મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાક.ચીનના પડકાર વચ્ચે દેશની સુરક્ષા કેવી રીતે થશે! મોદી સરકારે સંરક્ષણ બજેટ ઉપર કાતર ફેરવી

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. જેમાં કૃષિથી લઈને યુવાનોના કૌશલ્ય વિ

પાક.ચીનના પડકાર વચ્ચે દેશની સુરક્ષા કેવી રીતે થશે! મોદી સરકારે સંરક્ષણ બજેટ ઉપર કાતર ફેરવી

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. જેમાં કૃષિથી લઈને યુવાનોના કૌશલ્ય વિકાસ સુધીના અનેક ક્ષેત્રો માટેની મોટી જાહેરાતો કરી હતી. પરંતુ  બીજી તરફ આ બજેટમાં રેલ્વે અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને નિરાશા સાંપડી છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં માત્ર એક જ વાર રેલવેનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

વચગાળાના બજેટની સરખામણીમાં આટલો મોટો કાપ

મોદી સરકારની ત્રીજી ટર્મના પ્રથમ પૂર્ણકાલિન બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને 6.21 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અર્થાત ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટની સરખામણીએ હવે સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે ફાળવણીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ડિફેન્સ સેક્ટરના બજેટમાં આવો ઘટાડો પહેલીવાર થયો છે.

આ રીતે સંરક્ષણ ક્ષેત્રનો ખર્ચ વધી રહ્યો હતો

અગાઉ મોદી સરકારના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ સતત વધ્યું હતું. આ વખતના બજેટ અગાઉ છેલ્લા 4 વર્ષમાં સંરક્ષણ બજેટનું કદ લગભગ 30 ટકા જેટલું વધ્યું હતું. વર્ષ 2020ના બજેટમાં સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 4.71 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. તે પછી 2021માં સંરક્ષણ ક્ષેત્ર પરનો ખર્ચ વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો.

સંરક્ષણ બજેટ 4 વર્ષમાં સૌથી ઓછું

2022ના બજેટમાં પહેલીવાર સંરક્ષણ બજેટનું કદ રૂ. 5 લાખ કરોડને વટાવીને રૂ. 5.25 લાખ કરોડે પહોંચ્યું હતું. ગત વર્ષે અર્થાત 2023 ના બજેટમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રને 5.94 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટમાં સંરક્ષણ બજેટનું કદ રૂ. 6 લાખ કરોડને પાર કરી ગયું હતું. જોકે, આ વખતે સંરક્ષણ ક્ષેત્રને રૂ. 4.54 લાખ કરોડ ફાળવ્યા છે. જે ચાર વર્ષમાં સૌથી ઓછા છે. 

6 લાખ કરોડથી વધુની અપેક્ષા હતી

જો આપણે ગયા વર્ષના બજેટ સુધીની બાબતો પર નજર કરીએ તો, છેલ્લા 4 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ 6.5 ટકાના વાર્ષિક દરે વધી રહ્યું હતું. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે ભારત તેની સંરક્ષણ જરૂરિયાતો માટે બને તેટલી સામગ્રીનું ઉત્પાદન કરે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. આ સાથે સરકારનો ભાર  સેનાના આધુનિકીકરણ પર છે. આવી સ્થિતિમાં લોકો ડિફેન્સ સેક્ટરનું બજેટ 6 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેવાની આશા રાખતા હતા. પરંતુ એ આશા પર પાણી ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો