મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ 10 લાખ મહિલાઓના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર
બિહારમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી NDA સરકારે આજે મુખ્યમંત

બિહારમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી NDA સરકારે આજે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 10 લાખ મહિલાઓને રૂપિયા 10,000ની નાણાકીય સહાય પૂરી પાડી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કુલ ₹1,000 કરોડની સહાય મહિલાઓના ખાતામાં વિતરિત કરવામાં આવી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બટન દબાવીને આ રકમ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલા પ્રચંડ જનાદેશ બાદ રાજ્ય સરકાર મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત કામ કરી રહી છે.
નીતિશ કુમારના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 1કરોડ 40 લાખ મહિલાઓને આનો સીધો લાભ મળ્યો છે. આ નવીન યોજના હેઠળ હવે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ લાભાર્થીઓની કુલ સંખ્યા વધીને 1 કરોડ 56 લાખ થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બાકી રહેલી પાત્ર મહિલાઓને પણ ટૂંક સમયમાં આ સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારોએ આ દિશામાં યોગ્ય રીતે કામ નહોતું કર્યું. જ્યારે મારી સરકાર સતત વિકાસ અને સામાજીક ઉત્થાનના પ્રયાસોમાં લાગેલી છે.
જણાવી દઈએ કે, નવાદા જિલ્લામાં અનેક મહિલાઓએ તેમના ખાતામાં 10,000 રૂપિયા સમયસર ન મળવા બદલ વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક ચૂકવણીમાં વિલંબથી ગુસ્સે થયેલી મહિલાઓએ હંગામો મચાવી તાત્કાલિક ચુકવણીની માંગ કરી. વહીવટીતંત્રે ખાતરી આપી છે કે, પાત્ર લાભાર્થીઓની યાદીની સમીક્ષા કર્યા પછી ચુકવણી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.






