટ્રોલ યુનિટ (CU)ને કાઉન્ટિંગ ટેબલ પર લાવવામાં આવે છે. આ પ્રક્રિયાની પણ વીડિયોગ્રાફી કરવામાં આવે છે. સીસીટીવી દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવે છે.
દરેક કંટ્રોલ યુનિટની યુનિક ID અને સીલ ટેબલ પર મૂક્યા પછી મેચ થાય છે. તે દરેક ઉમેદવારના પોલિંગ એજન્ટને પણ બતાવવામાં આવે છે. આ પછી, કંટ્રોલ યુનિટમાં બટન દબાવ્યા પછી, દરેક ઉમેદવારનો મત EVMમાં તેના નામની બાજુમાં દેખાવા લાગે છે.
મતગણતરીના કર્મચારીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
કોઈપણ મતગણતરી કેન્દ્રના એક હોલમાં કુલ 15 ટેબલો હોય છે. મતગણતરી માટે 14 ટેબલ અને રિટર્નિંગ ઓફિસર માટે એક ટેબલ હોય છે. કયો કર્મચારી કયા ટેબલ પર મતગણતરી કરશે તે ગુપ્ત રાખવામાં આવે છે. મતગણતરીના દિવસે, સવારે 5-6 વાગ્યાની વચ્ચે, દરેક જિલ્લાના ચૂંટણી અધિકારી કર્મચારીઓને રેન્ડમ રીતે હોલ અને ટેબલ ફાળવે છે.
મતગણતરી કેટલા વાગ્યે શરૂ થાય છે?
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થાયશે. રિટર્નિંગ ઓફિસરને કોઈપણ ખાસ સંજોગોમાં સમય આગળ અને પાછળ બદલવાની સત્તા છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે. તે લગભગ 30 મિનિટ લે છે.
મતગણતરી કેન્દ્રમાં કેટલા એજન્ટો હોય છે?
ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ મતગણતરી સ્થળના દરેક હોલમાં દરેક ટેબલ પર ઉમેદવાર વતી એક એજન્ટ હાજર હોય છે. કોઈપણ એક હોલમાં 15થી વધુ એજન્ટ હોઈ શકે નહીં.
એજન્ટ કોણ પસંદ કરે છે?
દરેક ઉમેદવાર પોતાનો એજન્ટ પસંદ કરે છે અને તેનું નામ, ફોટોગ્રાફ વગેરે જેવી બાબતો જિલ્લા ચૂંટણી અધિકારી સાથે શેર કરે છે. મતગણતરી તારીખના એક દિવસ પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી દરેક ઉમેદવારના એજન્ટનું નામ તેમના ફોટા સાથે જાહેર કરે છે.
મતગણતરી કેન્દ્રની અંદર કોણ જઈ શકે છે?
માત્ર મતગણતરી સ્ટાફ, રિટર્નિંગ ઓફિસર, સુરક્ષા કર્મચારીઓ અને એજન્ટો જ મતગણતરી કેન્દ્રની અંદર જઈ શકશે. જ્યાં સુધી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ ઉમેદવારના એજન્ટને બહાર જવા દેવામાં નથી આવતા. મતગણતરી દરમિયાન તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ સિવાય કોઈને પણ અંદર મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી નથી.
રિકાઉન્ટિંગ ક્યા સંજોગમાં થાય છે?
જો કોઈપણ ઉમેદવાર અથવા તેના એજન્ટને ડેટામાં કોઈ વિસંગતતા/ભૂલની શંકા હોય, તો તે રિકાઉન્ટિંગની માંગ કરી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જ્યાં સુધી પરિણામ સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી કોઈપણ ઉમેદવાર રિકાઉન્ટિંગની માંગ કરી શકે છે.
જીત અને હાર કોણ જાહેર કરે છે?
ચૂંટણી આચારના નિયમોના નિયમ 63 મુજબ, મતગણતરી પૂર્ણ થયા પછી, રિટર્નિંગ ઓફિસર રિઝલ્ટ શીટમાં દરેક ઉમેદવારને મળેલા મતનો ડેટા દાખલ કરે છે અને પછી પરિણામ જાહેર કરે છે. આ સાથે વિજેતા ઉમેદવારને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.
મતગણતરી બાદ EVMનું શું થશે?
મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. નિયમ મુજબ મતગણતરી બાદ 45 દિવસ સુધી ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં જ રાખવાના હોય છે. આ પછી તેને અન્ય સ્ટોરમાં શિફ્ટ કરવામાં આવે છે.







