403માંથી 181 બેઠકોની માંગ અને સ્વામી પ્રસાદ મૌર્યનો પેચ! શું યુપીમાં તૂટશે સપા-કોંગ્રેસનું ગઠબંધન કે રાહુલ ગાંધી ઉકેલશે કોયડો?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દિલ્હીમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી સન્માનજનક હોવી જોઈએ. સમાજવાદી પાર્ટી અમારી મહત્વની સહયોગી પાર્ટી છે અને દરેકને સાથે લઈને ચાલવું પડશે.
બેઠકમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
દિલ્હી ખાતે યોજાયેલી આ રણનીતિક બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ આરાધના મિશ્રા, સાંસદ ઈમરાન મસૂદ અને પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સપા સાથે સંકલન માટે 5 સભ્યોની કમિટી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ સાથે બેઠકોની વહેંચણી અને અન્ય ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર મંથન તેમજ સંકલન સાધવા માટે કોંગ્રેસે 5 સભ્યોની એક ખાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં પ્રિયંકા, વેણુગોપાલ, રાજેન્દ્ર પાલ, મસૂદ અને આરાધના મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ વ્યક્ત કર્યો વિશ્વાસ
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, ‘ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ નેતાઓ સાથે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને આગામી વિધાનસભા ચૂંટણી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણી દેશના રાજકારણને એક નવી દિશા આપશે. રાજ્યની જનતા પરિવર્તનની અપેક્ષા રાખી રહી છે અને સામાજિક ન્યાય, સમાન તક તેમજ વંચિત વર્ગોના અધિકારોને મજબૂત થતા જોવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી INDIA ગઠબંધન સાથે મળીને ઉત્તર પ્રદેશની જનતા સમક્ષ એક મજબૂત વિકલ્પ રજૂ કરશે.’
ગઠબંધનમાં બે મુખ્ય મુદ્દાઓ પર મતભેદ
કોંગ્રેસની આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લાંબા સમયથી બે મહત્વના મુદ્દાઓ પર પેચ ફસાયેલો છે. પ્રથમ મુદ્દો બેઠકોની વહેંચણીનો છે, જ્યારે બીજો મુદ્દો સ્વામી પ્રસાદ મૌર્યને ગઠબંધનમાં સામેલ કરવાની કોંગ્રેસની કવાયત છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ અખિલેશ યાદવે 'હિન્દુસ્તાન ટાઈમ્સ' સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસે રાજ્યની 403 બેઠકોમાંથી 181 બેઠકોની માંગણી કરી છે. આ ઉપરાંત, અખિલેશ યાદવ સ્વામી પ્રસાદ મૌર્યને ગઠબંધનમાં લેવાનો પણ ઈનકાર કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મૌર્યની રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ ગઠબંધનમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી.
ગત ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન
ઉત્તર પ્રદેશની ગત વિધાનસભા ચૂંટણીઓના આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો જ જીતી શકી હતી અને પાર્ટીને કુલ 2.33 ટકા મત મળ્યા હતા. તે અગાઉ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 6.25 ટકા મત મળ્યા હતા અને પાર્ટી 7 બેઠકો પર વિજયી બની હતી.














