'જનતાની સેવા કરવાથી સત્તા પણ સંવેદનશીલ બની જાય છે', નવસારી ખાતે ‘નમો કમલમ્’નું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

નવસારી ખાતે દેશના પ્રથમ AI સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડોદરાથી નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ પાસે આવી પહોંચેલા વડાપ્રધાન મોદીનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં 1100 મહિલાઓએ શિર પર કળશ ધારણ કર્યા હતા, જ્યારે 500 પુરુષોના ડમરુ નાદ અને ઢોલ-ત્રાંસાના ધમસાણથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 5000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સ્વચ્છતા જાળવવા પર લોકોને અપીલ
આ પ્રસંગે વડાપ્રધાને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે એર કન્ડિશનર રૂમમાં બેઠેલા માનવીને પાણીના ગ્લાસની કિમત ન હોય, પણ ભર ઉનાળે કાળી મજૂરી કરતાં શ્રમિકને એક ગ્લાસ પાણી આપો તો એને લાગે કે જીવન અમૃત મળી ગયું છે. જનતાની સેવા કરવાથી સત્તા પણ સંવેદનશીલ બની જતી હોય છે. જ્યાં સંવેદનાનો અંબાર હોય ત્યાં સ્નેહ પણ અપાર હોય છે. PM મોદીએ સ્વચ્છતા જાળવવા પર લોકોને અપીલ કરી હતી.
'ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય તેવા કામ કરો'
'ભાજપના કાર્યકરોની તપસ્યાના કારણે મને દેશવાસીઓના આશીર્વાદ મળે છે. ભાજપના કાર્યકરોએ સેવાનો માર્ગ પકડીને રાખ્યો છે. તેમના માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા સેવા છે, ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવાના છે'

