‘નાગરિકો જ મતદાર યાદીમાંથી બહાર થઈ જાય તો SIR શેના માટે?’ હાઈકોર્ટના ચૂંટણી પંચને ધારદાર સવાલ

ગોવામાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision - SIR)ને લઈને બોમ્બે હાઈકોર્ટે ચૂંટણી પંચને અનેક મહત્વના સવાલો કર્યા છે. કોર્ટે ખાસ સવાલ ઉઠાવ્યો કે જો SIRની પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકોના નામ જ મતદાર યાદીમાંથી બહાર થઈ જાય, તો પછી આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ શું રહે છે?
આ મામલો પરેશ સાલગાંવકર અને તેમના પરિવારના પાંચ સભ્યો સાથે જોડાયેલો છે. પરિવારના સભ્યો ભારતીય નાગરિક હોવા છતાં તેમના નામ ગોવાની મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા હતા. પરિવાર દ્વારા સરનામું બદલવા માટે (Form 8) પણ રજૂ કરવામાં આવ્યું હતું.
‘નાગરિક જ બહાર થઈ જાય તો SIRનો હેતુ શું?’
જસ્ટિસ વાલ્મીકી મેનેઝેસ અને જસ્ટિસ અમિત જામસાંદેકરની બેન્ચે ચૂંટણી પંચને સવાલ કર્યો કે બંધારણીય રીતે ચૂંટણી પંચની જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે મતદાર યાદીમાં માત્ર ભારતીય નાગરિકોના નામ જ સામેલ હોય.
કોર્ટે કહ્યું કે SIRનો મુખ્ય આધાર એ હોવો જોઈએ કે મતદાર ભારતીય નાગરિક છે કે નહીં. માત્ર મતદાર કોઈ ચોક્કસ સ્થળે હાલમાં રહે છે કે નહીં તેના આધારે પ્રક્રિયા થવી જોઈએ નહીં.
હાઈકોર્ટે ‘Catch-22’ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
હાઈકોર્ટે (Electoral Registration Rules, 1960)ના નિયમ 21નો પણ ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે સમગ્ર પ્રક્રિયાને હાલની મતદાર યાદીના આધારે જોવી જોઈએ, માત્ર ડ્રાફ્ટ મતદાર યાદીના આધારે નહીં.
કોર્ટના મતે જો આવું નહીં કરવામાં આવે તો મતદાર પાસે પોતાની સ્થિતિ સુધારવાનો યોગ્ય રસ્તો નહીં રહે. બેન્ચે આ સ્થિતિને ‘Catch-22 Situation’ ગણાવી હતી, એટલે કે એવી પરિસ્થિતિ જેમાં કોઈપણ રસ્તો પસંદ કરો તો મુશ્કેલી ઊભી થાય.
નામ કાઢતા પહેલાં નોટિસ આપવામાં આવી હતી?
હાઈકોર્ટે ચૂંટણી પંચને એ પણ પૂછ્યું કે પરિવારના નામ મતદાર યાદીમાંથી દૂર કરતા પહેલાં તેમને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં.
ચૂંટણી પંચ તરફથી હાજર વકીલે જણાવ્યું કે અલગ-અલગ તબક્કે નોટિસ બોર્ડ પર નોટિસ જાહેર કરવામાં આવી હતી, કારણ કે ચૂંટણી પંચ પાસે મતદારોની નવી માહિતી ઉપલબ્ધ ન હોઈ શકે.
Form 6 અને Form 8 અંગે પણ સવાલ
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે SIRની માર્ગદર્શિકા મુજબ જેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા હતા અને જેમણે (Enumeration Form) ભર્યું ન હતું, તેમના (Form 8) પર કાર્યવાહી કરી શકાતી નથી.
ચૂંટણી પંચ તરફથી એવી દલીલ કરવામાં આવી કે સાલગાંવકર નવા વિસ્તારમાં નવા મતદાર તરીકે (Form 6) ભરી શકે છે, કારણ કે SIR દરમિયાન મતદાર યાદી નવેસરથી તૈયાર થઈ રહી હોવાનું માનવામાં આવે છે.
‘Form 6 ભરવું ખોટી જાહેરાત ગણાશે’
આ દલીલ પર હાઈકોર્ટે મહત્વપૂર્ણ સવાલ કર્યો. બેન્ચે કહ્યું કે જો કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થયો હોય અને તેનું નામ અગાઉથી મતદાર યાદીમાં નોંધાયેલું હોય, તો તેને Form 6માં પોતે નવા મતદાર હોવાનું જાહેર કરવા કેવી રીતે કહી શકાય?
કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવી સ્થિતિમાં Form 6 ભરવું ખોટી જાહેરાત બની શકે છે. બીજી તરફ, જો વ્યક્તિ સરનામું બદલવા માટે Form 8 ભરે અને તેને સ્વીકારવામાં ન આવે, તો તેની સામે ફરી Enumeration Form ભરવાની સ્થિતિ ઊભી થાય છે.
‘આવા ફોર્મ પર કોઈ મતદાર સહી નહીં કરે’
હાઈકોર્ટે પ્રી-ફિલ્ડ (Pre-filled) Enumeration Formમાં કરવામાં આવતી જાહેરાત પર પણ સવાલ ઉઠાવ્યો. બેન્ચે કહ્યું કે જો કોઈ વ્યક્તિ અન્ય સ્થળે સ્થળાંતર કરી ચૂક્યો હોય, પરંતુ તેનું નામ અગાઉના સ્થળની મતદાર યાદીમાં હોય, તો તે જ્યાં હવે રહેતો જ નથી ત્યાં પોતાનું નામ સામેલ હોવાની જાહેરાત કેવી રીતે કરી શકે?
કોર્ટે કહ્યું કે આવી જાહેરાત વ્યક્તિ માટે ખોટા નિવેદન બદલ કાર્યવાહીનું જોખમ ઊભું કરી શકે છે. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ મતદાર આવા ફોર્મ પર સહી નહીં કરે અને તેણે આવું કરવું પણ ન જોઈએ.
હાઈકોર્ટે ચૂંટણી પંચને Enumeration Form અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. આ મામલે સુનાવણી મંગળવારે પણ ચાલુ રહેશે.

