Video: કાશ્મીરની યુવતીએ માત્ર બે મહિનામાં ૧૧ લાખ રૂપિયાનું રેવન્યુ મેળવી રચ્યો નવો ઇતિહાસ!

કાશ્મીરમાં જોવા મળી ફૂલોની નવી ક્રાંતિ
કાશ્મીરની યુવતીએ માત્ર બે મહિનામાં ૧૧ લાખ રૂપિયાનું રેવન્યુ મેળવી રચ્યો નવો ઇતિહાસ!
ટ્યુલિપ પછી હવે ઓટમ અને વિન્ટર સિઝનમાં પણ કાશ્મીરી બગીચાઓ ખીલી ઉઠ્યા!
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજીમાંથી એક અત્યંત પ્રેરણાદાયી અને ગર્વ લેવા જેવો અહેવાલ સામે આવ્યો છે. અહીં હોર્ટિકલ્ચરની પઢાઈ કરી રહેલી યુવતી અને ઉભરતી ઉદ્યોગસાહસિક જાન અર્બીના રૂફે કાશ્મીરની ઋતુને ધ્યાનમાં રાખીને એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સામાન્ય રીતે કાશ્મીરમાં વસંતઋતુમાં ટ્યુલિપ ફૂલોથી બગીચાઓ મહેંકી ઉઠે છે, પરંતુ પાનખર અને શિયાળાની ઋતુમાં બગીચાઓ સૂકા થઈ જતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે તેણે ક્રાયેન્થેમમની ૧૯ અદ્ભુત અને ડ્વાર્ફ મલ્ટીફ્લોરા જાતો વિકસાવી છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ફ્લોરિકલ્ચર વિભાગના વડા તથા અન્ય નિષ્ણાતોના સચોટ માર્ગદર્શન અને સપોર્ટથી અર્બીનાએ આ પ્રોજેક્ટ હેઠળ આશરે ૧ લાખ ૫૦ હજાર જેટલું ગુણવત્તાસભર પ્લાન્ટિંગ મટિરિયલ તૈયાર કર્યું છે. યુનિવર્સિટીના ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ સેન્ટરની મદદથી તેણે પોતાના આ વિચારને એક સફળ બિઝનેસ એન્ટરપ્રાઈઝમાં પરિવર્તિત કર્યો છે. માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં તેણે આ સ્ટાર્ટઅપ દ્વારા અંદાજે ૧૧ લાખ રૂપિયાનું રેવન્યુ જનરેટ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ સિદ્ધિ વિશે વાત કરતા જાન અર્બીનાએ જણાવ્યું કે શરૂઆતમાં કેટલાક પડકારો જરૂર આવ્યા હતા, પરંતુ પરિવારના ભાવનાત્મક સાથ અને યુનિવર્સિટીના પ્રોફેસરોની કમિટેડ મોનિટરિંગ તથા મેન્ટરશિપને કારણે તે આગળ વધી શકી. તેની આ કંપની એઆરજે ઇનોવેશન દ્વારા તૈયાર કરાયેલા છોડ હવે કાશ્મીરના બગીચાઓને નવજીવન આપી રહ્યા છે અને પ્રવાસન ક્ષેત્રને પણ ઓટમ તથા વિન્ટર સિઝનમાં મોટો ટેકો પૂરો પાડી રહ્યા છે. અર્બીના માને છે કે આજની યુવા પેઢીએ માત્ર સરકારી નોકરીઓ પાછળ દોડવાને બદલે પોતાના મૌલિક વિચારો સાથે આગળ આવવું જોઈએ. ભારત સરકારની વિવિધ યોજનાઓ અને યુનિવર્સિટીઓના સપોર્ટથી યુવાનો જોબ સીકર બનવાને બદલે જોબ પ્રોવાઇડર બની શકે છે. ખાસ કરીને યુવતીઓ માટે તેણે સંદેશ આપ્યો છે કે જો દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ હોય, તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવીને સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી શકે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી










