મુંબઈમાં PM મોદીની મુલાકાત પહેલા બે શંકાસ્પદ ઝડપાયા, નકલી PMO કાર્ડ સાથે બંદૂક પણ જપ્ત કરાઈ

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવ્યો હતો.
શંકાસ્પદ પાસે PMOનું નકલી આઈડી કાર્ડ અને હથિયાર મળ્યા
મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન તેની પાસેથી PMO કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. માહિતી અનુસાર, બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક પણ હતી.
ક્રાઈમ બ્રાંચની તપાસ
આ મામલે ક્રાઈમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
NMACC ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા 24 વર્ષીય રોહન પારેખની અટકાયત
મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસે બંદૂક હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.
ચકાસણી દરમિયાન નકલી ID પકડાયું
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન મુંબઈ પોલીસે ચેકિંગ કર્યું હતું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી મળ્યું હતું. BKC પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નો પ્રારંભ કરાવવાના છે. તેઓ અહીં કાર્યક્રમને પણ સંબોધિત કરશે.

