કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: જૂન 2027 સુધીમાં તમામ સરકારી શાળાઓમાં શરૂ થશે દ્વિભાષી શિક્ષણ

કર્ણાટક સરકારે શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં જૂન2027 સુધીમાં રાજ્યની તમામ સરકારી શાળાઓમાં દ્વિભાષી (બાઇલિન્ગ્યુઅલ) શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાનો મોટો નિર્ણય લીધો છે. હાલ રાજ્યની 9,500થી વધુ શાળાઓમાં આ પ્રણાલી કાર્યરત છે ત્યારે સમગ્ર રાજ્યમાં તેનો વ્યાપ વધારવાની યોજના હતી, પરંતુ પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ અને યોગ્ય શિક્ષકો ઉપલબ્ધ ન હોવાને કારણે સરકાર ચાલુ શૈક્ષણિક સત્રને બદલે આગામી વર્ષથી તેનો અમલ કરશે તેવી સ્પષ્ટતા શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રી મધુ બંગારપ્પાએ કરી છે.
તાજેતરમાં યોજાયેલા ‘નમ્મા શાલે નમ્મા જવાબદારી’ કાર્યક્રમમાં ખાનગી શાળાઓના પ્રતિનિધિઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, "આગામી વર્ષથી અમે તમામ સરકારી શાળાઓમાં દ્વિભાષી શિક્ષણ ઉપલબ્ધ કરાવીશું."
તેમણે ઉમેર્યું હતું કે વિભાગે સ્થાનિક સત્તાવાળાઓને જરૂરી માળખાગત સુવિધાઓ તૈયાર રાખવાની સૂચના આપી દીધી છે. મોટાભાગની શાળાઓમાં પહેલાથી જ વધારાના વર્ગખંડો ઉપલબ્ધ છે, જેથી સરકારે માત્ર શિક્ષકોની વ્યવસ્થા કરવાની રહેશે.
સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરવાનો અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યા (એનરોલમેન્ટ) વધારવાનો છે. ધોરણ ૧ થી શરૂ કરીને પ્રાથમિક સ્તરથી જ દ્વિભાષી શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
વિભાગે હાલમાં ૧૦,૦૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમને કન્નડ અને અંગ્રેજી બંને માધ્યમના વર્ગો સંભાળવા માટે ખાસ તાલીમ આપવામાં આવશે.
રાજ્યની કુલ ૪૬,૭૫૭ સરકારી શાળાઓમાંથી હાલમાં ૯,૫૨૨ શાળાઓ દ્વિભાષી છે. તે પૈકીની આશરે ૭,૫૦૦ સરકારી શાળાઓમાં LKG અને UKG (પ્રી-સ્કૂલ) વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને આ તમામ શાળાઓ દ્વિભાષી શિક્ષણ આપી રહી છે.
મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, "અગાઉ LKG અને UKG વર્ગો ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકો સરકારી શાળાઓ તરફ આકર્ષાતા નહોતા, જેના લીધે વાલીઓ તેમને ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બનતા હતા. પૂર્વ-પ્રાથમિક (કિન્ડરગાર્ટન) અને દ્વિભાષી શિક્ષણની શરૂઆત પછી 'કલ્યાણ કર્ણાટક' વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રવેશમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે કલ્યાણ કર્ણાટક ક્ષેત્રની ૧,૦૦૮ સરકારી શાળાઓમાં LKG અને UKG વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર ૪૨ દિવસમાં ૪૮,૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો."
રાજ્ય શિક્ષણ નીતિ આયોગે પણ દ્વિભાષી શિક્ષણની ભલામણ કરી છે. બીજી તરફ, કેટલાક શિક્ષણવિદોએ સરકારી શાળાઓમાં દ્વિભાષી શિક્ષણ દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે અને દલીલ કરી છે કે તેનાથી કન્નડ માધ્યમની શાળાઓનું અસ્તિત્વ જોખમાશે.
આ અંગે સ્પષ્ટતા કરતા મધુ બંગારપ્પાએ ઉમેર્યું કે, "શિક્ષણનું માધ્યમ પસંદ કરવાનો અધિકાર વાલીઓ પાસે છે. અમે તેમના પર કોઈ દબાણ ન કરી શકીએ, પરંતુ અમે કન્નડ અને અંગ્રેજી બંને વિકલ્પો આપી શકીએ છીએ. પસંદગી કરવાનો અધિકાર તેમનો છે."
નોંધનીય છે કે સરકારી શાળાઓમાં દ્વિભાષી શિક્ષણની જાહેરાત સૌપ્રથમ એચ. ડી. કુમારસ્વામીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કરી હતી.
બેંગલુરુની વાત કરીએ તો, બેંગલુરુ ઉત્તર અને બેંગલુરુ દક્ષિણની ૧,૪૬૫ સરકારી શાળાઓમાંથી ૧,૧૦૩ શાળાઓને દ્વિભાષી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ધોરણ ૧ થી શરૂ થતી શાળાઓમાં બેંગલુરુ દક્ષિણમાં ૭૩૦ અને બેંગલુરુ ઉત્તરમાં ૩૭૩ શાળાઓ સામેલ છે. ગયા વર્ષે ૩૩ શૈક્ષણિક જિલ્લાઓમાંથી ૧૧,૫૫૫ શાળાઓએ અરજી કરી હતી, જેમાંથી સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી દરેક તાલુકાની પ્રથમ ૧૫ શાળાઓને દ્વિભાષી શિક્ષણ આપવા માટે પસંદ કરવામાં આવી હતી.














