Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Now it's Maharashtra's turn: 6 out of 9 MPs of Uddhav faction (UBT) in mood to rebel, political debate gains momentum

હવે મહારાષ્ટ્રનો વારો: ઉદ્ધવ જૂથ (UBT)ના 9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં, રાજકીય ચર્ચાએ પકડ્યું જોર

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
હવે મહારાષ્ટ્રનો વારો: ઉદ્ધવ જૂથ (UBT)ના 9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં, રાજકીય ચર્ચાએ પકડ્યું જોર
સોર્સ : gstv

મમતા બેનર્જી બાદ હવે ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગી શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાંથી સામે આવી રહેલા અહેવાલો મુજબ, ઉદ્ધવ જૂથ (UBT)ના 9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાનું મન બનાવી ચૂક્યા છે. આ રાજકીય ચર્ચા જો સાચી સાબિત થશે તો શિવસેનાના સ્થાપના દિવસ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગશે.

App Store

બાગી સાંસદો અલગ જૂથ બનાવી શિંદે સેનામાં ભળશે

મળતી માહિતી મુજબ, બે બળવાખોર સાંસદો દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે બાકીના 4 સાંસદો આજે રાત સુધીમાં દિલ્હી પહોંચી રહ્યા છે. આ 6 બાગી સાંસદો અલગ જૂથ બનાવશે અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેનામાં વિલય કરી લેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શિવસેનાના 19 જૂને 60માં સ્થાપના દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ઉદ્ધવ ઠાકરેને આ ઝટકો આપવામાં આવી શકે છે.

પક્ષમાં ભંગાણ રોકવાના પ્રયાસો શરૂ

પાર્ટીમાં બળવાખોરી રોકવા માટે ઉદ્ધવ જૂથ દ્વારા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. આ અંતર્ગત સાંસદ અનિલ દેસાઈ અને સંજય રાઉત પણ તાત્કાલીક દિલ્હી પહોંચી ગયા છે. હાલના સમીકરણો જોઈએ તો, 7 લોકસભા સાંસદો સાથે શિંદે જૂથ કેન્દ્રમાં ભાજપની ત્રીજી સૌથી મોટી સહયોગી પાર્ટી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી (Shiv Sena UBT) પાસે 9 લોકસભા સાંસદ છે.

મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા ચાલી રહી છે, જેના હેઠળ ઉદ્ધવ જૂથના કેટલાક સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો કે, એકનાથ શિંદેએ આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ચૂંટણીઓ હવે પૂરી થઈ ગઈ છે અને હવે કોઈ પણ પ્રકારના નંબર ગેમની જરૂર નથી.

માતોશ્રીની બેઠકમાં માત્ર 4 જ સાંસદો હાજર રહ્યા

આ રાજકીય ગરમાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પોતાના 9 સાંસદોને બેઠક માટે માતોશ્રી બોલાવ્યા હતા, પરંતુ આ બેઠકમાં રૂબરૂમાં માત્ર 4 જ સાંસદો પહોંચ્યા હતા. જેમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ સામેલ હતા. જ્યારે સાંસદ ઓમરાજે નિંબાલકર આવ્યા નહોતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે સંજય દેશમુખ અને નાગેશ પાટીલ ઓનલાઈન માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.

જેને જવું હોય તે ખુશીથી જાય: ઉદ્ધવ ઠાકરે

બેઠકમાં સાંસદોની પાંખી હાજરી બાદ ઉદ્ધવ ઠાકરેએ આકરા તેવર બતાવતા કહ્યું કે, ‘જેને જવું હોય તે ખુશીથી જાય. આજે ભલે મારો સમય નથી, પણ કાલે જરૂર મારો આવશે. ત્યાં સુધી ધીરજ રાખવી પડશે અને સહન કરવું પડશે. જે લોકો બાલા સાહેબની શિવસેના છોડીને ગયા છે તેઓ અંતમાં પસ્તાશે, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે.’

સાચું ઠરશે તો 4 વર્ષમાં બીજો મોટો ઝટકો

જો આ અટકળો સાચી સાબિત થશે તો ઉદ્ધવ ઠાકરે માટે 4 વર્ષમાં આ બીજો મોટો ઝટકો હશે અને શિવસેનામાં આ બીજી મોટી તૂટ ગણાશે. આ પહેલાં જૂન 2022માં એકનાથ શિંદેએ બગાવત કરી હતી, ત્યારે અવિભાજિત શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો ઉદ્ધવ જૂથથી અલગ થઈ ગયા હતા. બાદમાં અન્ય ધારાસભ્યો જોડાતા આ સંખ્યા 50ની આસપાસ પહોંચી હતી અને સંખ્યાબળના આધારે ચૂંટણી પંચે પાર્ટીનું નામ 'Shiv Sena' અને ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાણ' શિંદે જૂથને ફાળવી દીધું હતું.