Video: 'વેપારીઓનું નુકસાન કોણ કરી રહ્યું છે?', કનોટ પ્લેસમાં દુકાનો બંધ કરાવવા મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધન દ્વારા આયોજિત મહારેલીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, દિલ્હીના કનોટ પ્લેસમાં ભાજપે બળજબરીપૂર્વક તમામ દુકાનો બંધ કરાવી દીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, આખરે વેપારીઓનું નુકસાન કોણ કરી રહ્યું છે?
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે મહારેલી અને માર્ચમાં ભાગ લેવા દિલ્હી આવતા લોકોને સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાની અપીલ કરી હતી. જોકે, કનોટ પ્લેસ પહોંચતા જાણવા મળ્યું કે ભાજપે તમામ દુકાનો બળજબરીથી બંધ કરાવી દીધી છે. વેપારીઓને નુકસાન કેવી રીતે થઈ રહ્યું છે તે લોકોએ સમજવું જોઈએ.
આ અગાઉ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રેલીમાં ભાગ લેવા દિલ્હી આવતા લોકોને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિવાળી, છઠ અને ભાઈબીજના તહેવારોના સમયે લાખો લોકો દિલ્હી આવશે. જો તેઓ નાની-મોટી દુકાનોમાંથી ખરીદી કરશે તો સ્થાનિક વેપારીઓને આર્થિક ફાયદો થશે. તેમણે લોકોને વિરોધ પ્રદર્શન, માર્ચ અને રેલીની સાથે થોડી ખરીદી કરવાની પણ અપીલ કરી હતી.








