યુપીમાં ભાજપની રાહ આસાન નહીં! ઓપિનિયન પોલમાં સપા-કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળવાની શક્યતા

યુપીમાં ભાજપની રાહ આસાન નહીં! ઓપિનિયન પોલમાં સપા-કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળવાની શક્યતા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વ હેઠળના NDA અને સમાજવાદી પાર્ટી (સપા)-કોંગ્રેસના 'ઇન્ડિયા' (INDIA) અલાયન્સ વચ્ચે છે. જોકે, માયાવતીની બસપા (BSP), અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદે પણ ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. આ દરમિયાન એક નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેમાં બંને મુખ્ય પક્ષો વચ્ચે અત્યંત કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 15 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચે 91,429 લોકોના સેમ્પલ સાઈઝ સાથે કરવામાં આવેલા આ સર્વે મુજબ, જો અત્યારે ચૂંટણી થાય તો ભાજપની સરકાર ભલે બની જાય, પરંતુ તેની સફર એટલી સરળ નથી. 403 બેઠકો ધરાવતી યુપી વિધાનસભામાં બહુમતીનો આંકડો 202 છે.

અલગ-અલગ લડે તો ભાજપ આગળ, ગઠબંધન થાય તો ચિત્ર બદલાય

જાહેરાત

સર્વેના આંકડા મુજબ, જો પક્ષો અલગ-અલગ લડે તો ભાજપને 177થી 215 બેઠકો મળી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 160થી 202 બેઠકો મળવાનું અનુમાન છે. આ ઉપરાંત RLDને 10, અપના દળ (S)ને 5, રાજભરની પાર્ટીને 3થી 5 અને નિષાદ પાર્ટીને 1થી 3 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે, જ્યારે સપા અને કોંગ્રેસ સાથે મળીને ગઠબંધનમાં ચૂંટણી લડે તો આખું ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. સર્વે મુજબ, ગઠબંધનની સ્થિતિમાં 'ઇન્ડિયા' અલાયન્સને 174થી 219 બેઠકો મળી શકે છે અને તે સરકાર બનાવવાની સ્થિતિમાં આવી શકે છે. બીજી તરફ, NDAને પણ 181થી 226 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે બસપાના ફાળે માત્ર 1 બેઠક જઈ શકે છે.

વોટ શેરમાં સમાજવાદી પાર્ટી ભાજપથી સહેજ આગળ

વોટ ટકાવારીની વાત કરીએ તો સર્વેમાં અત્યંત રસપ્રદ આંકડા સામે આવ્યા છે. અનુમાન મુજબ, ભાજપને 36.69 ટકા વોટ મળી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટીને ભાજપ કરતાં સહેજ વધુ એટલે કે 36.98 ટકા વોટ મળવાની શક્યતા છે. આ ઉપરાંત બસપાને 11.45 ટકા, કોંગ્રેસને 7.67 ટકા, અપના દળ (S)ને 1.23 ટકા, રાજભરની પાર્ટીને 0.8 ટકા અને નિષાદ પાર્ટીને 0.51 ટકા વોટ મળી શકે છે.

મુખ્યમંત્રી પદ માટે યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ

સર્વેમાં જ્યારે જનતાને પૂછવામાં આવ્યું કે તેઓ આગામી મુખ્યમંત્રી તરીકે કોને જોવા માંગે છે, ત્યારે યોગી આદિત્યનાથે બાજી મારી લીધી છે. 35.29 ટકા લોકોના સમર્થન સાથે યોગી આદિત્યનાથ પ્રથમ નંબરે છે. તેમની સામે 26.50 ટકા જનતા અખિલેશ યાદવને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે, જ્યારે 8.59 ટકા લોકોએ માયાવતી પર પોતાની પસંદગી ઉતારી છે.

સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી પર ઘમાસાણ

એક તરફ NDA ગઠબંધનમાં બધું નક્કી છે, ત્યારે બીજી તરફ 'ઇન્ડિયા' અલાયન્સમાં બેઠકોની વહેંચણીને લઈને વિવાદ વકર્યો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 181 બેઠકોની માંગ કરી રહી છે, પરંતુ સપા ત્રણ આંકડામાં તો ઠીક, માત્ર બે આંકડામાં જ બેઠકો આપવા તૈયાર થઈ છે. સપાએ હાલ કોંગ્રેસને માત્ર 26 બેઠકોની જ ઓફર કરી છે, જેના પર યુપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન મસૂદ ભડકી ઉઠ્યા છે અને તેમણે સપાને આડેહાથ લીધી છે. આ ખેંચતાણ વચ્ચે સપાએ પોતાના પાંચ ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી દીધી છે, જેમાં ઇમરાન મસૂદના ગઢ ગણાતા સહારનપુરની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત