મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપી CM યોગીની આનંદીબેન સાથે મુલાકાત, પીએમ મોદીએ ભૂપેન્દ્ર ચોધરી સાથે કરી બેઠક, અમિત શાહને તાબડતોબ બોલાવાયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદી બેન પટેલને મળવા રાજભવન પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યુ

યુપી CM યોગીની આનંદીબેન સાથે મુલાકાત, પીએમ મોદીએ ભૂપેન્દ્ર ચોધરી સાથે કરી બેઠક, અમિત શાહને તાબડતોબ બોલાવાયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદી બેન પટેલને મળવા રાજભવન પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આગામી ચોમાસુ સત્રને લઈને રાજ્યપાલ સાથે ચર્ચા કરવા આવ્યા છે. સરકાર 29 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવી શકે છે. અનેક મહત્ત્વની દરખાસ્તોને મંજૂર કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગીએ રાજ્યપાલને ચોમાસુ સત્ર માટે આમંત્રણ આપ્યું છે.

બીજી તરફ દિલ્હીમાં યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષની પીએમ નરેન્દ્ર મોદી સાથે એક કલાકથી વધુ સમય સુધી મુલાકાત ચાલી હતી. આ બેઠક બાદ માનવામાં આવે છે કે ભૂપેન્દ્ર ચૌધરીએ યુપીની હારની જવાબદારી લીધી છે. સૂત્રોને ટાંકીને, એવા અહેવાલ છે કે ભાજપના યુપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પરિણામો તેમની અપેક્ષા મુજબના નથી. તેઓ આ હારની નૈતિક જવાબદારી લે છે. સાથે જ તેમણે રાજીનામું ઓફર કર્યાની વાતો પણ વહેતી થઈ છે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જો બંને ઘટનાઓને ધ્યાને લેવામાં આવે તો યુપીના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

આજે યુપી સીએમ યોગીએ કેબીનેટની બેઠક બોલાવીને પેટાચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

યુપીમાં કંઈક મોટું થશે?

લોકસભા ચૂંટણીમાં યુપીમાં ધાર્યા પ્રમાણેનું પરિણામ ન આવતાં ઉત્તર પ્રદેશમાં ભાજપમાં અંદરોઅંદરનો વિખવાદ બહાર આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે અણબનાવના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. બંને પક્ષો તરફથી કેટલાક નિવેદનો આવ્યા છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપના મોટા નેતાઓ વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે. યુપીમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના પ્રદર્શનથી હાઈકમાન્ડ ખૂબ જ ચિંતિત અને નારાજ છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે સંગઠનમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવી શકે છે.

શાહ મોદી સુધી કેમ પહોંચ્યા?

ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદી સાથે 1 કલાક સુધી કરેલી મુલાકાત બાદ હવે પીએમ મોદીનું અમિત શાહને તેડું આવ્યું છે. તેઓ પીએમ મોદીને મળવા પહોંચી ગયા છે. જો કે આ બેઠકને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે યુપીના રાજકારણને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ યુપીના સરકાર અને સંગઠનના નેતાઓ કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી સાથે એક-એક કલાક મુલાકાત કરીને રાજકીય હલચલને તેજ કરી દીધી છે.

યોગી અને મૌર્ય વચ્ચે શા માટે સંઘર્ષ?

જણાવી દઈએ કે યુપી બીજેપીમાં તણાવના સમાચાર ત્યારે વધી ગયા જ્યારે કેશવ પ્રસાદ મૌર્યએ વર્કિંગ કમિટીની બેઠકમાં બેફામ કહી દીધું કે, સરકાર કરતા સંગઠન મોટું છે. મૌર્યનો જવાબ આપતા યોગી આદિત્યનાથે હાર માટે ઓવર કોન્ફિડન્સને જવાબદાર ગણાવ્યું હતું. બંને વચ્ચે થયેલા શાબ્દિક પ્રહારો બાદ બંને વચ્ચે તણાવ જાહેર થયો હતો. કેશવ પ્રસાદ મૌર્ય ગઈ કાલે જ મોટા નેતાઓને મળવા દિલ્હી પહોંચી ગયા હતા. બીજી તરફ યોગી આદિત્યનાથે પણ મીટિંગ શરૂ કરી દીધી છે. બંને તરફથી રાજકીય સંદેશો આપવાનું કામ થઈ રહ્યું છે, હાઈકમાન્ડ કોના સંદેશને ધ્યાને લે છે, આગળની રાજનીતિ તેના પર નિર્ભર કરશે.  

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, યોગી આદિત્યનાથે પણ રાજ્યપાલ આનંદીબેનને મળવા માટેનો સમય માગી શકે છે. 

આ સમાચાર શેર કરો