ભાજપને બંગાળમાં લાગી શકે છે મોટો ઝટકો, ત્રણ સાંસદ મમતાની પાર્ટીના સંપર્કમાં; TMC નેતાનો દાવો
મમતા બેનરજીની પાર્ટી TMCના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. સાકેત ગોખલેનું કહેવું છે કે ભાજપના ત

મમતા બેનરજીની પાર્ટી TMCના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. સાકેત ગોખલેનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદ TMCના સંપર્કમાં છે અને લોકસભામાં જલદી ભાજપની તાકાત ઘટીને 237 રહી જશે.
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 બેઠક પર જીત મળી છે અને તે TDP,JDU જેવા પક્ષ સાથે મળીને કેન્દ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે. એવામાં જો તેના ત્રણ સાંસદ પક્ષ પલટો કરે છે તો ભાજપની મુશ્કેલી વધશે. સાકેત ગોખલેના નિવેદન પર બંગાળ ભાજપે પણ જવાબ આપ્યો છે અને કહ્યું કે આવા દાવા પાયા વિહોણા છે.
બંગાળમાં TMCએ 29 બેઠક જીતી હતી
લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પશ્ચિમ બંગાળની 42 બેઠકમાંથી 29 બેઠક પર જીત મેળવી હતી. રાજ્યમાં ભાજપની બેઠકની સંખ્યા 2019માં 18થી ઘટીને 12 થઇ ગઇ છે. TMCના રાજ્યસભાના સભ્ય સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા સાઇટ X પર કહ્યું, 'લોકસભામાં ભાજપનું સંખ્યા બળ 240 અને NDA ગઠબંધનનું 293 છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ત્રણ સાંસદ અમારા સંપર્કમાં છે અને જલદી એક સુખદ આશ્ચર્ય થશે, તે બાદ ભાજપનું સંખ્યા બળ ઘટીને 237 થઇ જશે."
મોદીનું ગઠબંધન વધુ દિવસ નહીં ચાલે- TMC
TMCના સાંસદે કહ્યું કે, નરેન્દ્ર મોદીનું ગઠબંધન ટકાઉ નથી. તે વધુ દિવસ નહીં ચાલી શકે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ 240 બેઠક પર જીત મેળવવાની સાથે બહુમતના આંકડાથી ચુકી ગઇ હતી પરંતુ NDAએ 293 બેઠક સાથે બહુમતનો આંકડો પાર કર્યો હતો. કોંગ્રેસે 99 બેઠક પર જીત મેળવી હતી જ્યારે ઇન્ડિયા ગઠબંધને 234 બેઠક પર જીત મેળવી હતી. ચૂંટણી બાદ બે વિજેતા અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને સમર્થન આપવાનો દાવો કર્યો હતો જે બાદ વિપક્ષી ગઠબંધનની સંખ્યા વધીને 236 થઇ ગઇ છે.







