ઓનલાઈન ગેમિંગમાં ₹4 લાખ હાર્યો, દેવું ચૂકવવા ઓઈએલ અધિકારીના પરિવારના ત્રણ સભ્યોની હત્યા

ઓનલાઈન ગેમિંગમાં ₹4 લાખ હાર્યો, દેવું ચૂકવવા ઓઈએલ અધિકારીના પરિવારના ત્રણ સભ્યોની હત્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની લત કેટલી ભયાનક બની શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો આસામના ડિબ્રુગઢ જિલ્લાના ડુલિયાજાનમાંથી સામે આવ્યો છે. અહીં ઓનલાઈન સટ્ટામાં પિતાના ઉધાર લીધેલા ₹4 લાખ ગુમાવ્યા બાદ દેવું ચૂકવવા માટે એક શખસે પોતાના સાથી સાથે મળીને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL)ના અધિકારીના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ ઘરમાં લૂંટ ચલાવી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં મૃતકોની ઓળખ ચંદ્રકાંત ભુયાં, તેમની પત્ની એલિઝા ભુયાં અને પુત્રી નિહારિકા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી રાજુ દાસે ઓનલાઈન બેટિંગમાં ₹4 લાખ ગુમાવ્યા હતા. આ રકમ તેણે પોતાના પિતા પાસેથી ઉધાર લીધી હતી. પિતાનું દેવું પરત કરવા માટે તેણે લૂંટ અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ ગુનામાં તેણે પોતાના સાથી અમીર દાસને પણ સામેલ કર્યો હતો.

હથોડા અને લોખંડના સળિયાથી પરિવાર પર હુમલો

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના સોમવારે ડુલિયાજાનના કમલાબારી વિસ્તારમાં બની હતી. બંને આરોપીઓ સવારે આશરે 8:30 વાગ્યે ભુયાં પરિવારના ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેમણે પરિવારના સભ્યો પર હથોડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણેય સભ્યોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સવારે 8:30થી બપોરે 12:15 વાગ્યાની વચ્ચે આ સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા.

જાહેરાત

₹4 લાખ ઓનલાઈન બેટિંગમાં હાર્યા બાદ રચ્યું કાવતરું

આ કેસમાં મુખ્ય આરોપી રાજુ દાસ વ્યવસાયે પેઇન્ટર છે, જ્યારે બીજો આરોપી અમીર દાસ પ્લમ્બર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજુએ પોતાના પિતા પાસેથી આશરે ₹4 લાખ ઉધાર લીધા હતા, પરંતુ આ સમગ્ર રકમ ઓનલાઈન બેટિંગમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ પિતાને પૈસા પરત આપવા માટે તેણે લૂંટનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના સાથી અમીર દાસને આ કાવતરામાં સામેલ કર્યો હતો. બંને આરોપીઓ ઘટનાના આશરે ત્રણ દિવસ પહેલાંથી ફોન પર સંપર્કમાં હતા અને હત્યા તથા લૂંટની યોજના બનાવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અમીર દાસ અગાઉ રાજુના પિતા સાથે કામ કરી ચૂક્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે, રાજુએ ભુયાં પરિવાર પાસેથી પણ આશરે ₹68,000 ઉધાર લીધા હતા.

લૂંટ બાદ ગુવાહાટી થઈને બેંગલુરુ ભાગવાની યોજના

હત્યા અને લૂંટ કર્યા બાદ બંને આરોપીઓએ આસામમાંથી ભાગી જવાની યોજના બનાવી હતી. તેઓ પહેલાં ગુવાહાટી અને ત્યારબાદ બેંગલુરુ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, પોલીસની સતર્કતાને કારણે તેમની યોજના નિષ્ફળ ગઈ હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તેમાં ગુનાના સમયગાળા દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ જોવા મળી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા હતા. ડિબ્રુગઢ પોલીસ, ચરાઈદેવ પોલીસ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓની સિમલુગુરી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગુવાહાટી જવા માટે અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થવાની તૈયારીમાં હતા.

સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં લઈ જવામાં આવેલી અનેક વસ્તુઓ કબજે કરી છે. તેમાં સોનાની સાત ચેઇન, સોનાની બુટ્ટી, ચાંદીની ચેઇન, ચાંદીની બે વીંટીઓ, આશરે ₹13,510 રોકડા અને પરિવારના ત્રણ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. ડિબ્રુગઢના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ક્રાઇમ) નિર્મલ ઘોષે જણાવ્યું હતું કે તપાસમાં ઓનલાઈન બેટિંગમાં ગુમાવેલા ₹4 લાખના દેવાને કારણે રાજુએ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુનામાં તેમની સંડોવણી અંગે મહત્વપૂર્ણ વિગતો મેળવી છે. જોકે, આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

ભોગ બનનાર પરિવારની હત્યાનો ખુલાસો કેવી રીતે થયો?

સોમવારે સાંજે ભુયાં પરિવારના ભાડૂઆત તેમના ઘરે છઠ પૂજાનો પ્રસાદ આપવા પહોંચ્યા હતા. જોકે, વારંવાર બોલાવવા છતાં પરિવાર તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. આથી તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘરના મુખ્ય દરવાજાને ખોલીને તપાસ કરતાં અલગ-અલગ રૂમમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. એલિઝા ભુયાંનો મૃતદેહ રસોડા પાસે મળી આવ્યો હતો. ત્યાં અડધા ખાધેલા બિસ્કિટ અને અધૂરી ચા પણ મળી હતી. ચંદ્રકાંત ભુયાંનો મૃતદેહ લિવિંગ રૂમમાં, જ્યારે પુત્રી નિહારિકાનો મૃતદેહ બેડરૂમમાં મળી આવ્યો હતો. આસામની આ ઘટનાએ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગની લતને કારણે ઊભા થતા ગંભીર સામાજિક અને આર્થિક જોખમો અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. માત્ર ₹4 લાખનું દેવું ચૂકવવા માટે ત્રણ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હોવાના પોલીસ તપાસમાં સામે આવેલા ખુલાસાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત