VIDEO: ચૂંટણી પંચે કોર્ટને ગેરમાર્ગે દોરી? SIR પર પૂર્વ જજનો મોટો દાવો
ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને દેશભરમાં વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો આ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાએ પણ આ મામલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં સુપ્રીમ કોર્ટને SIR અંગેનો પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટ SIRનો નિર્ણય પાછો ખેંચે: જસ્ટિસ ગોપાલ ગૌડા
સુપ્રીમ કોર્ટે ગત મે મહિનામાં બિહારમાં SIR પ્રક્રિયાની કાયદેસરતાને માન્યતા આપી હતી. જોકે, હવે પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચે ખોટા તથ્યો રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કોર્ટને પોતાનો નિર્ણય પાછો ખેંચવા અને ચૂંટણી પંચ પાસેથી આ મામલાના તમામ રેકોર્ડ મંગાવવા અપીલ કરી છે.
જસ્ટિસ ગૌડાએ સવાલ ઉઠાવ્યો છે કે SIR અંગેનો નિર્ણય ચૂંટણી પંચના મોટાભાગના ચૂંટણી કમિશનરોની સહમતિ અને મંજૂરીથી લેવામાં આવ્યો હતો કે નહીં. તેમના મતે, આ પ્રક્રિયામાં ગેરકાયદેસરતા અને બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનના સવાલો ઊભા થાય છે. બીજી તરફ, ફોર્મ-6માં ફેરફારને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટે સુધારેલા ફોર્મ-6ને મંજૂરી આપી નહોતી.
જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાના નિવેદનથી નવો વિવાદ
SIR મુદ્દે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાના નિવેદનથી પણ ચર્ચા તેજ બની છે. તેમણે રવિવારે નાલસાર યુનિવર્સિટી ઓફ લો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે જો કોઈ પ્રક્રિયાના કારણે લાખો ભારતીય નાગરિકો મતદાનના અધિકારથી વંચિત રહેતા હોય, તો તે મનસ્વી અને બંધારણીય વ્યવસ્થાની વિરુદ્ધ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ નાગરિકોના બે વર્ગ બનાવતું નથી—એક વર્ગ જેને મતદાનનો અધિકાર હોય અને બીજો વર્ગ જેને આ અધિકાર ન હોય. તેમના આ નિવેદન બાદ ન્યાયિક મર્યાદા અને વિચારાધીન કેસો અંગે ન્યાયાધીશોની જાહેર ટિપ્પણીઓની ભૂમિકા પર ચર્ચા શરૂ થઈ હતી.
પૂર્વ CJI બી.આર. ગવઈની ટીકા, જસ્ટિસ ગૌડાએ ઉઠાવ્યા સવાલ
જસ્ટિસ ભુઈયાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ સોમવારે કહ્યું હતું કે ન્યાયિક મર્યાદા મુજબ અદાલતમાં વિચારાધીન મુદ્દા પર આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમના મતે, જસ્ટિસ ભુઈયાએ આ મામલે જાહેરમાં નિવેદન આપવાનું ટાળવું જોઈતું હતું.
જોકે, પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાએ ગવઈની આ ટીકા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જસ્ટિસ ભુઈયાની ટીકા કરવાનો ગવઈને શું અધિકાર છે? ગૌડાએ યાદ અપાવ્યું કે જ્યારે ગવઈ બોમ્બે હાઈકોર્ટમાં જજ હતા, ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન લોયા કેસ અંગે ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ ગૌડાના મતે, મતદારોને મોટા પ્રમાણમાં મતદાનના અધિકારથી વંચિત રાખવાની શક્યતા સામે અવાજ ઉઠાવવામાં જસ્ટિસ ભુઈયાએ કોઈ કાનૂની ભૂલ કરી નથી. આ સમગ્ર વિવાદે SIR પ્રક્રિયા, ચૂંટણી પંચની જવાબદારી અને મતદાનના અધિકાર અંગે નવી ચર્ચા જગાવી છે.

