TMC નેતા અને પૂર્વ મંત્રી ઉદયન ગુહાની કોલકાતાથી ધરપકડ: કૂચબિહાર પોલીસની મોટી કાર્યવાહી

પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અને TMC નેતા ઉદયન ગુહાની કૂચબિહાર પોલીસે ધરપકડ કરી છે, જોકે પોલીસે હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે તેમની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે કૂચબિહાર જિલ્લા પોલીસે ઉદયન ગુહાની કોલકાતાના ફૂલબાગાન વિસ્તારમાં આવેલા તેમના ફ્લેટમાંથી ધરપકડ કરી હતી.
પૂછપરછ બાદ થઈ ધરપકડ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, દિનહાટાના પૂર્વ ધારાસભ્ય ઉદયન ગુહા છેલ્લા કેટલાક સમયથી કોલકાતાના ફૂલબાગાન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. જ્યારથી તેમના વિરુદ્ધ કેટલાય બિન-જામીનપાત્ર ગુનાઓ નોંધાયા ત્યારથી તપાસ એજન્સીઓ તેમના પર નજર રાખી રહી હતી. બુધવારે સવારે કૂચબિહાર જિલ્લા પોલીસની એક વિશેષ ટીમે ફૂલબાગાન સ્થિત ફ્લેટ પર અચાનક દરોડો પાડ્યો હતો. થોડીવાર પૂછપરછ કર્યા બાદ પોલીસ અધિકારીઓએ તેમની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો.
ઉદયન ગુહા વિરુદ્ધ નોંધાયેલા છે અનેક કેસ
ઉદયન ગુહા પર ભડકાઉ નિવેદનો આપવા, મારામારી કરવાથી લઈને ચૂંટણી સંબંધિત હિંસા ભડકાવવા સુધીના ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાનૂની કાર્યવાહી દિનહાટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસમાં કરવામાં આવી છે. જોકે, જિલ્લા પોલીસે હજી સુધી સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી કર્યું કે, કયા ચોક્કસ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
સુવેન્દુ અધિકારીએ પણ લગાવ્યા હતા આરોપ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યની પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસ ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાને એ કેસમાં બચાવવાનો પ્રયાસ કરી રહી છે, જે કૂચબિહાર જિલ્લામાં તેમના કાફલા પર થયેલા કથિત હુમલા સાથે જોડાયેલો હતો. અધિકારીએ કલકત્તા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેંચના એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં પોલીસ મહાનિરીક્ષકને 10 સપ્ટેમ્બર સુધીમાં એફિડેવિટ (સોગંદનામું) દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે ઉદયન ગુહા કૂચબિહાર અને સમગ્ર ઉત્તર બંગાળ ક્ષેત્રના રાજકારણનું એક જાણીતું નામ છે. ફોરવર્ડ બ્લોક છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ ઉત્તર બંગાળમાં પાર્ટીના અગ્રણી ચહેરાઓમાંથી એક બનીને ઉભર્યા હતા. પોતાના વિવાદાસ્પદ અને ભડકાઉ નિવેદનોના કારણે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે અને તેમના પર ઘણા કેસ પણ નોંધાયેલા છે.

