VIDEO: નવસારીમાં બાગાયતી ખેતી પર આફત, ૭૫૦૦ હેક્ટરના ચીકુના બગીચાઓમાં નુકસાન
નવસારીમાં બાગાયતી ખેતી પર આફત
૭૫૦૦ હેક્ટરના ચીકુના બગીચાઓમાં નુકસાન
ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો!
નવસારી જિલ્લો અને ખાસ કરીને ગણદેવી પંથક તેના વિશ્વપ્રસિદ્ધ અમલસાડી ચીકુ માટે ઓળખાય છે, પરંતુ આ વર્ષે કુદરતના કોપે ચીકુની મીઠાશ પર ગ્રહણ લગાડી દીધું છે. તાજેતરમાં નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને અંબિકા નદીમાં આવેલા પૂરે ચીકુના બગીચાઓને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ઝાડ પર આવેલું ફ્લાવરિંગ પૂરના કારણે ખરી પડતાં ચીકુની સીઝન બે થી ત્રણ મહિના પાછળ ધકેલાઈ ગઈ છે, જેને લીધે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સામાન્ય રીતે દિવાળી પછી એટલે કે લાભ પાંચમથી ચીકુની મુખ્ય સીઝન શરૂ થઈ જતી હોય છે, પરંતુ બગીચાઓમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે જૂનથી ઓક્ટોબર દરમિયાન થતી ફ્લાવરિંગ પ્રક્રિયા બગાડી ગઈ છે. હવે નવી સીઝન જાન્યુઆરી ૨૦૨૭ સુધી ખેંચાઈ જવાની પૂરતી શક્યતા છે. સીઝન મોડી શરૂ થવાના કારણે બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા નવસારીના ૭૫૦૦ હેક્ટરમાં ચીકુ પકવતા ધરતીપુત્રોને સતાવી રહી છે.
નવસારીના અમલસાડી ચીકુ પર પૂરનું ગ્રહણ
ગ્લોબલ વોર્મિંગે ચીકુની મીઠાશ છીનવી, હવે સરકાર પાસે સહાયની આશા!
લાભ પાંચમે શરૂ થતો પાક હવે જાન્યુઆરી ૨૦૨૭ સુધી ખેંચાશે!
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા હવામાનનો સૌથી મોટો માર બાગાયતી ખેતી પર પડ્યો છે. આ અંગે નવસારીના નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલિયાએ પણ સ્વીકાર્યું છે કે જુલાઈના અંતમાં પડેલા અતિવૃષ્ટિના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. ફ્લાવરિંગ ધોવાઈ જતાં ખેડૂતોના મોંએ આવેલો આર્થિક કોળિયો છીનવાઈ ગયો છે. હાલ નવસારીના બાગાયતી ખેડૂતો પ્રકૃતિ સામે લાચાર બનીને ઊભા છે અને તેમની તમામ આશા હવે સરકાર પર ટકેલી છે. ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરાવવામાં આવે અને પૂરથી પ્રભાવિત ચીકુ પકવતા ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આફતમાંથી બહાર આવીને પોતાની ખેતી ફરી ઊભી કરી શકે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

