મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'લોરેન્સ બિશ્નોઇ જેલમાંથી ચલાવે છે નેટવર્ક', કેનેડા અને ડોભાલની સીક્રેટ મીટિંગ થઇ હોવાનો US રિપોર્ટમાં દાવો

કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નવા આરોપોએ બળતામાં ઘી હોમ

'લોરેન્સ બિશ્નોઇ જેલમાંથી ચલાવે છે નેટવર્ક', કેનેડા અને ડોભાલની સીક્રેટ મીટિંગ થઇ હોવાનો US રિપોર્ટમાં દાવો

કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નવા આરોપોએ બળતામાં ઘી હોમ્યું છે. ટ્રુડોનું કહેવું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર અને ખાલિસ્તાની નેતાઓ પર હુમલા કરવા માટે ભારત લોરેન્સ બિશ્નોઇ ગેન્ગની મદદ લઇ રહ્યું છે. આ વચ્ચે અમેરિકન અખબારના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગત મહિને ભારત અને કેનેડાની એક સીક્રેટ મીટિંગ થઇ હતી. ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોબાલ ગત અઠવાડિયે સિંગાપુરમાં હતા જ્યાં કેનેડાના અધિકારીઓ સાથે તેમની સીક્રેટ મીટિંગ થઇ હતી. આ મીટિંગમાં કેનેડિયન અધિકારીઓએ લોરેન્સ બિશ્નોઇ ગેન્ગને લઇને વાત કરી હતી.

મહારાષ્ટ્રના નેતા અને NCP (અજિત પવાર જૂથ)ના ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાની ઘટનાને લઇને લોરેન્સ બિશ્નોઇ ચર્ચામાં છે. તે અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે પરંતુ તે પોતાના 700થી વધુ શૂટર્સથી જેલમાં બેસીને ઘટનાને અંજામ આપે છે અને તેનું નેટવર્ક વિદેશમાં પણ ફેલાયેલું છે. બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હાથ હોવાની આશંકા છે. આ વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને બીજા ખાલિસ્તાની નેતાઓ પર હુમલાને લઇને કેનેડા સરકારે ભારત પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. કેનેડાનું કહેવું છે કે ભારતના ઇશારા પર લોરેન્સ બિશ્નોઇ અને તેમના સહયોગી મળીને કેનેડામાં આ બધુ કરી રહ્યાં છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અજિત ડોભાલ સાથે મીટિંગમાં કેનેડા સરકારે લોરેન્સ બિશ્નોઇના ઇનવોલ્વમેન્ટ પર ભાર મુક્યો છે. એક કેનેડિયન અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું કે મીટિંગ દરમિયાન પહેલા તો અજિત ડોબાલે એવું જણાવ્યું કે તે લોરેન્સ બિશ્નોઇને નથી ઓળખતા. બાદમાં તેમને સ્વીકાર કર્યો કે લોરેન્સ બિશ્નોઇ જેલમાં બેસીને પણ હિંસા અને હુમલા જેવી ઘટનાઓને અંજામ આપે છે. આ મીટિંગ પાંચ કલાક ચાલી હતી જેમાં કેનેડાના સિક્યુરિટી એડવાઇઝર નેથેલી ડ્રાઉની સિવાય નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસન અને રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસના સીનિયર મેમ્બર પણ સામેલ હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેનેડિયન અધિકારીઓએ અજિત ડોભાલને કહ્યું કે તે નિજ્જરની હત્યા મામલે ચાર ભારતીય અધિકારીઓના સામેલ થવાને લઇને ડિટેલ્સ પબ્લિક કરવાનું વિચારી રહ્યાં છે કારણ કે આવતા મહિને આ ઘટનાની તપાસ થવાની છે. જોકે, અજિત ડોભાલે કહ્યું કે નિજ્જરની હત્યા અથવા કેનેડામાં હિંસા કરાવવામાં ભારતની લિંક હોવાના આરોપને ભારત ફગાવતું રહ્યું છે.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગત વર્ષે હત્યા કરવામાં આવી હતી. કેનેડા તેની હત્યામાં ભારતની લિંક હોવાનો આરોપ લગાવતું રહ્યું છે. કેનેડામાં ભારતીય હાઇકમિશનર સંજય વર્મા સહિત છ રાજદ્વારીઓના હત્યામાં સીધા સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવા કહેવામાં આવ્યું છે. કેનેડાની આ કાર્યવાહી પર ભારત સરકારે પણ 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોને ફગાવ્યા છે અને કહ્યું કે તેમનો આ પોલિટિકલ એજન્ડા છે.

આ સમાચાર શેર કરો