સરકારી યોજનાના લાભ માટે આધારનું સ્થાન મતદાર કાર્ડ લેશે : કેન્દ્રીય મંત્રી

સરકારી યોજનાઓ કે અન્ય સહાયના લાભાર્થીઓ અત્યાર સુધી આધાર કાર્ડના આધારે બેન્ક ખાતામાં નાણા મેળવતા હતા, જોકે હવે આધાર કાર્ડના સ્થાને ટૂંક સમયમાં ચૂંટણી કાર્ડ (એપિક) નંબરનો ઉપયોગ કરવામાં આવશે, આ જાહેરાત કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહ ઉર્ફે લલનસિંહે કરી હતી. હવે ગલી ગલીએ આધાર કાર્ડ મળી રહ્યા છે. જેનું કહો તેનું પાંચ મિનિટમાં આધાર કાર્ડ બની જાય છે.
કેન્દ્રીય પંચાયતી રાજ, ફિશરિઝ વગેરે બાબતોના મંત્રી લલનસિંહે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્તરના એક વર્કશોપમાં પોતાનું ભાષણ આપતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે દરેક ગલીમાં આધાર કેન્દ્રો છે, પાંચ જ મિનિટમાં કોઇને પણ આધાર કાર્ડ ઇશ્યૂ કરવું શક્ય છે. હવે લાભાર્થીઓ સુધી તેમનો લાભ પહોંચાડવા માટે આધારકાર્ડનો ઉપયોગ નહીં થાય. હવેથી નાગરિકનું વોટિંગ કાર્ડ જ તેમનું આધાર કાર્ડ ગણાશે. હવેથી વોટર કાર્ડ નંબરના આધારે જ લાભાર્થીઓના નાણા જમા કરવામાં આવશે.
લલનસિંહનું આ નિવેદન બાદમાં ચર્ચાનો વિષય બન્યું હતું, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ મુદ્દે સરકાર પર ટોણો માર્યો હતો. રાહુલે લલનસિંહના આધાર અંગેના નિવેદનનો વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે સરકારે અનેક મતદારોના નામ રદ કરી નાખ્યા છે, વોટર કાર્ડના આધારે જ રાશન, પેંશન, મનગેરા જેવી યોજનાઓનો લાભ મળશે તો જેમના નામ રદ થઇ ગયા છે તેઓ વંચિત રહી જશે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે બાળકો પણ લાભાર્થી હોય છે જેમના નામે હાલ વોટર આઇડી નથી હોતું, તો શું તેમને મિડ ડે મીલ જેવો લાભ નહીં મળે? વિવાદ વચ્ચે લલનસિંહે એક વીડિયો જાહેર કર્યો હતો અને બાદમાં દાવો કર્યો હતો કે આધાર કાર્ડને સંપૂર્ણ રીતે હટાવવામાં નથી આવી રહ્યું, પરંતુ પારદર્શિતા માટે બાયોમેટ્રિક અને વોટર આઇડીને જોડવામાં આવ્યા છે. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે તેમના શાસન સમયે ૧૦૦ રૂપિયામાંથી માત્ર ૧૫ રૂપિયા જનતા સુધી પહોંચે છે, જ્યારે મોદી સરકારના શાસનમાં પુરા ૧૦૦ રૂપિયા લાભાર્થી સુધી પહોંચે છે.




