ઝારખંડમાં પણ લાગુ થશે UCC , વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનો મોટો દાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે જો ભાજપ ઝારખંડમાં સત્તામાં આવી તો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે જો ભાજપ ઝારખંડમાં સત્તામાં આવી તો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે. જોકે, જનજાતીય સમુદાયને બહાર રાખવામાં આવશે.
અમિત શાહે ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો- સંકલ્પ પત્ર જાહેર કરતા જાહેરાત કરી હતી કે રાજ્યમાં ઉદ્યોગો અને ખાણને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વાસ માટે વિસ્થાપન પંચની રચના કરવામાં આવશે.
અમિત શાહે રાંચીમાં કહ્યું કે, અમારી સરકાર ઝારખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરશે પરંતુ જનજાતીય સમુદાયને તેના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. રાજ્યમાં ઝામુમો (ઝારખંડ મુક્તિ મોર્ચા) સરકાર આ જૂઠનો પ્રચાર કરી રહી છે કે સમાન નાગરિક સંહિતાથી આદિવાસીઓના અધિકાર અને સંસ્કૃતિ પ્રભાવિત થશે. આ પુરી રીતે નિરાધાર છે કારણ કે તેમને તેના દાયરામાંથી બહાર રાખવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે જો ભાજપ ઝારખંડમાં સત્તામાં આવે છે તો તે સરના ધર્મ કોડના મુદ્દા પર વિચાર કરશે અને યોગ્ય નિર્ણય લેશે. ઝારખંડમાં ઉદ્યોગો અને ખાણને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વાસને સુનિશ્ચિત કરવા માટે વિસ્થાપન આયોગની રચના કરવામાં આવશે.
મફત ગેસ સિલિન્ડર, મહિલાઓને 25 હજાર રૂપિયાનું વચન
અમિત શાહે કહ્યું કે હું મેનિફેસ્ટોની કેટલીક જાહેરાતો જણાવી દેવા માગુ છું. 'સૌથી પહેલા માતાઓ અને બહેનો માટે... ભાજપ સરકાર ગોગો દીદી યોજના દ્વારા દર મહિનાની 11 તારીખે તમારા ખાતામાં 2100 રૂપિયા જમા કરશે. દિવાળી અને રક્ષાબંધન પર એક-એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. બહેનોને રૂ.500ના ભાવે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. કોઈની પાસેથી વધુ પૈસા નહીં લેવાય. ભાજપે મહિલાઓને દર વર્ષે 25,200 રૂપિયા (2100 પ્રતિ માસ) આપવાનું વચન આપ્યું છે.
પેપર લીકની તપાસ કરશે CBI અને SIT
UCCને લઇને જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવી તો ઝારખંડમાં 2.87 લાખ સરકારી નોકરી સહિત રોજગારની પાંચ લાખ તક આપવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ઝારખંડમાં પેપરની CBI અને SIT પાસે તપાસ કરાવવામાં આવશે અને દોષિતોને સજા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપ ઝારખંડમાં ઘૂસણખોરીથી જમીન પરત મેળવવા અને ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરીને તેમને બહાર કાઢવા માટે કાયદો લાવશે. અમિત શાહે દાવો કર્યો કે ગેરકાયદેસર પ્રવાસીઓથી 'માટી, બેટી,રોટી'ને ખતરો છે અને ભાજપ સ્થાનિક લોકોને સુરક્ષા આપશે.
અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ઝારખંડ દેશનું સૌથી ભ્રષ્ટ રાજ્ય છે. મહત્ત્વપૂર્ણ છે કે 81 બેઠક ધરાવતી ઝારખંડ વિધાનસભામાં 13 અને 20 નવેમ્બર બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે.







