'હિંદુત્વ નફરત ફેલાવે છે, તેનાથી દૂર રહો' — દિગ્વિજય સિંહનું વિવાદિત નિવેદન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે 'હિંદુત્વ' અંગે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે લોકોને હિંદુત્વથી દૂર રહેવાની સલાહ આપી છે અને દાવો કર્યો છે કે જેઓ હિંદુત્વ તરફ આકર્ષાય છે, તેમના હૃદય અને મનમાં નફરત હોય છે. 'સનાતન ધર્મ' અને હિંદુત્વ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સનાતન ધર્મને હિંદુત્વના આવરણ હેઠળ રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો આ બાબત યોગ્ય રીતે સ્પષ્ટ કરવામાં નહીં આવે, તો લોકો કદાચ હિંદુત્વને અપનાવી બેસશે.
દિગ્વિજય સિંહે આ નિવેદન તેમની 'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા' દરમિયાન કર્યું હતું. તેમણે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની લગભગ ૧,૦૦૦ કિલોમીટરની આ 'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા' શરૂ કરી છે. યાત્રાના પ્રથમ તબક્કા બાદ તેઓ તેમના વતન રાઘોગઢ પહોંચ્યા, જ્યાં તેમના પુત્ર જયવર્ધન સિંહે આ યાત્રાનું સ્વાગત કર્યું. ત્યાં એક સભાને સંબોધતા દિગ્વિજય સિંહે હિન્દુત્વ અને સનાતન ધર્મ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે મંચ પર તેમનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત હતો.




