Video: વારાણસીથી દિલ્હી સાડા ત્રણ કલાકમાં: બુલેટ ટ્રેનનું ટાઇમટેબલ જાહેર, જાણો તમારા શહેર વચ્ચે કેટલો સમય બચશે!

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભારતીય રેલવેના આધુનિકીકરણ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંજૂર કરવામાં આવેલો બુલેટ ટ્રેનનો ઉત્તરીય કોરિડોર (Northern Corridor) દેશને આગામી દાયકાઓ સુધી જ નહીં, પરંતુ એક સદી સુધી વિશાળ આર્થિક અને સામાજિક લાભ આપશે.
રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે નોર્ધન કોરિડોર કાર્યરત થતાં ઉત્તર ભારતના મુખ્ય શહેરો વચ્ચેનો પ્રવાસ સમય આશ્ચર્યજનક રીતે ઘટી જશે. તેમણે વિવિધ રૂટ પર લાગનારા અંદાજિત સમયની વિગતો આપતાં જણાવ્યું હતું કે:
-
દિલ્હીથી આગ્રા: માત્ર ૫૯ મિનિટ
દિલ્હીથી કાનપુર: ૧ કલાક ૪૫ મિનિટ
દિલ્હીથી લખનઉ: ૨ કલાક ૧૨ મિનિટ
વારાણસીથી પ્રયાગરાજ: માત્ર ૩૩ મિનિટ
વારાણસીથી પટના: ૧ કલાક
વારાણસીથી લખનઉ: ૧ કલાક ૨૧ મિનિટ
વારાણસીથી આગ્રા: ૨ કલાક ૩૪ મિનિટ
વારાણસીથી દિલ્હી: ૩ કલાક ૩૩ મિનિટ
અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું કે, "આ મહત્વપૂર્ણ ઉત્તરીય કોરિડોર આગામી વર્ષોમાં એક સંપૂર્ણ પરિવર્તન લાવશે. આ સુવિધાથી મધ્યમ વર્ગના પરિવારો, વંચિત વર્ગ, યુવાનો, નાના ઉદ્યોગસાહસિકો અને MSME ક્ષેત્રને અભૂતપૂર્વ લાભ અને સુવિધા મળશે."
આ ઉપરાંત તેમણે લાંબા અંતરની મુસાફરી માટે તૈયાર કરાયેલી નવી ટ્રેનો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, 'વંદે ભારત' સ્લીપર ટ્રેનો પણ મુસાફરો માટે અત્યંત સુવિધાજનક સાબિત થશે. તેનાથી યાત્રીઓ રાત્રે બનારસથી નીકળીને સવારે દિલ્હી પહોંચી શકશે અથવા દિલ્હીથી રાત્રે ઉપડીને સવારે વારાણસી પહોંચી શકશે, જેનાથી પ્રવાસીઓનો કિંમતી સમય બચશે.









