ઉદ્ધવની પાર્ટીમાં બીજી તિરાડ, શરદ પવાર ટેન્શનમાં, પોતાના સાંસદોને બચાવવાની કવાયત શરૂ

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) માં ફરી એકવાર ભંગાણ થયું છે. 6 સાંસદોએ શિંદે જૂથને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતાની પાર્ટીમાં સાંસદોએ બગાવત કરી છે. તે જોતાં અનુભવી રાજકારણી શરદ પવાર પણ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પોતાના સાંસદોને એકજૂથ રાખવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલો અનુસાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટું ભંગાણ થતાં આ રાજકીય ઘટનાક્રમને જોતા શરદ પવાર એલર્ટ થઈ ગયા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP) એ આગામી દિવસોમાં પોતાના સાંસદોની એક બેઠક બોલાવી હોવાના અહેવાલ છે, જોકે આ અંગે હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથની આ બેઠક આગામી એક-બે દિવસમાં યોજાઈ શકે છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે. જોકે, પાર્ટી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પક્ષની વર્તમાન સ્થિતિ અને ભૂતકાળનું ભંગાણ
વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ 9 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે તે પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NCP (SP) ખાસ પ્રદર્શન કરી શકી ન હતી અને તેના માત્ર 10 ધારાસભ્યો જ ચૂંટાયા હતા. તેની સરખામણીએ સામે પક્ષે NCPના 42 ઉમેદવારોએ જીત હાસિલ કરી હતી.
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની જેમ શરદ પવારની NCP પણ ભૂતકાળમાં મોટા ભંગાણનો સામનો કરી ચૂકી છે. જુલાઈ 2023માં શરદ પવારના ભત્રીજા દિવંગત અજિત પવારની આગેવાનીમાં ઘણા ધારાસભ્યોએ અલગ રસ્તો અપનાવ્યો હતો. ત્યારબાદ અજિત પવારના જૂથને અસલી NCP તરીકે માન્યતા મળી હતી અને 'ઘડિયાળ'નું ચૂંટણી ચિહ્ન પણ તેમને ફાળવવામાં આવ્યું હતું.
બીજી તરફ, શરદ પવારના જૂથને નામ બદલવું પડ્યું હતું અને તેમનું નવું ચૂંટણી ચિહ્ન રાખવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા સુધી એવી અટકળો હતી કે NCPના બંને જૂથો ફરી એક થઈ શકે છે, પરંતુ અજિત પવારના અવસાન બાદ આ અટકળો પર પણ વિરામ આવી ગયો છે. તાજેતરમાં એવી પણ ચર્ચા હતી કે શરદ પવાર NCPનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે, પરંતુ તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો.
સુપ્રિયા સુલેએ અટકળો ફગાવી
પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ શનિવારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી કે કોંગ્રેસ તરફથી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. સાંસદ સુપ્રિયા સુલેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "ન તો કોઈએ અમારો સંપર્ક કર્યો છે કે ન તો અમને કોઈ પ્રસ્તાવ આપ્યો છે. એ જ રીતે અમે પણ કોઈનો સંપર્ક કર્યો નથી કે કોઈને પ્રસ્તાવ આપ્યો નથી."

